ડોન્ટ કનેક્ટ

પરે, સાંભળે છે, હમણાં થોડા સમય પૂર્વે મેં પૈસા ભરીને કનેકશન લીધું અને અહીં તો કશું જ ચાલતું નથી. નો નેટવર્ક એટ ઓલ.’ મેં નમ્ર શબ્દોમાં મારી મુશ્કેલી એમિરેટ્સની એર હોસ્ટેસને સમજાવીને કહી. તેણે પોતાની તરફથી પ્રયાસ કરી જોયા, પરંતુ સફળતા કાંઈ મળી નહીં. મારું પ્રોજેક્ટ વર્ક સંપૂર્ણપણે આ ઈન્ટરનેટ કનેકશન પર આધાર રાખે છે. આથી મારી એન્કઝાઈટી વધતી હતી અને થોડો ડર પણ, કારણ કે મને અમુક બાબતો આ ત્રીસ કલાકની ફ્લાઈટમાં પૂર્ણ કરવાની હતી. તે સમયે અમે નીકળ્યાં હતાં દક્ષિણ છેડે, જેને લીધે કદમ કદમ બઢાયે જા કરતાં મુંબઈથી દુબઈ, દુબઈથી રિયો, રિયો દી જાનેરાથી સાન્તિયાગો અને સાન્તિયાગોથી પોર્ટ મોન્ટ એવો અમારો પ્રવાસ હતો. આથી જ દરેક ફ્લાઈટમાં શું કરવાનું તેનો વિચાર અને તે પ્રમાણે કામો મેં અગાઉ જ વહેંચી રાખ્યા હતા. અને `નો ઈન્ટરનેટ’ને કારણે મારા પ્લાનિંગના બાર વાગી ગયા હતા. હું થોડી થોડી વારમાં નેટવર્ક ચેક કરતી હતી. કામ થતાં નહોતાં તે એક બાબત હતી અને પૈસા ભર્યા હતા તેનું શું? આ પ્રશ્ન પણ મારા મનમાં આવતો હતો. પૈસા વધુ નહોતા, હવે યાદ નથી, પચીસ ત્રીસ ડોલર હશે. દસ બાર કલાક થયા પછી મેં તે એર હોસ્ટેસને ફરી એક વાર છેલ્લો પ્રયાસ તરીકે પૂછ્યું, `સાંભળે છે, કશું થઈ રહ્યું છે?’ તો તેણે હાથ ઉપર કર્યા અને કહ્યું, `નેટવર્ક કનેકશન આપણે કયા દેશ પરથી પસાર થઈ રહ્યાં છીએ તેની પર આધાર રાખે છે ને, તેથી કદાચ નહીં મળશે,વેરી સોરી.’ હવે સામેવાળાએ શસ્ત્ર જ હેઠાં મૂકી દીધાં પછી આપણે પણ શું કરી શકીએ. પરિસ્થિતિને દોષ આપતાં હેમખેમ તે પ્રવાસ પૂર્ણ થયો. મારો પ્રોજેક્ટ આખી ટુર દરમિયાન હું પૂર્ણ કરી શકી નહીં.

આ પછી મેં વાપસીના પ્રવાસમાં તે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું નક્કી કર્યું, પરંતુ તે સમયે હું ઈન્ટરનેટનો આશરો લેવાની નહોતી. મને પ્રોજેક્ટ માટે જે કાંઈ તૈયારી કરવાની હતી તે મેં અગાઉથી જ જ્યાં-જ્યાં સમય મળતો હતો અને નેટ મળતું હતું ત્યાં-ત્યાં કરતી ગઈ અને મારી વાપસીના પ્રવાસમાં ઈન્ટરનેટનો `ઈ’ પણ નહીં ઉચ્ચારતાં ત્રીસ કલાકનો પ્રવાસ એકદમ અર્થપૂર્ણ બનાવી નાખ્યો. વચ્ચે સુધીરે પૂછ્યું પણ, `તારું નેટ કનેક્ટ કરી આપું?’ અને મેં તેને `ડોન્ટ કનેક્ટ’ કહીને ડિસ્કનેક્ટ કરી નાખ્યું, કારણ કે મને આ નવું લર્નિંગ મળ્યું હતું. હું ઈન્ટરનેટ દ્વારા દુનિયા સાથે કનેક્ટેડ નહોતી ત્યારે શાંતિથી એકચિત્તે મારું કામ કરતી હતી. કોઈ પણ બાબતનો અવાજ, ઘોંઘાટ, નોટિફિકેશન, સોશિયલ મિડિયા અને ઓફિસ મેસેજીસને લીધે થતું હોય તે ડિસ્ટ્રેકશન સંપૂર્ણપણે અટકી ગયું હતું. હું અને મારો પ્રોજેક્ટ આ બે જ બાબતો મારી સામે હતી. આથી પ્રોજેક્ટ કરતી વખતે જે શાંતિ અથવા કોન્સન્ટ્રેશન મળવું જોઈએ તે આ `નો નેટ કનેકશન’ને લીધે મને ભરપૂર મળ્યું હતું.

દુનિયાના દક્ષિણ છેડે જતી વખતે મોટો પ્રવાસ અને આવતી વખતે તે જ પ્રવાસ વચ્ચે જમીન આસમાનનું અંતર હતું મારા માટે. ઈન્ટરનેટ કનેકશનની પાછળ પડવાથી જતી વખતનો પ્રવાસ `નોટ સો ગૂડ’ કેટેગરીમાં ગયો. જ્યારે વાપસી પ્રવાસમાં ઈન્ટરનેટને `ડી-બાર’ કરવાથી હું આનંદની ધની બની. ખરેખર તો આ અનુભવે મને હજુ એક વાત શીખવી. આપણે સતત કનેકટેડ રહેવાના ઘેલાપણામાં પોતાનાથી તો ડિસ્કનેક્ટ થતાં નથી ને? આ પ્રશ્ન મનમાં આવ્યો. તે ત્રીસ કલાકના પ્રવાસમાં મને મારા વિચારો સાથે રહેવાનો સમય મળ્યો, કામ તરફ નવી દ્રષ્ટિથી જોવાનો સમય મળ્યો. આપણે જે કરીએ તેમાં સંપૂર્ણ ઓતપ્રોત થવાની ખુશી કેટલી અલગ હોય છે તે ફરી એકવાર નવેસરથી મહેસૂસ થઈ. આજની ડિજિટલ દુનિયામાં `ઓફફલાઈન’ રહેવું તે જાણે લક્ઝરી જ બની છે. જોકે ક્યારેક ક્યારેક આ જ લક્ઝરી આપણને આપણા કામની ગુણવત્તા, પોતાની સાથે રહેલો સંબંધ અને મનઃશાંતિ પાછી મેળવી આપે છે. તે પ્રવાસમાં ઈન્ટરનેટ નહોતું, પરંતુ એકાગતા, શાંતિ અને સમાધાન જોકે ભરપૂર હતાં અને અંતે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મળેલી ખુશી તો કોઈ પણ `હાઈ સ્પીડ કનેકશન’ કરતાં અનેકગણી વધુ ગતિથી મન સુધી પહોંચી.

આજકાલ `ડિજિટલ ડિટોક્સ’નું ફેડ આવ્યું છે. આપણે એક ચમત્કારિક માનવપ્રાણી છીએ. પહેલાં ઘેલું લગાવી લેવાનું અને પછી તે ઘેલું છોડાવવા માટે ઉપાય કરવાના અથવા બીજું ઘેલું લગાવી લેવાનું. ખરેખર આ ડિટોક્સ એટલે કોઈ મોટી થિયરી નથી. ફક્ત થોડો સમય ઈરાદાપૂર્વક ઓફફલાઈન જવાનું. પોતાને ચેતવવાના, ડોન્ટ કનેક્ટ. મેં આ મુદ્દો ઈન્ટરનેટ ચાલતું નથી અથવા ચાલ્યું નહીં અને વાપસીના પ્રવાસમાં પણ તે ચાલશે નહીં આ પ્રોબ્લેમ સ્વીકારીને તેની પરનું સોલ્યુશન બદલીને, તૈયારી સાથે સામે જઈને ઉકેલ લાવી દીધો અને તેથી મને જીવનભરનું લર્નિંગ મળ્યું. હવે મેં નક્કી કર્યું છે વિમાન પ્રવાસમાં કામ કરવાનું અથવા ફિલ્મ જોવાની અથવા પોડકાસ્ટ સાંભળવાના, પરંતુ ઈન્ટરનેટની પાછળ પડવાનું નહીં. અગાઉ વિમાનમાં ઈન્ટરનેટ જ ક્યાં હતું? તે સમયે પણ આપણે પ્રવાસ કરતાં જ હતાં ને. તે સમયે કામ પણ થતાં હતાં. હવે આપણે ફક્ત હાઉ ઊભો કરીએ છીએ નેટવર્ક હોવાનો – નહીં હોવાનો, આપણને ઘેલું લાગ્યું છે. તેમાંથી મુક્ત થવાનું શક્ય નથી, પરંતુ કંટ્રોલ કરવાનું આપણા હાથમાં છે, જે જરૂરી છે અને મહત્ત્વનું પણ છે, આપણા ઉજ્જવળ આનંદિત ભવિષ્ય માટે.

આ અનુભવમાંથી મને વધુ એક મહત્ત્વનું ભાન થયું તે એ કે પ્રવાસ એટલે ફક્ત એક ઠેકાણાથી બીજા ઠેકાણે જવાનું એવો અર્થ થતો નથી, પરંતુ તે પોતાને નવેસરથી મળવાની એક સુંદર તક હોય છે. આપણે સતત સ્ક્રીન તરફ જોતાં રહીએ તો બહારની દુનિયા અને આપણું મન બંને આપણાથી દૂર જાય છે. તે વાપસીના પ્રવાસમાં મેં વિમાનની બારીમાંથી દેખાતાં વાદળ, બદલાતા રંગ અને શાંતિની ક્ષણો અનુભવી, જે કદાચ ઈન્ટરનેટ હોત તો ચૂકી ગઈ હોત. આપણે બધા જ આ કે તે માર્ગે `કનેક્ટેડ’ રહેવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ ક્યારેક-ક્યારેક `ડિસ્કનેક્ટ’ થવાનું પણ તેટલું જ આવશ્યક હોય છે. કારણ કે તેમાંથી વિચારોને દિશા મળે છે, કામની ગુણવત્તા વધે છે અને મનને એક અલગ જ શાંતિની ભેટ મળે છે. આથી જ હવે મેં મારા પૂરતો એક નિયમ બનાવી દીધો છે. `જ્યાં શક્ય હોય ત્યાં પોતાની સાથે કનેક્ટ થવાનું. આજુબાજુની દુનિયા થોડો સમયે થોભી જ શકે છે.’

આજકાલ આપણે બોલીએ ઓછું, પરંતુ ઈન્ટરનેટ મોબાઈલના પ્રચંડ ઘોંઘાટમાં ગોથાં ખાતાં રહીએ છીએ. આપણે સતત `ઓનલાઈન’ હોઈએ છીએ. પરંતુ ખરેખર `પ્રેઝેન્ટ’ હોઈએ છીએ? આપણે એકાદ સુંદર ઠેકાણે જઈને ઊભા રહીએ છીએ, પરંતુ તે ઠેકાણું ખરેખર જોઈએ છીએ? કે તે ક્ષણ તુરંત મોબાઈલમાં મઢી લેવા માટે ધડપડ કરીએ છીએ? મને અનેક વાર એવું લાગે છે કે આપણે અનુભવ લેતાં નથી, આપણે અનુભવ `રેકોર્ડ’ કરીએ અને તે રેકોર્ડિંગના ઘેલાપણામાં અનુભવ હાથમાંથી છટકી જાય છે. અગાઉ એકાદ ઠેકાણું જોતાં એટલે મનમાં સંગહ થતું હતું. હવે તે મોબાઈલમાં સંગહ થાય છે. બહારની દુનિયા સાથે સતત કનેક્ટેડ રહેતી વખતે આપણે આપણી ભીતરની દુનિયા સાથે તો ડિસ્કનેક્ટ થતાં નથી ને?

અમે થોડા મહિના પૂર્વે અમારા ચિલેયન ફિયોર્ડસના ક્રુઝના પ્રવાસમાં સવાર સાંજ મોટા ગ્લેશિયર્સ જોવાનો સપાટો બોલાવી દીધો હતો. એક દિવસ અમારી ઝોડિયાક બોટ અમે એક મહાકાય પિયોકઝી નામે છ કિલોમીટર્સ પહોળા અજસ્ત્ર બરફનો ડુંગર જોવા લઈ ગયાં અને તે મહાકાય બરફનો ડુંગર જોઈને અમે સ્તબ્ધ રહી ગયાં. અમે બે કલાક ઝોડિયાક ક્રુઝિંગ દ્વારા આ છેડાથી તે છેડા સુધી તે ગ્લેશિયર નીહાળતાં હતાં. અમારી આંખો અંજાઈ ગઈ હતી. અમારી આંખો દીપી ઊઠી હતી અને મન ખુશીથી ઝૂમતું હતું. વચ્ચે જ બરફના મોટા મોટી ભેખડ ગ્લેશિયર્સથી અલગ થઈને પ્રચંડ ગડગડાટ કરતાં પાણીમાં તૂટી પડતી હતી. અત્યંત યાદગાર એવી તે અમારી સફર ચાલતી હતી. થોડા સમય પછી અમારી એક્સપીડિશન લીડર ઈવાએ અનાઉન્સ કર્યું, હવે થોડો સમય કોઈએ ફોટો પાડવાના નહીં. ઝોડિયાકની વચ્ચે નીચે બેસવાનું અથવા તેના કિનારા પર, પરંતુ એક શબ્દ ઉચ્ચારવાનો નહીં. બધા ચૂપ થઈ ગયા. અવાજ કરનારને વીસ અમેરિકન ડોલરનો દંડ. દંડ ભરવા કરતાં બધાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું અને આગામી વીસ મિનિટ અમે સ્વર્ગસુખ અનુભવ્યું. તે સમયે મહેસૂસ કરેલી તે શાંતિ અને તૂટી પડતી બરફની ભેખડોનો અવાજ, તે પછી થતી પાણીની ઊથલપાથલ અને તે ભેખડોથી અલગ થતા નાના નાના આઈસબર્ગ. ફોટો પાડવામાં અને બડબડાટ કરવામાં જ આપણે બધા એટલા મગ્ન હતાં. આ શાંતિમાં જવા પૂર્વે કે અમારી અમને જ શરમ આવવા લાગી. એક-બે જણે બોલી પણ બતાવ્યું. હાથમાંનો મોબાઈલ અને તેની સાથે ચોંટેલો કેમેરા આપણને કોઈ મજા લેવા દેતાં નથી. આવું જ કાંઈક અમારું પણ થયું હતું.

તે વીસ મિનિટે અમને એક અલગ જ ભાન કરાવ્યું. નિસર્ગ અનુભવવાનો હોય છે, કેદ કરવાનો નથી હોતો, આ સાદું પણ મહત્ત્વનું સત્ય તે ક્ષણે મનમાં કોતરાઈ ગયું. નિસર્ગને આપણા ઘોંઘાટની જરૂર હોતી નથી. તેનું સૌંદર્ય પોતે જ બોલે છે. આપણે બસ તે શાંતિનો ભંગ કરીએ છીએ. ક્યારેક શબ્દોના અવાજથી તો ક્યારેક મોબાઈલના નોટિફિકેશન્સના ટ્યુન્સથી તો ક્યારેક પોતાની અસ્વસ્થતાથી. અને પછી તે સૌંદર્યનો અર્થ આપણને સમજાતો જ નથી. આપણે એકાદ ક્ષણ જીવવાને બદલે તે `કેપ્ચર’ કરવામાં વધુ સમય વિતાવીએ છીએ અને તેને લીધે તે ક્ષણની ખરી હૂંફ, તેમાંનો રોમાંચ અને તેનું સૌંદર્ય આપણા સુધી પૂર્ણપણે પહોંચતું નથી. ત્યાં અમે શાંત બેઠાં હતાં ત્યારે કોઈ કશું બોલતાં  નહોતાં, પરંતુ દરેકના ચહેરા પર એક અલગ જ ભાવછટા હતી. આશ્ચર્ય, આનંદ અને થોડી કૃતજ્ઞતા પણ! જાણી નિસર્ગ સાથે અમારો શબ્દો વિના સંવાદ ચાલુ હતો. તે ક્ષણે નેટવર્ક નહોતું કે નોટિફિકેશન્સ નહોતાં કે કોઈ પણ ઘોંઘાટ નહોતો. ફક્ત અમે અને નિસર્ગ. તે સમયે મહેસૂસ કર્યું કે અમુક અનુભવ ફોટોમાં નહીં, પરંતુ મનમાં સંગ્રહ કરવાના હોય છે.

આજે આપણે એવા યુગમાં છીએ જ્યાં નેટવર્ક વિના જીવવાનું અશક્ય છે. ટિકિટ બુક કરવાની, પેમેન્ટ કરવાના, લોકેશન જોવાના, મિટિંગ્સ લેવાની, મેસેજીસ મોકલવાના, ફોટો શેર કરવાના… બધું જ તેની પર આધાર રાખે છે. જોકે સતત તે નેટવર્ક સાથે જોડાયેલા રહેવું, સોશિયલ મીડિયાના દરેક નોટિફિકેશનને મહત્ત્વ આપવું તે ક્યાંક આપણને નીચે ખેંચે જ છે. આપણા સમયનું, ઊર્જાનું, આપણા જીવનના મુખ્ય ઉદ્દેશનું અપહરણ કરે છે. આજના સમયમાં મોટી મુશ્કેલી ઈન્ટરનેટ નથી, પરંતુ તેની પર આપણું આધાર રાખવાનું છે. ટેકનોલોજી આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી એ આપણે ભૂલી રહ્યાં છીએ. મોબાઈલ, ઈન્ટરનેટ, સોશિયલ મિડિયા આ સાધનો છે, પરંતુ તે જ આપણને ચલાવવા લાગે તો સુવિધા રહેતાં નથી, પરંતુ તે વ્યસન બની જાય છે. આપણે પોતાને એક સાદો પ્રશ્ન પૂછીએ, “હું મોબાઈલ વાપરું છું કે મોબાઈલ મને વાપરે છે? દરેક નોટિફિકેશનને પ્રતિસાદ આપવાનું આવશ્યક હોતું નથી. દરેક મેસેજને તુરંત ઉત્તર આપવાનું જરૂર હોતું નથી.થોડો સમય થોભવું, પોતાને માટે સમય કાઢવો, વિચારોને મોકળા છોડવા તે પણ તેટલું જ મહત્ત્વનું છે. `ડોન્ટ કનેક્ટ’ આ કોઈ નકારાત્મક વાત નથી. તે એક ઈરાદાપૂર્વક કરેલી પસંદગી છે, સ્ક્રીનટાઈમ ઓછો કરવો તે આપણી પોતાની જરૂર છે. તે આપણા માનસિક આરોગ્ય માટે, એકાગતા માટે, પરસ્પર સંબંધ માટે અને ભવિષ્ય માટે અત્યાવશ્યક બાબત છે.

એકાંત, એકાગતા, એકલા રહેવું આ બાબતો આપણે ભૂલી રહ્યાં છીએ. તેમને પકડીને ફરીથી આપણા જીવનમાં લાવવા જોઈએ. આઈનસ્ટાઈન એકાંતના ચાહક હતા, એકાંત એટલે પોતાને અને પોતાના વિચારોને મળેલું મોકળાપણું અને તેથી જ તેમને અનેક બાબતો નવેસરથી સૂઝે છે એવું તેમનું કહેવું હતું, માનવાનું હતું. બિલ ગેટ્સ પોતાને માટે દર વર્ષે એક `થિંક વીક’ રાખે છે.તે અઠવાડિયામાં તેઓ દુનિયાથી, ટેકનોલોજીથી દૂરજાય છે. ટોટલી ઓફફલાઈન… અને એકલા રહીને વાંચનમનન ચિંતન કરવામાં રમમાણ બની જવું એ જ કામ. નો મિટિંગ્સ, નો ઈમેઈલ્સ, ફક્ત પોતાના માટેનો સમય. માણસો આમ જ મોટા થતા નથી તે જ સાચી વાત છે. સ્ટીવ જોબ્ઝે પણ `ઝેન સાઈલેન્સ’ને નજીક કર્યું હતું. બૌદ્ધ ધર્મ અને તેની ધ્યાનધારણાનો અભ્યાસ કર્યો હતો. ટેકનોલોજીના ઘોંઘાટથી દૂર લાંબું પગપાળા ચાલતા જવાનું તેમને પસંદ હતું. તે શાંતિમાંથી જ કદાચ મોટાં કામો ઘડાયાં હશે અને શોધ થઈ હશે, જે કે રોલિંગ્સે નેટ – ફોન – સોશિયલ મિડિયા જેવા કોઈ પણ ડિસ્ટ્રેકશન્સ નહોતાં ત્યારે એક કેફેમાં બેસીને હેરી પોટરની પહેલી કથા લખી અને ઈતિહાસ રચ્યો. સાહિત્યના ક્ષેત્રમાં, દુનિયાના સૌથી શ્રીમંત માણસ વોરન બફેટ દિવસમાં વધુમાં વધુ સમય, લગભગ એંશી ટકા સમય વાંચનમાં વિતાવે છે. આ બધા લોકો એક જ વાત કહે છે કે મોટું કાંઈક ઘડાવાનું હોય તો આપણી ભીતરને અવાજ સંભળાય તે માટે જગ્યા આપવી પડે છે.

આજે આપણે બધા જ સતત ક્યાંક પહોંચવાની દોડધામમાં છીએ. જોકે ક્યારેક થોભીને પોતાની પાસે જોયું છે? આપણે જ્યાં છીએ તે ક્ષણ આપણે પૂર્ણપણે જીવી રહ્યા છીએ. આપણને દરેક ક્ષણ `શેર’ કરવાની ઉતાવળ હોય છે, પરંતુ તે ક્ષણ `જીવવાની’ આદત ગુમાવી રહ્યા છીએ કે? આ પ્રશ્ન પોતાને જ પૂછવાનો સમય આવી ગયો છે. આપણને ખરેખર બધાને બધું દેખાડવાનું છે કે?કે અમુક બાબતો ફક્ત આપણા મનમાં જતન કરી રાખવાની છે? આપણે જ્યારે થોડો સમય સ્ક્રીનથી દૂર જઈએ ત્યારે ધ્યાનમાં આવે છે કે અસલ જીવનના નોટિફિકેશન્સ આ મોબાઈલ પર નથી, પરંતુ આપણી આજુબાજુના વાતાવરણમાંથી આપણને મળે છે.એકાદ સ્મિત, એકાદ શાંત બપોર, એકાદ સંવાદ અથવા ક્યારેક ક્યારેક ફક્ત પોતાની સાથે શાંતિની ક્ષણ… શરૂઆતમાં આ `ડિસ્કનેક્ટ’ થવાનું થોડું મુશ્કેલ લાગે છે, અસ્વસ્થ પણ કરે છે, પરંતુ જેમ જેમ આપણે તેની આદત કેળવીએ તેમ એક અલગ જ સમાધાન મળવા લાગે છે.મન શાંત થાય છે, વિચાર સ્પષ્ટ થાય છે અને જીવન તરફ જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાય છે.

ઈતિહાસમાં જોઈએ તો ન્યૂટનને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સૂઝ્યો ત્યારે મોબાઈલ નહોતો, ઈન્ટરનેટ નહોતુ, રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથોની રચના કરાઈ તે સમયમાં અથવા સંત તુકારામે, જ્ઞાનેશ્વરે અભંગ અને કાવ્યો લખ્યાં તે સમયમાં કોઈ પણ ડિજિટલ સાધનો નહોતાં, પરંતુ તેમના શબ્દોએ સદીઓની સદીઓ માણસોને જોડી રાખ્યા. આપણી સ્વાતંત્ર્યની લડતમાં પણ મહાત્મા ગાંધીએ દેશભર ફરીને લોકો સાથે સંવાદ સાધ્યો. તેમના હાથમાં મોબાઈલ નહોતા, પરંતુ તેમના વિચારોએ આખા દેશને જોડ્યા. એટલે જ પ્રગતિ માટે સાધનો મહત્ત્વનાં હોય છે, પરંતુ તેનાથી મહત્ત્વનું હોય છે એકાગતા, વિચાર અને દિશા.

ડિજિટલ ડિટોક્સ શબ્દ ભારે લાગે છે, પરંતુ તેનો અર્થ બહુ સાદો છે. ખરેખર `ડોન્ટ કનેક્ટ’ આ સંકલ્પના એટલે ફક્ત ઈન્ટરનેટથી તૂટવાનું નહીં, પરંતુ પોતાની સાથે જોડાઈ જવાનું છે. પોતાના વિચાર પરિપક્વ કરવાની તક છે. સો ક્યારેક ક્યારેક ડિસ્કનેક્ટ થઈએ. દુનિયાથી નહીં પણ મોબાઈલ સ્ક્રીનથી, કારણ કે ત્યાં જ છુપાયું છે આપણા જીવનનું સૌથી મૂલ્યવાન કનેક્ટ. અનેઆ કનેક્ટ છે આપણા પોતાની સાથે, કુટુંબ સાથે, વિચારો સાથે અને તે ક્ષણ સાથે. આથી આગામી સમયે જ્યારે આપણે મોબાઈલ હાથમાં લઈશું ત્યારે પોતાને જ એક નાનો પ્રશ્ન પૂછીએ, “હવે ખરેખર મારે કનેક્ટ થવું જોઈએ કે? કદાચ તે પ્રશ્નનો ઉત્તર જ આપણને આપણા જીવનનું સૌથી મહત્ત્વનું `કનેકશન’ પાછું મેળવી આપશે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)