અમદાવાદના ડૉ. કેતન પટેલ અને જાણીતા ગુજરાતી ગાયક જયદેવ ગોસાઈ મળીને એક ખાસ કાર્યક્રમ લઈને આવ્યા છે. સંગીત એ માત્ર મનોરંજન માટે નથી, પણ સેવાનું માધ્યમ પણ બની શકે છે.
આ ઉમદા વિચાર સાથે જયદેવ ગોસાઈનો લાઈવ પર્ફોર્મન્સ કાર્યક્રમ ‘કલર્સ ઓફ મ્યુઝિક’ યોજાવા જઈ રહ્યો છે. 21મી માર્ચને શનિવારના રોજ રાત્રે 9 કલાકે, ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. જેમાંથી થનારી આવક બાળકોમાં થતા ડાઉન સિન્ડ્રોમ (Down Syndrome) અને ઓટિઝમ (Autism)ના રિસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ખાસ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે ચિત્રલેખા.કોમ એ જયદેવભાઈ સાથે વાત કરીને તેમની સંગીત સફર તેમજ જીવન સફર વિશે જાણવાનો પ્રયાસ કર્યો.
મહુવાના ખારી ગામથી શરૂ થઈ સંગીતની સફર
જયદેવ ગોસાઈ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખારી ગામના રહેવાસી છે. માત્ર ૩-૪ વર્ષની નાની ઉંમરથી જ પિતા ધીરજગીરી ગોસાઈ સાથે ગાવાનું શરૂ કરી દીધું હતું. પિતા ભજન ગાતા અને તેમને ધૂન ગવડાવવાની પ્રેક્ટિસ શરૂ થઈ. શાળામાં શિક્ષકો પ્રાર્થના માટે તેમને આગળ લાવતા. ઘરમાં સાહિત્ય અને સંગીતનો સમૃદ્ધ માહોલ હતો. પરિવારમાં બાપુજી, પિતા, મોટા ભાઈ, કાકા-બાપાના મળીને ૧૩ ભાઈઓ ગાયન સાથે જોડાયેલા હતા. મહુવામાં મોરારીબાપુના આશ્રમમાં પણ તેઓ ગાતા હતા. ૮મા ધોરણ પછી શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક કનુભાઈ પાસેથી ક્લાસિકલ સંગીતની તાલીમ શરૂ કરી. પિતા તેમના પ્રથમ ગુરુ અને મિત્ર હતા. તેઓ વિવિધ ટાસ્ક આપતા – તડકામાં કેટલા કલાક રહી શકે છે, મૌન કેટલા કલાક રાખી શકે છે વગેરે. પિતાના અવસાન પછી પણ તેમના સંસ્મરણો જયદેવભાઈના હૃદયમાં જીવંત છે. માતા હજુ ખારી ગામમાં રહે છે અને સમય મળે ત્યારે તેઓ મળવા જાય છે.
ભારતભરની ગુરુકુલ યાત્રા
શાળાનું શિક્ષણ ભાવનગરમાં પૂર્ણ કર્યા પછી રાજકોટની હિરાણી કોલેજમાંથી પર્ફોમિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન તેમણે આખા ભારતનું ભ્રમણ કર્યું – કલકત્તા, ગ્વાલિયર, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ જઈને પ્રાંતીય, લોક અને ક્લાસિકલ સંગીત શીખ્યું. વર્લ્ડ પ્રેસ રેડિયો પર ક્લાસિકલ મ્યુઝિક ચેનલ હતી. રાતોની રાતો જાગીને તેમાંથી શિડ્યુલ બનાવતા હતા. જે ગાયકો ગમતા, તેમના નામ-સરનામા નોંધીને તેમને મળવા પહોંચી જતા. જો જગ્યા મળે તો તેમના ઘરે જ રહીને શીખતા, નહીં તો મંદિરમાં આશરો લઈને પણ તાલીમ ચાલુ રાખતા. સૌથી કઠિન તાલીમ પંડિત અજય ચક્રવર્તી પાસે કલકત્તામાં મળી. એક જ લાઈન ૧૦ દિવસ સુધી ૧૬ કલાક ગાવાની પ્રેક્ટિસ કરવાતા અને અઢી વર્ષ સુધી એક જ રાગ શીખવવાની કઠોર સાધના તેમણે કરી. ઠુમરી, ખયાલ, ગઝલ, કજરી, ઝુલા, સાવન – દરેકની સૂક્ષ્મતા તેમણે શીખી. તેમણે ખરા અર્થમાં શીખવ્યું કે ગાયકી શું હોય છે. ગીત કેવી રીતે અને કેમ ગાવું જોઈએ.
પ્રથમ મંચ અને મોટી સિદ્ધિ
૧૧ વર્ષની ઉંમરે ૧૯૯૭માં ખાંભામાં પ્રથમ શો કર્યો. ત્યારે એટલી નાની ઉંમરમાં હજારોની સંખ્યામાં લોકો સાંભળવા આવતા. પછી તો એક પછી એક શો મળતા ગયા. પરંતુ જયદેવભાઈના પિતાએ તેમને સલાહ આપી કે તું બાળકલાકાર બનીને ન રહી જા. આખી જીંદગી ગાયન કરવું હોય તો અત્યારે છોડી દેવું પડે. કારણ કે બાળ કલાકારનો અવાજ જ્યારે પુખ્ત થાય છે ત્યારે તેને કોઈ સ્વીકારતું નથી. ત્યાર બાદ શો બંધ કરીને ૧૯ વર્ષ માત્ર તાલીમમાં વિતાવ્યા. જ્યારે ગુજરાતમાં ‘કોન્સર્ટ’ શબ્દ પણ નવો હતો, ત્યારે જયદેવભાઈએ સિમ્ફોની ઓર્કેસ્ટ્રા સાથે કોન્સર્ટ કર્યા અને લોક સંગીત, સૂફી સંગીત સહિત વિવિધ શૈલીઓ પ્રસ્તુત કરી. ૨૦૦૭માં ઈન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલમાં વિજેતા બન્યા અને રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના હસ્તે સન્માન મેળવ્યું. ૨૦૧૦માં વેરાવળના પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ૫૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા, તે જયદેવભાઈ માટે જીવનનો એક મહત્વની પળ હતી. ત્યારે તેમને લાગ્યું કે ખરેખર સંગીતની સાધના ફળી છે. પરંતુ સંગીત વિશેના વિચારો, ક્લાસિકલ સંગીત તેમના હૃદયની નજીક છે. કોઈપણ ક્ષણે ગાવાનું કહે તો તૈયારીમાં ગાઈ શકે તેવી તેમની સ્થિતિ છે. રોજ પોતાના આરાધ્ય દેવ શિવ માટે તેઓ ગાઈ છે. બોલીવુડનું ગીત ‘મીતવા’ એક કાર્યક્રમમાં જયદેવભાઈએ એટલું અસરકારક ગાયું કે મૂળ પાકિસ્તાની ગાયક શૌકત અલી ઉપરાંત હરિહરન અને સોનુ નિગમે પણ સોશિયલ મીડિયામાં જયદેવભાઈના વખાણ કર્યા.
ગુજરાતી ફિલ્મ અને સંગીત વિશે તેઓ કહે છે કે, અન્ય પ્રાદેશિક ભાષાઓની સરખામણીમાં અહીં ક્રાફ્ટિંગ હજુ મજબૂત નથી. ‘રેવા’ જેવી ફિલ્મ સારું ઉદાહરણ છે. આજે વિષયો સારા આવી રહ્યા છે, પરંતુ પર્ફેક્શન હજુ બાકી છે. ગુજરાતી લોકો સારી વસ્તુને ચોક્કસ સ્વીકારે છે.પહેલાના સમયમાં ગીતકાર, સંગીતકાર અને ગાયક ૧૦-૧૫ દિવસ સુધી સાથે રિહર્સલ કરતા, જેનાથી સંગીતમાં મીઠાશ આવતી. આજે ટેક્નોલોજીના કારણે અલગ-અલગ રેકોર્ડિંગ થાય છે, તેથી તે મીઠાશ ઓછી થઈ છે.
જયદેવભાઈ ગોસાઈનું જીવન અને લક્ષ્ય સ્પષ્ટ છે – સારું સંગીત શીખવું, લોકો સુધી પહોંચાડવું અને જે કોઈ શીખવા આવે તેને શીખવવું. શનિવારના કાર્યક્રમ ‘કલર્સ ઓફ મ્યુઝિક’માં આવીને તમે માત્ર સંગીતનો આનંદ જ નહીં, પરંતુ એક ઉમદા કાર્યમાં પણ યોગદાન આપી શકશો.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
(તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ)




