કેવલ્યધામ કઈ રીતે ફિઝિકલ, મેન્ટલ, સોશ્યલ, ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ રિચાર્જ સ્ટેશન છે?

શું આપણને ખબર છે આજના સમયમાં શરીર કરતા મનને આરામની વધુ જરૂર પડે છે? પોતાના મનને આરામ અપાવવા લોકો ઘરથી દુર એવા સ્થળે જાય છે જયાં તેમને શાંતિનો અહેસાસ થાય. આવા સ્થળો કેટલાં અને કયાં? શોધવા પડે. બીજું, હવે લોકો વધુને વધુ હેલ્થ કોન્શ્યસ (સ્વાસ્થય પ્રત્યે જાગ્રતિ) પણ થવા લાગ્યા છે. શરીર-મનના આરામ સાથે શાંતિ અને ઈમોશનલ આનંદની શોધ પણ થવા લાગી છે. આજની ભાગદોડ, ચિંતા અને તનાવથી ગ્રસ્ત અને ત્રસ્ત જીંદગીમાં માનવીઓ એવા સ્થળ પણ શોધતા હોય છે, જયાં સ્પિરિચ્યુઅલ અનુભવ-અહેસાસનો સંતોષ પણ મળે. મુંબઈ નજીક આવા સ્થળોમાં કેવલ્યધામ એક એવું સ્થળ છે, જયાં આ તમામનો સંગમ મળી શકે છે.

મુંબઈથી રોડ માર્ગે લગભગ ૨ થી ૩ કલાકના અંતરે આવેલા લોનાવાલામાં આ ધામ આવેલું છે, જે ભારતનું પ્રતિષ્ઠિત યોગ ધામ કહેવાય છે. ઓથેન્ટિક યોગમાં કેવલ્યધામ અગ્રક્રમે ગણાય છે. અહીં યોગ મારફત માનવીની શારિરીક (ફિઝિકલ), માનસિક (મેન્ટલ), સામાજીક (સોશ્યલ), ઈમોશનલ (લાગણીતંત્ર), આધ્યાત્મિક (સ્પિરિચ્યુઅલ) હેલ્થની બરાબર કાળજી લેવાય છે. દરેક માણસ અહી રિફ્રેશ તેમ જ રિચાર્જ થવા જઈ શકે છે.એકસો વરસથી સતત કાર્યરત કેવલ્યધામ મહારાષ્ટ્રનું અને દેશનું ઉત્તમ યોગધામ બન્યું છે, ગયા વરસે ૧૦૦ વરસની ઉજવણીમાં અહી દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા હતા. આ ઉપરાંત અહી દેશની અનેક સેલિબ્રિટીઝ રિચાર્જ થવા કે મુલાકાત લેવા પણ આવતી રહે છે.

રિસર્ચ પર વિશેષ ફોકસ

 આયુર્વેદ થેરાપી રૂમ

કેવલ્યધામ એક ટ્રસ્ટ છે, જેથી અહી દરેક કાર્ય-પ્રવૃતિ વ્યકિતલક્ષી નહીં, બલકે વિષયને કેન્દ્રમાં રાખી સમાજ કલ્યાણ માટે જ થાય છે. ભલે અહી બધું વિનામૂલ્ય નથી, પરંતુ જેને પણ જરૂરીયાત મુજબ અપાય છે કે ઓફર થાય છે એ અમૂલ્ય હોય છે. કેવલ્યધામની ૧૭ વરસથી નિયમિત મુલાકાત લેતા જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલાના જણાવ્યાનુસાર અહી શરૂઆતથી રિસર્ચ (સંશોધન) પર વિશેષ ભાર મુકાયો છે, જેમાંથી અનેકવિધ હેલ્થ સમસ્યાના ઉપાય મળે છે અને રાહત પણ મળે છે. આ રિસર્ચ કાર્યમાં નિષ્ઠાંપૂર્વક કામ કરતા લોકો કોર્પોરેટ સેકટરમાં કામ કરે તો લાખો રૂપિયાના સેલેરી પેકેજ પામે, કિંતુ અહી આ સેવાભાવી લોકો નાના સેલેરી પેકેજ સાથે પણ સેવા આપે છે. વિવિધ ક્રોનિક રોગોમાં રિસર્ચની ભૂમિકા બહુ અહમ બનતી હોય છે અને આ પ્રોસેસ સતત ચાલતી રહેતી હોવાથી તેમાં સમયાંતરે નવા ઉપાય પણ મળતા રહે છે. એક સમયે અસ્થમા, માઈગ્રેન, વગેરે જેવી સમસ્યાના ઉપાય મળતા નહોતા, જેને રિસર્ચથી ઘણી રાહત આપી શકાઈ છે. આમાંના મોટાભાગના રિસર્ચ યોગ આધારિત થાય છે. ખરેખર તો યોગ પાસે માનવીની શારિરીક, માનસિક સહિતની સમસ્યાના બહેતર નકકર ઉપાય છે, પણ એ માટે માનવીની તેમાં શ્રધ્ધા હોવી અને એ કરવા માટેની ધગશ અને નિષ્ઠા હોવી આવશ્યક છે.

હેલ્થકેરમાં નકકર પાયાની કામગીરી

પ્રિ-ડાયાબેટિક સ્ટેજ હોય કે માઈગ્રેનના કિસ્સા હોય તેના યોગિક ઉપાય થાય છે. ઘણા રોગોને ઉગતા ડામી શકાય અથવા વધતા અટકાવી શકાય છે. આમાં સંસ્થા કોઈ દાવા કરીને લોકોને આકર્ષતી નથી, બલકે નકકર ઉપાય કરે છે. આ સાથે સ્પોન્ડિલાઈટિસ, સાઈટિકા અને પીઠના દુખાવા, વગેરે સમાન શરીરની વિવિધ સમસ્યાના ઉપાય-ઈલાજ થાય છે. આ ધામમાં આયુર્વેદ, નેચરોપેથી અને યોગા આધારિત વિવિધ સ્તરે ઈલાજના વિકલ્પો છે. આજના સમયમાં આ તમામ પ્રકારના રોગ સાથે સ્ટ્રેસ, ડિપ્રેશન, વગેરેની સમસ્યા પણ સતત વધી રહી છે. માનવી એક યા બીજા કારણસર તરત ડિપ્રેશનમાં અથવા માનસિક વ્યથામાં ઊંડો ઉતરી જઈ શરીરમાં વિવિધ રોગોને આમંત્રણ આપી બેસે છે. આના ઉપાયમાં પ્રાણાયામ સહિતના સફળ પ્રયોગો થાય છે. આજની લાઈફ સ્ટાઈલ પણ રોગોને આમંત્રણ આપવાનો માર્ગ બની ગઈ છે, જેને જાણતા-અજાણતા સૌ કોઈ અપનાવી રહયા છે. ત્યારબાદ મેડિકલ -મેડિસિન્સના આધારે તેમાં તાત્કાલિક રિલીફ મેળવી ફરી એ જ ચકકરમાં અટવાયા કરે છે, તેઓ એમાંથી જડમૂળથી બહાર આવવાના સચોટ ઉપાય કરતા નથી. વાસ્તવમાં કેવલ્યધામમાં હેલ્થકેરની તમામ સુવિધા હોવાછતાં અને આ ધામ મુંબઈથી નજીક હોવાછતાં લોકોમાં આ વિશેની પર્યાપ્ત જાગ્રતિનો નથી, જેને લીધે લોકો દુર-દુર અને એ પણ અતિ ખર્ચાળ સેન્ટરોમાં ઈલાજ કરાવવા પહોંચી જાય છે. જોકે ગૌરવભાઈ કહે છે કે છેલ્લા અમુક વરસથી કેવલ્યધામ વિશેની જાગ્રતિ વધી રહી છે. અહી વિદેશોથી પણ મુલાકાતીઓ આવતા રહે છે, હેલ્થ માટે અને શિક્ષણ માટે પણ આવે છે. નોંધપાત્ર વાત એ છે કે આ ધામમાં વરસે આશરે ૩૦૦૦ મુલાકાતીઓ આવે છે. અહી રહીને યોગ કરો અથવા હેલ્થ સારવાર કરાવો, દરેક માટે નિયત કાર્યક્રમો હોય છે. ક્રોનિક રોગો સામે લડવા અહી વિકલી વર્કશોપ હોય છે.

વાજબી દર અને રાહત

ઘણાંને એમ હશે કે અહી બધું બહુ કોસ્ટલી હશે, કિંતુ એવી માન્યતા ખોટી છે. આજે માનવી શરીર સ્વાસ્થ્ય માટે નાણાં ખર્ચે તે ખર્ચ નથી, બલકે ઈન્વેસ્ટમેન્ટ છે,કારણ કે જનમાનસમાં હવે એક સત્ય ઘર કરી રહયું છે કે હેલ્થ ઈઝ ધ રિઅલ વેલ્થ. ગૌરવભાઇના અભિપ્રાય મુજબ અહી વાજબી દરોએ રહેવાની ઉત્તમ સુવિધા પણ છે.અહી ગરીબ-જરૂરતમંદ વર્ગને રાહત અપાય છે. તેમની માટે દાતાઓ સહાય કરે છે. સસ્થા પણ એ મુજબની વ્યવસ્થા કરે છે.

તાતા મેમોરિઅલ સાથે સહયોગ

કેવલ્યધામ મુંબઈની કેન્સર માટે જાણીતી હોસ્પિટલ તાતા મેમોરિઅલ હોસ્પિટલ સાથે સમજુતી કરાર ધરાવે છે, જેના હેઠળ તાતામાં કિમોથેરાપી સહિતની સારવાર લેનાર દર્દી એ પછીથી બહુ ભારે હતાશા કે અસલામતી અથવા ભય સાથે જીવન જીવતો હોય છે, અર્થાત દર્દીઓ ઈમોશનલ રીતે નબળાં પડી જતા હોય છે. આ ધામમાં આવા દર્દીઓની ઈમોશનલ, ફિઝિકલ, મેન્ટલ હેલ્થની કાળજી માટે વિવિધ યોગ-પ્રાણાયામ કરાવાય છે, જેના બહુ અસરકારક પરિણામ જોવા મળે છે.

પ્રાઈમરી સ્કુલથી લઈ પીએચડી સુધી

એક રસપ્રદ વાત એ પણ છે કે કેવલ્યધામમાં પ્રાઈમરી લેવલની સ્કુલથી લઈ કોલેજ સુધી યોગનો અભ્યાસ આવરી લેવાય છે, સ્કુલમાં બાળકોને અન્ય નિયમિત અભ્યાસ સાથે યોગ અભ્યાસ કરાવાય છે.અહી સ્કુલમાં તો આસપાસથી વિધાર્થીઓ આવે છે.જયારે કે ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સીસ માટે લોકો દેશભરમાંથી આવતા રહે છે. ડિપ્લોમા કોર્સ એ કેવલ્યધામની વિશેષતા ગણાય છે. આ અભ્યાસ બાદ લોકોને રોજગાર મળવાની શકયતા ઊંચી રહે છે તેમ યોગ ટીચર તરીકે તેઓ પોતાનું અલગ પ્રોફેશન પણ શરૂ કરી શકે છે.આજના સમયમાં યોગની ડિમાંડને ધ્યાનમાં રાખતા યોગ નિષ્ણાંત માટે આ કેરિયરમાં આગળ વધવાનો ભરપુર અવકાશ છે.આ ધામની મજાની વાત એ પણ ખરી કે અહી યોગ પર માસ્ટર અને પીએચડી (ડોકટરેટ) પણ થઈ શકે છે.વિવિધ દેશોથી પણ વિધાર્થીઓ અહી યોગ શીખવા આવે છે.આ યોગમય સ્કુલ તરીકે જાણીતી છે. અહી યોગ શીખેલા લોકો આજે યોગ ક્ષેત્રે દુનિયાભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

કેવલ્યધામ યોગા ઈન્સ્ટીટયુટની સ્થાપના સ્વામી કુવાલયનંદાએ કરી હતી, તેમને પોતાની વિદાય પહેલાં સંસ્થા માટે એક ખાસ સંદેશ આપી ગયા હતા, જેમાં તેમણે કહયુ હતુ કે આ સંસ્થા કયારેક બંધ થઈ જાય તો ચાલશે, પરંતુ અહી યોગના સ્તર કે કક્ષાને નીચે ઉતરવા દેતા નહી.

આ કેવલ્યધામ ભારતનું અને યોગ શિક્ષણનું ગૌરવ છે. આ ધરોહરને સાચવી રાખવાની જ નહીં, બલકે તેના વિકાસમાં સહયોગ આપવાની જરૂર છે એમ કહેતા ગૌરવ મશરૂવાળા ઉમેરે છે કે આ સહયોગને પણ રાષ્ટ્રપ્રેમ ગણી શકાય.

( અહેવાલ-જયેશ ચિતલિયા, મુંબઈ)