`છક થઈ ગયાને?’ હવે તમે કહેશો, પાસપોર્ટ એટલે શું વાંચવાનું પુસ્તક છે? જોકે હું મારો પાસપોર્ટ વચ્ચે વચ્ચે વાંચું છું. એકાદ સુવિચારની ડાયરી હોય તે રીતે. હમણાં પણ હું આ લખવા પૂર્વે મારો પાસપોર્ટ વાંચતી હતી અને દોઢ કલાક કઈ રીતે વીતી ગયો તેનો ખ્યાલ જ નહીં રહ્યો.
કોઈ પણ પુસ્તક વાંચતી વખતે મારી આદત છે હાથમાં પેન રાખીને જે પણ મહત્ત્વનું જણાય તે અંડરલાઈન કરવાનું. જોકે આ પાસપોર્ટ નામે પુસ્તક થોડું એટિટ્યુડવાળું છે, કાયમ પોતાના રુઆબમાં. તેની પર આપણે ક્યાંય અંડરલાઈન નહીં કરી શકીએ કે તેનાં કોઈ પણ પાનાં પર કોઈ પણ આંચકો અથવા ડાઘ લગાવી નહીં શકીએ કે તેની પર પાણી શાહી દૂધ ચા ધોળાવા નહીં દઈ શકીએ. આથી આપણે અન્ય પુસ્તકો વાંચતી વખતે સૂઈને વાંચીએ તેવું તેનું નથી. એક શાંત ખૂણામાં પદ્માસનમાં બેસીને ધીમેથી હું પાસપોર્ટ નામે પુસ્તકનું વાંચન કરતી હોઉં છું. હમણાં સુધી કેટલા પાસપોર્ટ થયા તે મેં ગણતરી કર્યું નથી, જેથી આ મારો પચ્ચીસમો પાસપોર્ટ છે એવું હું ખાતરીપૂર્વક કહી શકું એમ નથી. જોકે તેનાથી મારા પાસપોર્ટની સંખ્યા વધુ જ હશે. વારુ, તો `પાસપોર્ટ વાંચન’ એકાદ પઠન જેવો મારો કાર્યક્રમ હોય છે. તે પાસપોર્ટ પરના દરેક વિઝા અને ઈમિગ્રેશનના સ્ટેમ્પ મને ટ્રાન્સમાં લઈ જાય છે.
એકાદ મેડિટેશન જેવો અનુભવ. પાસપોર્ટ પરનો તે સિક્કો `ટાઈમ ટ્રાવેલ’ કરાવે છે અને પછી આપણે ખરા અર્થમાં `અરાઉન્ડ ધ વર્લ્ડ’ની તે યાદોમાં પોતાના પ્રવાસની સેર કરી આવીએ છીએ. અહીં આપણને `ચલો ચલો’ કહેનારો ટુર મેનેજર નથી હોતો કે `લેટ્સ ગો’ કહીને આપણી પાછળ ભણભણ કરતા તે દેશનો લોકલ ગાઈડ, તેથી આપણે પોતાના મનગમતા ઠેકાણે ગમે તેટલો સમય વિતાવી શકીએ છીએ. તેની પર અમુક સિક્કા બિલકુલ કોઈ યાદ આવવા દેતા નથી. બુદ્ધિને ગમે તેટલો તાણ અપાય છતાં ઢિમ્મ. કાંઈ એટલે કાંઈ યાદ નથી. જોકે પછી મોડર્ન ટેકનોલોજી શા માટે છે? `તું શેર તો મૈ સવ્વાશેર’ કહીને હું મારો મોબાઈલ કેમેરા ખોલું છું અને તે સ્ટેમ્પ પર ડેટ નાખું છું, પછી મારી તે યાદ ન આવનારી ચેલેન્જને તે દિવસના ફોટોની જોડ મળે છે અને તે ડેસ્ટિનેશનની યાદોમાં હું મન મૂકીને વિહાર કરવા લાગું છું. હાથમાં મોબાઈલ આવે એટલે આપણે બધું જ ભૂલી જઈએ છીએ એ વસ્તુસ્થિતિ છે આજના જમાનાની, પરંતુ તે મોબાઈલને પણ ભુલાવે છે આ પાસપોર્ટ નામે પુસ્તક. તમને પણ જ્યારે થોડો સમય મળે ત્યારે આ વાંચનની શરૂઆત કરો! તમારી સ્મરણશક્તિને થોડી વાચા આપો અને તે યાદોના મહાસાગરમાં ડૂબી જાઓ. અગાઉના જમાનામાં (એટલે હવે તેવું જ કહેવું પડશે) આપણા પ્રવાસનું, પર્યટનનું ફોટો આલબમ રહેતું હતું, જે આપણા ઘરના લિવિંગ રૂમમાં ટીપોય પર, એટલે કે, જેને હવે `કોફી ટેબલ’ કહેવાય છે તેની પર રખાતું હતું અને આવતાજતા આપણે તે જોતાં રહેતાં. તે બેસુમાર ખુશી આપતું. તે જ મજા મને મારો પાસપોર્ટ આપે છે.
પાસપોર્ટ આપણને એવી અનંત ખુશીની પળોની યાદ કરી આપે છે. આપણો પહેલોવહેલો પાસપોર્ટ રજિસ્ટર એડી પોસ્ટથી ઘરે આવ્યો તે દિવસ યાદ આવે છે? હવે બાળકો જન્મતાં જ તેમના પાસપોર્ટ માટે અરજી કરવામાં આવે છે. આથી પાસપોર્ટ તેમને માટે `એક જરૂરી બાબત’ બની ગઈ છે. એટલો જ તે સંબંધ છે, પરંતુ આજે જેમની ઉંમર ચાળીસીની આગળ છે તે દરેકને પહેલો પાસપોર્ટ હાથમાં આવ્યો ત્યારની ખુશીનો અનુભવ હશે અને તેમના મનના ખૂણામાં તે ક્યાંક છુપાયેલી હશે. અગાઉ રેશનકાર્ડ આપણા ભારતીય હોવાનું પ્રમાણપત્ર અથવા પ્રૂફ તરીકે, હવે યુનિક આઈડી નંબર સાથેનું આધારકાર્ડ, ઈલેકશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવી બાબતોએ પણ આપણા ભારતીયત્વ પર ખાતરીની છાપ છોડી છે. જોકે આ બધાનો સરતાજ હોય તેમ પાસપોર્ટ રાજસિંહાસન પર બિરાજમાન થઈ ગયો છે. તેના વિના આપણે આપણી ભારતની સરહદ પાર કરી જ નહીં શકીએ.
આજે આપણે બધા જ કામ નિમિત્તે, પર્યટન માટે, આપણા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્ઝને મળવા માટે દુનિયાભરમાં સંચાર કરીએ છીએ અને ધારો કે હમણાં નહીં તો પણઆ ગ્લોબલાઈઝ્ડ દુનિયામાં વિદેશ પ્રવાસની તક ગમે ત્યારે આવી શકે છે. તે સમયે `તરસ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે’ દરેકે પાસપોર્ટ કઢાવી રાખવાનું જરૂરી છે. આપણે ભારતીય હોવાનો આ મજબૂત પુરાવો જેની પાસે નહીં હોય તે વ્યક્તિ એકાદ સારી તક ગુમાવી બેસશે અથવા છેલ્લી ઘડીએ પાસપોર્ટ કઢાવવા માટે વધુ પૈસા ભરવા પડશે. સો `ચાલો… બેગ ભરો… નીકળી પડો.’ એવું કહેવાને બદલે `ઊઠો! પહેલા પાસપોર્ટ કઢાવો’ એવું કહેવું પડશે. પાસપોર્ટ એટલે એક એવી બાબત છે જે આપણને ભવિષ્ય તરફ મોટી આશાથી જોવાનું શીખવે છે. સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ! એટલે કે, પાસપોર્ટ વર્તમાનમાં આપણા હાથમાં હોય તો ભૂતકાળની આપણને યાદ કરાવી આપે છે અને ભવિષ્યકાળ તરફ મોટી આશા સાથે જોવાનું શીખવે છે. મારો પહેલો પાસપોર્ટ કોરો કરકરતો, એકેય વિઝાનો સિક્કો નહીં લાગવાને કારણે રદબાતલ કરાયો. તે સમયે ત્રણ કે પાંચ વર્ષની પાસપોર્ટની વેલિડિટી હતી, પણ પહેલો પાસપોર્ટ કઢાવ્યા પછી તેટલાં વર્ષ મને ક્યાંય વિદેશ પ્રવાસની તક જ મળી નહીં. તે કોરો જ રહીને વેડફાઈ ગયો. જોકે મેં જીદ છોડી નહીં. તુરંત બીજો પાસપોર્ટ કઢાવ્યો અને આ પાસપોર્ટ વેડફાઈ નહીં જવા દઉં એવા `પ્રણ’ લઈને પહેલોવહેલો વિદેશપ્રવાસ થાઈલેન્ડમાં કર્યો. થાઈલેન્ડમાં પગલાંના ગુણ સારા હતા એવું કહેવામાં વાંધો નથી, કારણ કે તે પછી પગમાં જાણે ભીંગરી લાગી હોય તેમ મારો પાસપોર્ટ એકથી અન્ય દેશ, ખંડો પછીખંડો પાર કરવા લાગ્યો. આજકાલ બહુ બહુ તોએક કે બે પાસપોર્ટ, એટલે કે, જે જૂના પાસપોર્ટ પર વેલિડ વિઝા હોય એમ બે પાસપોર્ટ લઈને આપણે પ્રવાસ કરીએ છીએ, પરંતુ અગાઉ તમારા જેટલા પાસપોર્ટ રહેતા તે બધા જોડે લઈને પ્રવાસ કરવો પડતો હતો. ઈમિગે્રશનની લાઈનમાં આવા પાસપોર્ટ લઈને પ્રવાસીઓ ઊભા રહેતા હતા. એક વાર તો એક પ્રવાસીનો અમે તેની પરવાનગી લઈને અમે ફોટો પણ કાઢ્યો, કારણ કે તેના હાથમાં વીસ પાસપોર્ટસ હતા. ફ્રિક્વન્ટ ટ્રાવેલર, ફોરેન રિટર્ન્ડ શબ્દોનું તે સમયે બહુ વજન હતું.
પહેલા મહાયુદ્ધ પૂર્વે દુનિયાના અનેક દેશોમાં પાસપોર્ટ વિઝા વગેરેની સખતાઈ નહોતી. પાસપોર્ટ નામે પ્રકાર જ નહોતો. તે સમયે ક્યાંક ક્યાંક `પરમિશન લેટર્સ’ રહેતા હતા. એટલે કે, ઈસવી સન ચૌદસોના સુમારે ઈન્ગ્લેન્ડનો રાજા પાંચમો હેન્રી પોતાના રાજદૂતોને અથવા વેપારીઓને `સેફ કંડક્ટ’ પત્ર આપતો, જેના દ્વારા તે એક દેશમાંથી અન્ય દેશમાં સુરક્ષિત અને સુલભ રીતે પ્રવાસ કરતા. આ જાણે આજના પાસપોર્ટનું પહેલું સ્વરૂપ. પાસપોર્ટ નામ રીતસર `પાસ’ અને `પોર્ટ’ આ બે અંગે્રજી શબ્દો મળીને બનેલો શબ્દ છે. અગાઉ બધા જ પ્રવાસ સમુદ્રમાર્ગે થતા હતા. તે સમયે અલગ અલગ દેશમાંથી અંદર-બહાર કરવા માટે સંબંધિત દેશના રાજા પાસેથી સ્પેશિયલ પરમિશન લેટર જરૂરી હતો. તેનું જ રૂપાંતર `પાસ ધ પોર્ટ’ એટલે કે, પાસપોર્ટ થઈ ગયું. તે સમયે લોકો એક દેશમાંથી અન્ય દેશમાં મોકળાશથી પ્રવાસ કરતા. ઈટાલીથી અમેરિકા, આફ્રિકાથી ઈન્ગ્લેન્ડ એમ અત્યંત મોટે પાયે લોકોએઆ જ સમયગાળામાં સ્થળાંતર કર્યું હતું. યુદ્ધ પછી જોકે પરિસ્થિતિ બદલાઈ ગઈ, દુનિયાના દેશ સાવધાન થઈ ગયા. દેશોની સીમાઓ સખત બની. ટૂંકમાં કોને પ્રવેશ આપવાનો અને કોને નહીં તે બાબતે ચર્ચા શરૂ થઈ.
આપણા પુરાણમાં, ઈતિહાસમાં, બાઈબલમાં, પર્શિયન સમ્રાટોની વાર્તાઓમાં `પરમિશન લેટર્સ’ અલગ અલગ સ્વરૂપમાં હતા જ. જોકે પહેલા મહાયુદ્ધ પછી 1920માં `લીગ ઓફ નેશન્સ’ (હમણાંના યુનાઈટેડ નેશન્સનું પહેલું સ્વરૂપ)એ એકત્ર આવીને પેરિસમાં એક પરિષદમાં `પાસપોર્ટ’ સંકલ્પનાને આખી દુનિયા માટે એકસમાન સ્વરૂપ આપવામાં આવ્યું અને એક ભૂરા રંગની નાની પુસ્તિકાનો જન્મ થયો, જેમાં સંબંધિત વ્યક્તિનું નામ, જન્મતારીખ, ફોટો, નાગરિકત્વ વગેરે બાબતો હશે એ વાત પર મંજૂરીની મહોર લાગી અને પાસપોર્ટ આખી દુનિયા માટે એક મહત્ત્વની બાબત બની ગયો.
આજે પાસપોર્ટ દરેક વ્યક્તિ માટે અને દરેક ઘર માટે એક મહત્ત્વની બાબત અને સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. જોકે પાસપોર્ટ દરેક દેશની સ્ટ્રેન્ગ્ધ પણ દર્શાવે છે. સૌથી શક્તિશાળી પાવરફુલ પાસપોર્ટ કયા દેશનો છે એવું પૂછશો તો આપણી આંખો સામે તુરંત યુએસએનું નામ આવે છે, પરંતુ તેવું નથી. બધાથી સ્ટ્રોંગ પાસપોર્ટ એટલે કે જે દેશનો પાસપોર્ટ વિઝા વિના વધુમાં વધુ દેશોની મુલાકાત અપાવી શકે તે છે. તો આ પાવરગેમનો વિનર છે એક નાનો દેશ અને તે છે સિંગાપોર. તમે સિંગાપોર પાસપોર્ટ ધારક હોય તો 193 દેશની મુલાકાત લઈ શકો છો અને તે કોઈ પણ દેશના વિઝા તમને કઢાવવા પડતા નથી. બીજા નંબરે વધુ બે નાના દેશ જાપાન અને કોરિયા આવે છે. આ દેશોના પાસપોર્ટ ધારક વિઝા વિના 190 દેશોની મુલાકાત લઈ શકે છે. આ પછી જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ એમ ઘણી બધી યુરોપિયન ક્નટ્રીઝ ત્રીજા ક્રમે છે, જે દેશોના નાગરિક 186થી 188 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. ઈન્ગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા પાંચમા ક્રમે છે, જ્યાંના નાગરિકો 183-184 દેશોની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બારમા સ્થાને આવે છે. તેમના પાસપોર્ટ ધારક 180 દેશની વિઝા વિના મુલાકાત લઈ શકે છે. આપણા ભારતનો નંબર આ યાદીમાં 85મો આવે છે અને આપણે સામાન્ય રીતે 57 દેશની વિઝા વિના મુલાકાત લઈ શકીએ છીએ. આ નંબર્સ વધારવા માટે અને આપણો પાસપોર્ટ મજબૂત બનાવવા માટે દરેક દેશ કાર્યરત હોય છે. આપણા સન્માનનીય વડા પ્રધાનના પ્રયાસ પણ તે દિશામાં ચાલી રહ્યા છે એવું આપણને વારંવાર જણાય છે.દરેક દેશ અને દરેક વ્યક્તિ માટે પાસપોર્ટ મહત્ત્વપૂર્ણ છે. આથી પ્રવાસમાં આપણા પોતાના કરતાં પાસપોર્ટની વધુ કાળજી લેવી પડે છે. આપણે પોતાને જ ચેતવી રાખવાના `પાસપોર્ટ ગુમ નહીં થવો જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં.’ પાસપોર્ટ કાયમ આપણા શરીર પર હોવો જોઈએ સ્લિમ પાસપોર્ટ સ્લિમ પાઉચમાં અથવા આપણા હેન્ડપર્સમાં.તે ભૂલેચૂકે પણ ચેક-ઈન બેગેજમાં નહીં રાખવો જોઈએ.તે ક્યારેય એરપોર્ટ પર ખુલ્લો, વિમાનની સીટ પર પોકેટમાં નહીં રાખવો જોઈએ. તે પાસપોર્ટનાં બધાં પાનાંની ડિજિટલ કોપી સ્કેન કરીને તમારા મોબાઈલમાં, ઈમેઈલમાં, ગૂગલ ડ્રાઈવ અથવા ડ્રોપબોક્સમાં સેવ કરેલી હોવી જોઈએ. ભૂલેચૂકે પણ પાસપોર્ટ ગુમ થયો તો ઈન્ડિયન એમ્બેસીને બતાવવા અને ઈમરજન્સી સર્ટિફિકેટ મેળવવા માટે, પોલીસ સ્ટેશનમાં તે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા આ કોપી ઉપયોગી બને છે. પ્રવાસમાં નીકળતી વખતેજે પાસપોર્ટ આગામી છ મહિના માટે વેલિડ છે અને જેની પર તમે જઈ રહ્યા હોય તે દેશના વિઝા હોય તે જ પાસપોર્ટ લઈને નીકળવું. અનેક પ્રવાસી જૂના પાસપોર્ટ લઈને એરપોર્ટ પર પહોંચે છે અને પછી આર્થિક માનસિક પસ્તાવાનો શિકાર બને છે. અગાઉ કહ્યું તેમ પાસપોર્ટ પર કશું પણ લખવાનું અલાઉડ નથી. તેને સ્ટેપલ પિન મારવાથી પણ તમારો પાસપોર્ટ રદબાતલ થઈ શકે છે. પાસપોર્ટ નાના બાળકોથી દૂર રાખવો. બાળકોએ પાસપોર્ટ ફાડી નાખ્યો હોય તેવી ઘટનાઓ અમે અનુભવી છે.અને હા, એક વાર પાસપોર્ટ અથવા વિઝા હાથમાં આવે એટલે તેની પરનું પોતાનું નામ અને બધી માહિતી બરોબર છે ને? તે આપણે પોતે તપાસ કરી લેવું જોઈએ! જો કશું પણ મિસમેચ હોય તો ત્યાં જ સુધારણા કરાવી શકાય છે. અન્યથા એરપોર્ટ પરથી પાછા આવવાનો વારો આવે છે. અર્થાત આટલો બધો ઉપદ્રવ સહન કરવા કરતાં પાસપોર્ટની કાળજી લેવાનું વધુ આસાન છે.
મારો પાસપોર્ટ મારા માટે બહુ મહત્ત્વનો છે. તેને કારણે મેં દુનિયા જોઈ છે, અનુભવી છે, મારો દુનિયા સાથે સંબંધ જોડાયો છે. મારો પાસપોર્ટ એટલે જાણે મારી યાદોની જાત્રા જ છે. તેનાં દરેક પાનાં મારું સપનું છે. જોકે તે છતાં આજના વૈશ્વિક ઘટનાક્રમ પર નજર ફેરવીએ ત્યારે મન થોડું અસ્વસ્થ થઈ જાય છે. રશિયા- યુક્રેન સંઘર્ષ હોય,મધ્ય પૂર્વમાં તણાવ હોય કે મહાસત્તાઓમાં આર્થિક અને સામર્થ્યની સ્પર્ધા હોય… દુનિયા સતત બદલાઈ રહી છે, નકશા તે જ હોય તો પણ તેમની રેખા પાછળની વાસ્તવિકતા રોજ નવેસરથી રંગાય છે. સમાચારોનાં મથાળાં થકી ક્યારેય આ સીમારેખા બોલ્ડ થાય છે,તો ક્યારેક નિર્બંધ, ક્યારેક ક્યારેક નિર્વાસિતોની વાર્તાઓ સામે આવે છે. જોકે આ જ ક્ષણે, કબાટમાં રાખેલો મારો જૂનો પાસપોર્ટ હાથમાં આવે ત્યારે જૂની યાદોથી ભાવનાઓ મનમાં ઊભરાઈ આવે છે. આ નાના પુસ્તકમાં રાજકારણ નથી હોતું, તેમાં હોય છે યાદો… પહેલી વાર પડેલીવિઝાની છાપ, એરપોર્ટ પરનો પહેલો ઉત્સાહ, અનોખા દેશમાં મળેલું પોતીકાપણાનું સ્મિત, આવી બધી ખુશીની યાદો આપણા મન આસપાસ ઘેરો ઘાલે છે. એક પાના પર પેરિસનો સિક્કો હોય છે, બીજા પર ટોકિયોનું આગમન,તો ક્યાંક એકાદ અણધાર્યા ઠેકાણાની નોંધ… પાસપોર્ટના દરેક સિક્કા એટલે મને સીમાઓની પાર જોડાયેલી માણસાઈની સાક્ષી લાગે છે. આજે દુનિયા અસ્થિરતાના વળાંકે ઊભી છે. આમ છતાં પ્રવાસ આપણને શીખવે છે કે માણસોના મનોમનના સંબંધ આ નકશા પર દેખાતી સીમારેખાની પારના હોય છે. પાસપોર્ટ જોતી વખતે જણાય છે કે આપણે ફક્ત દેશ ભટક્યા નથી, પરંતુ સંસ્કૃતિ, ભાષા. સ્વાદ અને ભાવનાઓની અસંખ્ય છટાઓનો અનુભવ આ પ્રવાસ દરમિયાન લીધો છે.આથી જ અખબારમાં ભૂ-રાજકીય પડકારો તરફ જોતી વખતે ભય કરતાં આશાની જ્યોતનું જતન કરીએ,કારણ કે દુનિયા બદલાય છે, સમીકરણો બદલાય છે,પરંતુ પ્રવાસ થકી જતન થયેલી માણસાઈ અને યાદોકાયમ આપણી જોડે રહે છે. પાસપોર્ટનાં દરેક પાનાંમાંથીતે શાંતિથી, પણ મક્કમ રીતે આપણને કહે છેકે દુનિયા હજુ પણ ફરવા, અનુભવવા અને આપણને જોડવા માટે તૈયાર છે.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)




