જાગવાની ક્ષણ

જ્યારે કાચ ફૂટવાનો અવાજ અને બીજો શોર થયો ત્યારે સાર્થકનું એ દિશા તરફ ધ્યાન ગયું. એણે નાક પર ઊતરી આવેલી ચશ્માંની ફ્રેમને ઠીક કરી, ડાયરીમાં પાના વચાળે પોતાની પેન રાખી—ડાયરી બંધ કરી. ઝભ્ભાની બાંયુને કોણી સુધી ચડાવી અને ઘટનાક્રમ શો હતો એ જાણવામાં સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું.

થોડી જ વારમાં એણે જાણ્યું આ હોટેલમાં ટેબલબૉય તરીકે કામ કરતો છોકરો બેધ્યાનપણે કોઈ શ્રીમંત નબીરા જોડે અથડાતાં ચાઈની પ્યાલી એનાં કીમતી કપડાં પર પડી એમાં એ ટેબલબૉય ઉપર વરસી પડેલો.

ઘરાક સાચવવા માટે હોટલનો મૅનેજર પણ પેલા છોકરાને ખરી—ખોટી સંભળાવતો રહ્યો. છોકરાના મોંમાં જીભજ તાળવે ચોંટી ગયેલી. એ જડ ભાવથી તૂટેલી પ્યાલીઓ એકઠી કરી રહ્યો હતો.

સાર્થકને લાગ્યું જાણે એ તૂટેલા કાચની કરચોમાંથી બીજું પણ કંઈક એકઠું કરી રહ્યો છે.

એ છોકરા માટે અનુકંપાનો ભાવ ઊછળી આવ્યો. આ નિશ્ચિત ટેબલ પર આવીને ૩-૪ ચા પીતાં-પીતાં ડાયરીમાં કશુંક ટપકાવતા રહેવું એ સાર્થકનો નિત્યક્રમ હતો અને એ નિત્યક્રમની ફ્રેમમાં પેલા છોકરાનો પણ સમાવેશ થતો હતો. જે ખૂબ મેનર્ડફુલી… સાર્થકને ટેબલસર્વિસ પૂરી પાડતો. સાર્થક એ ટેબલબૉયને પ્યારથી ‘મિત્ર’ કહેતો.

કાચના ટુકડાઓ ડસ્ટબિનમાં નાખીને છોકરો ઝડપથી હોટેલ પાછળની ઝૂંપડપટ્ટીમાં સરકી ગયો. સાર્થકે એને રોકવાના પ્રયાસો કર્યા તેમ છતાં—

ક્ષણાર્ધમાં જ સાર્થકે નક્કી કરી લીધું એણે શું કરવું ! થોડી જ મિનિટોમાં એ એક ઝૂંપડીમાં હતો. સાર્થકે જાણ્યું કે ટેબલબૉય ૩-૩ રાતથી ઊંઘ્યા વગર એક ચીંથરેહાલ વૃદ્ધાની શુશ્રૂષા કરી રહ્યો હતો. પરિણામે અપૂરતી ઊંઘથી એ લથડી ગયેલો. સાર્થકનું આશ્ચર્ય બેવડાયું જ્યારે એણે જાણ્યું કે એ વૃદ્ધાને તો એ બસ સ્ટેશનથી પોતાના ઘરે માત્ર સારવાર અર્થે જ લઈ આવેલો; કોઈ જ ઓળખાણ વિના.

સાર્થક એને કંઈ પૂછે એ પે’લાં છોકરાએ ઉમેર્યું કે… સરજી, હવે એમ ન પૂછશો કે મેં આવું શા માટે કર્યું? બધી જ વાતનાં કારણો નથી હોતાં અને હોય છે એ બધાં જ કહીને સમજાવી નથી શકાતાં… મારાં સાચાં મા—બાપ તો કોને ખબર કોણ હશે! પણ વરસો પે’લાં.. એક સવારે રેલવે સ્ટેશનની કચરાપેટીમાંથી, કચરા વીણતો એક માણસ અધમૂઆ જેવા થઈ ગયેલા તાજા બાળકને આ ઝૂંપડીમાં લાવેલો… જેને હું મારો બાપ ગણું છું, સરજી…!તમારી જેમ બહુ ભણ્યો નથી પણ મારા બાપે એટલું શિખવાડ્યું છે કે. આ દુનિયામાં એક માણસની બીજા માણસને મદદ કરવાની આપણી ફરજ છે.

સાર્થક અવાક્ !

છાતીના ધબકારે ધબકારે એક સવાલ લપકારા લેતો શોર મચાવી રહ્યો… મારી ફરજ શી?

(રેખાબા સરવૈયા)

(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)