સોમેશ ગાડી ચલાવતો હતો અને સાક્ષી ચૂપચાપ બેઠી હતી. થોડી વાર પે’લા જ એણે મ્યુઝીક ઑફ કર્યું હતું. સોમેશ કંઈ બોલ્યો નહોતો, પરંતુ એ સાક્ષીના મૌનની લિપિને ઉકેલવા મનોમન મથી રહ્યો હતો.
કાર હાઈવે ઉપરથી સિંગલ પટ્ટી રોડ પર ફંટાઈ ગઈ સાથોસાથ સાક્ષીના મનના વિચારો પણ એ જ માર્ગે દોડી રહ્યા હતા.
ગઈકાલે સાક્ષીના મોટા ભાઈનો ફોન આવ્યો હતો. એમાં કંઈ નવાઈની વાત નહોતી. એકમેકનાં ખબરઅંતર પૂછવા માટે સમયાંતરે ફોન થતા હોય છે સંબંધોમાં… પરંતુ સામાન્ય વાતો આટોપીને ફોન મૂકતાં પે’લાં એ જાણે કે કહેવાની રહી ગયેલી વાત અચાનક જ યાદ આવી હોય એમ સાવ સપાટ સ્વરે બોલી ગયા હતા:
“અરે હા… સાક્ષી…! પછી પેલું મકાન પડુંપડું હતું ને, તે પછી કાઢી જ નાખ્યું હોં…”
-અને આ છેડે સાક્ષી સ્તબ્ધ થઈ ગઈ. જાણે મૂર્તિ…! જમવાના ટેબલ પર હતાં, ને ફોન આવેલો… એટલે જમતાં-જમતાં સોમેશ પણ મૂંગી થઈ ગયેલી સાક્ષીને થોડી વાર પછી જ ધ્યાનથી જોઈ શક્યો.લાંબા સહજીવનના પરીપાકરૂપે સોમેશ સાક્ષીના ભાવોને ઓળખી શકતો.
સૂતાં સુધીમાં એ ફક્ત એક જ વાક્ય બોલી: “આપણે કાલે ગામે જવું છે… તું રજા લઈ લઈશ, સોમુ?”
ધૂળિયા રસ્તે આગળ વધતી કારની અંદર તો ડમરી નથી ચડીને ક્યાંક? કે પછી સાક્ષીના મનમાં વિચારો ગોટાયા છે એકસામટા.. એને ગૂંગળામણ થવા લાગી. મોટા ભાઈની છાપ પહેલેથી જ વ્યવહારુ…! લાગણીની વાતોને વેવલાવેડામાં ખપાવે સાક્ષીએ ક્યારેય પોતાની લાગણીઓ પ્રદર્શિત જ નહોતી કરી.
એક આંચકો… અને કાર ઊભી રહી ગઈ.
અધીરાઈથી દરવાજો ખોલીને સાક્ષી ઉભડક હૈયે ઊતરી પડી.
એ જ ગામ, ગલી, વળાંક, જૂનું પૈતૃક મકાન…! એ ઝડપથી ડેલીનો દરવાજો હડસેલીને ફળિયામાં પ્રવેશી… ગુલમહોરના ઝાડ હેઠે ઘર માલિકણ અનાજ સાફ કરી રહ્યાં હતાં. એ સાક્ષીના આગમનને સમજે એ પે’લાં તો સાક્ષી ઓસરીમાં થઈને ઘરના અંદરના ભાગમાં અલોપ થઈ ગઈ.
અંદરના ખંડમાં સાંકળવાળા હીંચકાને પકડીને એ પોતાના બાળપણના સ્મરણસાગરમાં જાણે કે હિલ્લોળે ચડી… ઘરની દીવાલોમાંથી ઠેકડો મારીને મસ્તી જાણે કે કૂદી પડી.
કેટલીય વાર પછી સોમેશે એને ઢંઢોળીને વર્તમાનમાં આણી.
સ્મૃતિપાનથી આકંઠ સંતૃપ્ત સાક્ષી કંઈ બોલી ન શકી… સોમેશનો હાથ પકડીને એ ભારે હૈયે આંગણું વળોટી ત્યારે ઘર માલિકણના શબ્દો એના કાનમાં થઈને સમગ્ર અસ્તિત્વમાં વિખરાઈ ગયા..…
‘કદી-કદી આવતાં રે’જો બુન… તમારું જ ઘર છે !
(રેખાબા સરવૈયા)
(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)





