કકળાટ કાઢવાની કળા

કાળી ચૌદશની રાતે ચણાના લોટનાં ભજિયાં ચોકમાં મૂકીને જે લોકો કકળાટ કાઢે છે એમનો સામાન્ય અનુભવ એવો હોય છે કે તે પછી દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજના ત્રણ દિવસ દરમિયાન લોકો એમની સાથે કકળાટ નથી કરતા. અસલમાં, આ સપરમા દિવસોમાં લોકો આમ પણ સારા મૂડમાં હોવાથી ઝઘડા, બદમાશી, લુચ્ચાઈ, હરામખોરી, વગેરે કરવાનું ટાળતા હોય છે. પરિણામે વિધિકર્તાને એવું લાગે કે કાળી ચૌદશે કકળાટ કાઢવાની જે તાંત્રિક વિધિ કરેલી તે ફળી. ઈટ વર્ક્સ.

ગાલિબનો એક શેર છેઃ ઉનકે દેખે સે જો આ જાતી હૈ ચહરે પે રૌનક, વો સમઝતે હૈ કિ બીમાર કા હાલ અચ્છા હૈ. (તમને જોવાથી ચહેરા પર રોનક આવી ગઈ એટલે તમને લાગ્યું કે આ તો રાતી રાયણ જેવો છે, કંઈ માંદોબાંદો નથી, બાકી હું છું તો માંદો જ.)

એમ કાળી ચૌદશ પછીના ત્રણ દિવસ લોકો તમારી સાથે સીધા ચાલે એનો અર્થ એવો નથી કે વરસના બાકીના 362 દિવસ દરમિયાન પણ લોકો આપણને ત્રાસ થાય એવું કશું નહીં કરે. સૌ જાણે છે કે ત્રાસજનક લોકો આપણને રોજ ભટકાતા હોય છેઃ રૂબરૂ કે સોશિયલ મીડિયા પર, ઑફિસમાં કે નસીબ બહુ ખરાબ હોય તો ઘરની અંદર પણ. આપણે બહુ આળા હોઈએ તો એવો વિચાર પણ આવી શકે કે દુનિયાના કેટલાક લોકોનો જન્મ જ મને ત્રાસ આપવા માટે થયો છે. ‘લોકો મતલબ ત્રાસ’ આ સમીકરણને વીસમી સદીના ટોચના ચિંતક ઝ્યાં પોલ સાર્ત્રએ આ શબ્દોમાં વ્યક્ત કરેલું: ‘નર્ક એટલે બીજા લોકો.’ આપણા સિવાયની તમામ વ્યક્તિઓની નાની-મોટી લાક્ષણિકતાઓ આપણામાં ચીડનીલાગણી જગાવી શકે (આપણને આપણી જાત પર પણ દાઝ ચડે, પરંતુ એ મુદ્દો આ લેખ પૂરતો કૉર્સ બહારનો છે.)

આ લોક-ત્રાસનું કરવું શું?

આ સવાલના જવાબ જેવી કેટલીક હિન્ટ્સ હાલમાં જડી. હિન્ટ્સ આપનાર માણસનું નામ છે માર્કસ ઑરેલિયસ. એ રોમન સમ્રાટ હતો. એને રોજ ઘણા લોકો સાથે પનારો પડતો અને એ બુદ્ધિશાળી હોવાથી લોકોનાં દંભ, સ્વાર્થ, લુચ્ચાઈ વગેરે એને તરત દેખાઈ જતાં. માર્કસ જાહેર સમ્રાટ હોવા ઉપરાંત ખાનગી લેખક પણ હતો. એણે એક અંગત નોંધપોથી રાખેલી, જેમાં એ પોતાના મહત્ત્વના વિચારો ટપકાવી લેતો. આજે એ નોંધપોથી, નામે મેડિટેશન્સ (સાદી ભાષામાં કહીએ તો, સુવિચારો) જગતના મહાનતમ ગ્રંથોમાં સ્થાન ભોગવે છે. એ નોંધપોથી એણે જગતને ઉપદેશ આપવા માટે નહોતી લખી. માર્કસ પોતે પોતાને જે કંઈ સમજાવવા માગતો હતો એ બધું આ નોંધપોથીમાં ટપકાવતો હતો. એ અત્યંત વ્યસ્ત પણ ખરો અને નો-નોનસેન્સ પણ ખરો. એટલે એણે ટૂંકી ટૂંકી ટિપ્પણીઓ લખી છે. એમાંની કેટલીક ટિપ્પણીઓ લોક-ત્રાસ સાથે પનારો પાડવાની હિન્ટ્સ પૂરી પાડે છે. આમાં મજા એ છે કે માર્કસ ઑરેલિયસ વસુધૈવ કુટુંબકમ્ જેવી કોમળ આધ્યાત્મિક ભાવનાથી માંડીને કુટિલ રાજકારણી જેવા ખડુસ અભિગમ સાથે પણ વાત કરે છે. આ હિન્ટ્સ જાણે કકળાટનો મુકાલબો કરવાની ચાવીનો એક ઝૂડો છે. એમાંની કેટલીક ચાવીઓ સમજીએ.

1) ખરાબ વર્તનને કેવળ અજ્ઞાન તરીકે જોવું

માર્કસના શબ્દો: ‘શું સારું અને, શું ખરાબ છે એ વિશેના અજ્ઞાનના કારણે લોકો અમુક (ખરાબ) રીતે વર્તે છે.’ ઈસુ ખ્રિસ્તે પણ એમને વધસ્તંભ પર ચડાવનારાઓ વિશે આ જ વાત કહેલીઃ ‘એ લોકો નથી જાણતા કે એ શું કરી રહ્યા છે.’ જો કે ઘણા લોકો જાણી-જોઈને, સમજી-વિચારીને ખરાબ વર્તન કરતા હોય છે. ભ્રષ્ટાચાર કરનારો એમ વિચારે કે આનાથી હું અમીર થઈશ, પરિવાર રાજી થશે, મને સુખ મળશે. આકરી-તોછડી ભાષામાં બોલનાર એવું વિચારે કે હું ઊંચા સાદે બોલીશ તો જ લોકો મને સાંભળશે, મારાથી ડરશે; બાકી જો હું કૂણો બની રહીશ તો લોકો મારા પર ચડી બેસશે, મને પગલૂછણિયું સમજશે. જૂઠું બોલનાર એવુ વિચારે કે આનાથી મને લાભ થશે. આ બધા લોકોમાં એક સમજ તો છે, પણ એ ગેરસમજ છે. એમને ખબર નથી કે એ જેને સારું ગણે છે એ વાસ્તવમાં ખરાબ છે. ખોટી અને ખરાબ રીતે વર્તી રહેલી વ્યક્તિ નાદાન છે એવું જો સમજી લઈએ તો પછી એના પર ગુસ્સાને બદલે કરુણા અનુભવી શકાય. કોઈ માણસ તમારી સાથે ખરાબ રીતે વાત કરે છે ત્યારે એ પોતાનાં સંસ્કાર, ઉછેર, આદતો, ભય વગેરેને વ્યક્ત કરે છે. આવા સમયે જો આપણે એવું સમજી શકીએ કે એ મારા વિશે નથી કહેતો, પોતાની મર્યાદા વ્યક્ત કરે છે, તો આપણે શાંત રહી શકીએ.

-અને હા, આ બધું સમજ્યા પછી પણ સામેવાળાના ખરાબ વર્તાવનો પ્રભાવ કોઈ રીતે ટાળી કે વેઠી ન શકાય તો ચૂપચાપ ચાલતી પકડી લેવી, પણ એની સાથે માથાકૂટમાં પડવું નહીં. ભૂંડ સાથે કાદવમાં કુસ્તી કરવી નહીં. અજ્ઞાનીની સાથેના મુકાબલામાં કોઈ રીતે જીતી ન શકાય ત્યારે પીછેહઠ કરવા જેટલી પણ આપણામાં સમજ ન હોય તો એ આપણું અજ્ઞાન ગણાય, ઘોર અજ્ઞાન.

2) નકામું કોઈ નથી

માર્કસના શબ્દોઃ ‘બધા જ લોકો એકમેક માટે જન્મે છે. માટે યા તો એમને સમજાવો અથવા વેઠી લો.’ સામેની વ્યક્તિ હંમેશાં આપણી અપેક્ષા પ્રમાણે જ વર્તે એવું ક્યારેય બનવાનું નથી. ઠીક છે, એને થોડું સમજાવી શકાય, પણ છેવટે તો આપણે જે સમજવાનું છે તે એ છે કે સૌ કોઈ અલગ છે, પણ નકામું કોઈ નથી. જે મને નથી આવડતું એ બીજાને આવડતું હોય છે. પેલા આંધળા-લંગડા મિત્રોની કથાની જેમ, સૌ કોઈ એકમેકના ટેકે જ ટકેલા છે. માટે, કોઈના પર દાઝ ચડે ત્યારે તેની ઉપયોગિતા અને લાયકાતો વિશે પણ થોડું વિચારવું.

3) પોતાનું ધોરણ નીચું ન પડવા દેવું

માર્કસના શબ્દોઃ ‘બદલો લેવાની શ્રેષ્ઠ રીત એ છે કે ખરાબ રીતે વર્તનારા જેવું ન બનવું.’ આ બહુ કૉમન ચીજ છે. ખરાબ લોકો વિશે બહુ વિચારવાથી, જેવા સાથે તેવા થવાની નીતિ અપનાવવાથી છેવટે માણસ એવો બની જાય છે, જેની સામે એ લડી રહ્યો હોય. ખરાબ માણસ સાથે બહુ લડનાર સારો માણસ પોતે છેવટે ખરાબ બની જાય એ શક્ય છે. મનુભાઈ પંચોળી ભ્રમર-કીટક ન્યાયની વાત ઘણી વાર સમજાવતા. એનો સાર એવો છે કે સતત ભમરીના ડંખ વિશે વિચારનાર ઈયળ પોતે પછી મેટામોર્ફોસીસ-રૂપાંતરણ બાદ ભમરી બની જતી હોય છે. ડંખ વિશે બહુ વિચારનાર પોતે છેવટે ડંખીલો બની જાય. આવું ન થવા દેવું. સામેની વ્યક્તિની બુરાઈને કારણે આપણું ધોરણ, આપણી સજ્જનતા, આપણી ભલાઈ નાશ ન પામે એનું ખાસ ધ્યાન રાખવું.

4) બધાં એક જ છે

માર્કસના શબ્દોઃ ‘માણસજાતની એક વિશેષતા એ છે કે ખરાબ રીતે વર્તનારને પણ લોકો (સ્વજનની જેમ) ચાહે છે.’ માર્કસ ખરાબ માણસને પણ ‘સ્વજન’ ગણાવતો. તે એ અર્થમાં કે પ્રત્યેક વ્યક્તિમાં સમાન ચેતના છે. બધા માણસો સમાન સામગ્રીમાંથી બનેલા છે. માટે પ્રત્યેક જનને સ્વ જેવો ગણીને ‘સ્વજન’ માનવો. સીધી વાત છે. સંતાનનું મૃત્યુ થાય ત્યારે કોઈને પણ દુઃખ થાય. અન્યાય થાય ત્યારે કોઈને પણ ખરાબ લાગે. સરવાળે, જેમ સૌના લોહીનો રંગ લાલ હોય છે એમ સૌનું મૂળભૂત બંધારણ પર વધતેઓછે અંશે સરખું જ હોય છે. માટે ક્યારેક કોઈના પર દાઝ ચડે ત્યારે એ તમારાથી કેટલો જુદો છે એ વાતને બે ઘડી બાજુ પર મૂકીને એવું વિચારવું કે એ કેટલી હદે મારા જેવો છે. સામેનો માણસ જે પ્રકારની સ્થિતિમાં હોય (રાતે ઊંઘ ન આવી હોય કે અઠવાડિયાની માંદગી ભોગવી હોય કે ઘરમાં મોટો ઝઘડો થયો હોય) એ સ્થિતિમાં હું મુકાયો હોઉં તો હું એનાથી પણ ખરાબ રીતે વર્તું એવો એક સ્વીકારભાવ આપણામાં હોવો જોઈએ.

5) કીચડ-પ્રૂફ બનવું

માર્ક્સના શબ્દોઃ ‘જે કંઈ ગંદું છે એ મારા પર કોઈ ચીપકાવી શકે નહીં. એટલે હું ઈજાગ્રસ્ત થઈ શકું નહીં (ખરડાઈ શકું નહીં) અને હું કોઈના પર રોષે પણ ન ભરાઈ શકું કે એને ધિક્કારી પણ ન શકું, કારણ કે છેવટે તો એ સ્વજન છે.’ સૌ કોઈ સ્વજન છે એ વિશેની ચર્ચા ઉપરના એક મુદ્દામાં આપણે કરી. રહી આ વાતઃ હું ઈજાગ્રસ્ત થઈ શકું નહીં… તલવાર વાગે તો કોઈ પણ ઈજાગ્રસ્ત થઈ શકે, પરંતુ માર્કસ અહીં જે વાત કરે છે તે ગંદકીથી પ્રભાવિત થવાની વાત છે. કોઈ ગાળ આપે ત્યારે જો આપણે એ ગાળ લઈએ નહીં, સ્વીકારીએ નહીં, મનમાં ઘૂસવા દઈએ નહીં તો પેલાનો પ્રહાર નિષ્ફળ જાય. ગાળો અને ટીકાઓ છેવટે શું છે? શબ્દો અને શબ્દોથી ઘાયલ થવું કે નહીં, કેટલું ઘાયલ થવું એ નિર્ણય તો આપણે પોતે જ લેવો પડે. આત્મસમ્માન શબ્દ ધ્યાનથી સમજવા જેવો છે. આ શબ્દ પરસમ્માન નથી, આત્મસન્માન છે. લોકો મને કેટલું સમ્માન આપે એના કરતાં મારી પોતાની નજરમાં મારું કેટલું સમ્માન જળવાઈ રહે એ મહત્ત્વનું છે. લોકો નહીં, આપણે પોતે આપણને કેટલું સમ્માન આપીએ છીએ એ છે આત્મસમ્માનનું હાર્દ. સામેનો માણસ તમારા પર કીચડ ઉછાળે ત્યારે એ ગંદગી ટાળીને આપણે જો પોતાની નજરમાં સ્વચ્છ રહી શકતા હોઈએ તો એમ કહેવાય કે આપણે આત્મસમ્માન જાળવ્યું. ટૂંકમાં, લોકોના વર્તનની તમારા પર મૂડ પર અસર ન થાય એની તકેદારી રાખવી. લોકો તો શબ્દોનાં તીર છોડતાં જ રહેશે. આપણે કવચ પહેરીને નીકળવું.

6) અઘરા લોકોને મળતાં પહેલાં તૈયાર રહેવું

માર્કસના શબ્દોઃ ‘રોજ સવારે જાતને કહેવું કે આજે મને દંભી, અહેસાનફરામોશ, આક્રમક, લુચ્ચા, ઈર્ષ્યાળુ અને અસામાજિક લોકો મળવાના જ છે.’ આ વાત બોરિંગ લાગી શકે એટલી સીધીસાદી છે. વળી પહેલી નજરે આ અભિગમ નકારાત્મક પણ લાગી શકે. આપણે આવી યાદી બનાવીએ તો સવારના પહોરમાં જ માયૂસ થઈ જઈએ કે અરેરે… આજે આવા બધા લોકો સાથે જ માથાફોડી કરવાની છે? પણ આની ઊજળી બાજુ જુઓ. આ ટ્રિક ઘણી અસરકારક છે. લોકોનું વર્તન આઘાતજનક લાગવા પાછળનું કારણ મોટા ભાગે એ હોય છે કે એ વર્તન આપણા માટે અણધાર્યું હોય છે. ‘અણધાર્યું’ ઈઝ ધ કી વર્ડ. એ માણસ મારી સાથે આવું વર્તન કરશે, એ મને આવું કહેશે એવું તો મેં સપનેય નહોતું વિચાર્યું. નહોતું વિચાર્યું તે ભોગ આપણા. આપણે વિચારી લેવું જોઈતું હતું કે સામેનો માણસ મને આઘાત પહોંચાડી શકે. આઘાતના પાયામાં નવાઈ હોવાની જ. પણ આપણે પહેલેથી મનોમન ખરાબ વર્તન માટે તૈયાર અને સજ્જ હોઈએ તો સામેવાળાના ઈરિટેટિંગ-ત્રાસજનક વર્તનથી આપણને નવાઈ નહીં લાગે. નવાઈ ન લાગવાના કારણે આઘાત નહીં લાગે. કોઈને મળતાં કે ફોન કરતાં પહેલાં જ જો આપણે સંભવિત બદતમીઝી માટે તૈયાર હોઈએ તો સામેની વ્યક્તિ સાથે વધુ સારી રીતે પનારો પાડી શકીએ. અંગ્રેજીનું એક જાણીતું વિધાન છેઃ હોપ ફોર ધ બેસ્ટ, પ્રિપેર ફોર ધ વર્સ્ટ. બહેતરની આશા રાખવી, બદતરની તૈયારી રાખવી.
***

આ બધી વાતો સાવ જ સાદી છે. છતાં, એ વિશે શાંતિથી વિચારી જુઓ, એનો શક્ય એટલો અમલ કરી જુઓ. બની શકે કે એ ઉપયોગી નિવડે. કરવાનું-સમજવાનું આટલું જ છેઃ ખરાબ વર્તનને કેવળ અજ્ઞાન તરીકે જોવું… નકામું કોઈ નથી… બધાં એક જ છે… પોતાનું રણ નીચું ન પડવા દેવું… કીચડ-પ્રૂફ બનવું… અઘરા લોકોને મળતાં પહેલાં તૈયાર રહેવું. ટ્રાય કરી જુઓ. લાગ્યું તો તીર, નહીંતર તુક્કો. ઑલ ધ બેસ્ટ.

હેપી દીપાવલી.

(દીપક સોલિયા)