મુંબઈ: આધુનિક યુગમાં ભૌતિક પ્રગતિની સાથે આધ્યાત્મિક મૂલ્યોનું જતન અને સંવર્ધન પણ એટલું જ જરૂરી બની ગયું છે. આજની યુવા પેઢી વૈશ્વિક સંસ્કૃતિના પ્રવાહમાં આગળ વધી રહી છે ત્યારે તેને પોતાના મૂળ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન કરાવવાની અને એની સાથે જોડવાની તાતી જરૂર છે.
આ ઉમદા હેતુ સાથે મલાડ પશ્ચિમ ખાતે આવેલી ઓરિસ સેરેનિટી સોસાયટીના સભ્યોએ પોતાના ઘર આંગણે અધિક મહિનાના પાવન અવસર દરમ્યાન ૧ જૂનથી ૭ જૂન સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું છે, જ્યાં શાસ્ત્રીજી શ્રી કપિલ મહારાજ પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રાવકોને કથા રસપાન કરાવે છે.
ઓરિસ સેરેનિટી સોસાયટીમાં તાજેતરમાં વસાહતીઓ દ્વારા વસાહતમાં જ વૈષ્ણવ સંઘ શરૂ કરવામાં આવ્યો છે, જયાં વસાહતીઓ ભેગા મળીને આપણા ધાર્મિક ઉત્સવો પંરપરાગત રીતે ઉજવે છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો જીવંત ગ્રંથ છે.
ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય ચરિત્રો, ભક્તિના આદર્શો અને જીવનને સત્ય, કરુણા તથા ધર્મના માર્ગે દોરતા ઉપદેશો તેમાં સમાવિષ્ટ છે અને એટલે જ વૈષ્ણવ સંઘ દ્વારા કથાના માધ્યમથી ભગવદ્ જીવનના વિવિધ પ્રસંગોનું સરળ અને રસપ્રદ નિરૂપણ કરીને શ્રોતાઓને આધ્યાત્મિક જ્ઞાનનો અમૂલ્ય ખજાનો અર્પણ કરવાના આશય સાથે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સનાતન પરંપરા સાથેનો સેતુસંધાન
ઓરિસ સેરેનિટી વસાહતના ખ્યાતિબહેન મશરૂ-વસાણી આ વિષયમાં વધુ માહિતી આપતાં કહે છે, “આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ માત્ર ધાર્મિક કાર્યક્રમ યોજવાનો નથી, પરંતુ સમાજમાં સનાતન પરંપરા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને નવી પેઢીને તેના મૂળ સાથે જોડવાનો રહયો છે. બાળકો અને યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમર્પણ અને ભક્તિ જેવા ગુણોનું મહત્વ સમજાવવાનો છે. આજના ઝડપી જીવનમાં જ્યાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનું પ્રભુત્વ વધી રહ્યું છે અને બાળકો તેમ જ યુવાઓમાં ધીરજની ઉણપ અને સ્વભાવમાં આક્રમકતા વધી રહી છે ત્યારે ઘર આંગણે થતા આવા કાર્યક્રમો યુવા મનને સનાતન સંસ્કાર અને આધ્યાત્મિકતાની દિશા તરફ વાળવા સહાયરૂપ થાય છે.”
બાળકો અને યુવાઓને આકર્ષતા કાર્યક્રમો
કથા દરમ્યાન વિષ્ણુ અવતાર પ્રાગટ્ય ઉત્સવ ઉપરાંત બાળકોને આ જ્ઞાનયજ્ઞમાં જોડવા માટે બાળલીલા ઉત્સવમાં ખાસ બાળકોને ધ્યાનમાં રાખીને પ્રસ્તુતિઓ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ બાળકો અને યુવાઓને આકર્ષે એવી કૃષ્ણથીમ હાઉસી, ગરબા નાઈટ વગેરેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખ્યાતિબહેન સહર્ષ જણાવે છે, “ભાગવત સપ્તાહ દરમિયાન સમગ્ર પરિસરમાં ભક્તિમય અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે. સમાજમાં એકતા, સૌહાર્દ અને સંસ્કારનું સિંચન કરતું આ આયોજન સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉપક્રમો માત્ર પરંપરાનું જતન જ નથી કરતા, પરંતુ નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડીને ઉજ્જવળ અને મૂલ્યનિષ્ઠ ભવિષ્યનું નિર્માણ પણ કરે છે.”

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન(VYO)ના સથવારે પાઠશાળાનો પ્રારંભ
શ્રીમદ્ ભાગવત કથાના શુભ અવસરે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજકુમાર મહોદયજીના માર્ગદર્શન અને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન(VYO)ના સથવારે મલાડની ઓરિસ સેરેનિટી વસાહત ખાતે બાળકો અને યુવાઓ માટે પાઠશાળાની શરૂઆત કરવામાં આવી છે. ૬ થી ૧૬ વર્ષના બાળકો માટે ઘર આંગણે શરૂ કરવામાં આવેલી આ પાઠશાળાનો ઉદ્દેશ્ય આજની પેઢીને આપણા પારંપારિક જીવન મૂલ્યો અને સિદ્ધાંતો સાથે અવગત કરાવવાનો અને એ દ્વારા સુખ અને શાંતિમય ઉન્નત જીવનમાર્ગ તરફ દોરવાનો છે. VYO દ્વારા ખાસ બાળકો અને યુવાઓ માટે સનાતન અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો અને સામાજિક અને નૈતિક મૂલ્યોને આવરી લેતો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જે દ્વારા બાળકોમાં કુમળી વયે જ વ્યક્તિગત વિકાસ સાથે સામાજિક અને આધ્યાત્મિક વિકાસ શક્ય બને છે, એટલું જ નહિ ભવિષ્યમાં સમાજ માટે ઉત્કૃષ્ટ નાગરિક તૈયાર કરવાનો એમનો સંકલ્પ છે.
VYO દ્વારા વૈશ્વિક સ્તરે આ અભ્યાસક્રમ શીખવવાની શરૂઆત થઈ છે. વિશ્વના આઠ દેશોમાં ચાલીસ જેટલાં કેન્દ્રોમાં આ સનાતન પરંપરા પ્રેરિત અભ્યાસક્રમ દ્વારા બાળકો અને યુવાઓને મૂલ્ય શિક્ષણ સાથે સુખ અને શાંતિની સાચી પરિભાષા શીખવવામાં આવે છે. સનાતન પરંપરા અને પુષ્ટિમાર્ગના આદર્શો માત્ર ધાર્મિક જીવન પૂરતા મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિને પ્રેમ, સહઅસ્તિત્વ અને માનવતાના માર્ગે આગળ વધવામાં પણ માર્ગદર્શન આપે છે. પાઠશાળામાં આ અભ્યાસક્રમ દ્વારા બાળકો અને યુવાનોને આપણા પ્રાચીન ઋષિમુનિઓના જ્ઞાન, ભારતીય સંસ્કૃતિની વૈભવી પરંપરા અને સનાતન ધર્મની વૈશ્વિક મહત્તાનો પરિચય કરાવવામાં આવશે. આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ જાણવાથી નવી પેઢીમાં આત્મવિશ્વાસ અને ગર્વની ભાવના વિકસે તે માટે આ પાઠશાળા નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.
(અનિતા ભાનુશાલી – મુંબઈ)






