શક્તિ સંકલ્પ સફર: એક યુવાનની પેડલ પર પ્રકૃતિની પૂજા

આકાશ નીલું રહેવા દઈએ

ધરતી હરિયાળી રહેવા દઈએ  પ્રદૂષણના પ્રપંચ ન કરીએ

પર્યાવરણને પવિત્ર રાખીએ  વૃક્ષો વાવીએ, જળ સંગ્રહ કરીએ

પ્રકૃતિનું રક્ષણ સૌ કરીએ  જતન વૃક્ષોનું કરીને અહેસાન એનો ઉતારી દઈએ

પર્યાવરણને પ્રેમથી સજાવીએ

આ પંક્તિઓને 26 વર્ષીય યુવાન સુબોધ કુંદા વિજયએ જીવનમંત્ર બનાવી લીધી છે. આજના યુવાનોને જ્યારે સોશિયલ મીડિયાનું ઘેલું લાગતું હોય છે, ત્યારે સુબોધને પર્યાવરણના જતનનું અને દેશપ્રેમનું ઘેલું લાગ્યું છે. મહારાષ્ટ્રના રોહા રાયગઢના રહેવાસી સુબોધ સમગ્ર ભારતમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરણાદાયક મિશન પર નીકળ્યા છે.

લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં અનેક ટ્રેક પર ટ્રેકિંગ કરી ચૂકેલા અનુભવી પર્વતારોહક સુબોધ, હાલમાં સમગ્ર ભારતમાં એક મહત્વાકાંક્ષી સાઈકલ યાત્રા કરી રહ્યા છે. તેમનું લક્ષ્ય ભારતના તમામ 28 રાજ્યોમાં 1,00,000 વૃક્ષો વાવવાનું છે. જેથી પર્યાવરણને થઈ રહેલા નુક્સાનને મહ્દઅંશે રોકી શકાય અને સંરક્ષણની જરૂરિયાત વિશે લોકોને જાગૃત કરી શકાય. સાથે જ પૃથ્વીને વધુ લીલું આવરણ ચઢાવી શકાય.

19મી જૂન, 2024ના રોજ સુબોધે આ યાત્રા શરૂ કરી છે. જે લદ્દાખથી શરૂ થઈ છે અને નોર્થ-ઈસ્ટ થઈને નેપાળમાં પૂર્ણ થશે. 2027માં સુબોધની આ યાત્રા પૂર્ણ થવાની છે. આમ સુબોધ એક માળાના સ્વરૂપમાં ભારતના 28 રાજ્યોની યાત્રાને પૂર્ણ કરવાના છે. અત્યાર સુધીમાં તેમણે 9 રાજ્યોની યાત્રા પૂર્ણ કરી છે. ગુજરાત 10મું રાજ્ય છે જેમાં તેઓ સાયકલ યાત્રા કરીને લોકોમાં પ્રકૃતિ બચાવવાનો સંદેશ ફેલાવી રહ્યા છે.

પોતાની યાત્રા વિશે સુબોધનું કહેવું છે, “મારી આ સાઈકલ યાત્રાનું નામ છે ‘શક્તિ સંકલ્પ સફર’ છે. જે એક મુવમેન્ટ છે, જેનાથી હું એક સખત બેઝ તૈયાર કરવા માંગું છું. આ યાત્રામાં શક્તિ આપણી અંદરની શક્તિને પ્રસ્તુત કરે છે, સંકલ્પ આપણા દ્રઢ નિશ્ચિયને રજૂ કરે છે. જ્યારે સફર આપણા જીવનના સંઘર્ષ, શિસ્ત અને સતત શીખવાની વૃત્તિને રજૂ કરે છે. આ યાત્રા સમગ્ર દેશના યુવાનો માટે એક વેકઅપ કોલ સમાન છે. જેને હું આગામી વર્ષોમાં પણ સતત ચલાવતો રહીશ.”

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

સુબોધ ગુજરાત પહોંચ્યા ત્યાં સુધીમાં અંદાજિત 42,000 કિલોમીટરની સાઈકલ યાત્રા કરી ચૂક્યા છે. આગળ તેઓ હજુ 58,000 કિલોમીટરની યાત્રા કરવાના છે. ગુજરાતથી સુબોધ દક્ષિણ ભારત તરફ જવાના છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા થઈને આગળ વધશે. વધુમાં સુબોધે જણાવ્યું કે, “હું સાઈકલ પર 1 કલાકમાં 17થી 18 કિલોમીટરનું અંતર કાપુ છું. હું દિવસના 7 કલાક સાઈકલ ચલાઉ તો પણ એવરેજ 120 કિલોમીટર અંતર કાપી શકુ છુ. સૌથી વધુ મેં 14 કલાકમાં 230 કિલોમીટર સુધી સાઈકલ ચલાવી છે. સાઈકલ પર હું 12થી 15 કિલોનો સમાન સાથે લઈને ફરું છું. જેમાં પુસ્તકો, ફાઈલો, કપડાં, ઇમરજન્સી માટે જમવાનું બનાવવાનો સામાન પણ સાથે રાખ્યો છે અને સાઈકલ રીપેરિંગ કીટ પણ સાથે લઈ નીકળ્યો છું.”

સુબોધના જણાવ્યા મુજબ, તેમણે હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે અને 6 મહિના લદ્દાખમાં અને 6 મહિના હિમાચલ તેમજ ઉત્તરાખંડમાં માર્ગદર્શક તરીકે કામ કરે છે. પરિવારમાં ચાર સભ્યો છે. જેમાં પિતા વિજય, માતા કુંદા અને મોટા ભાઈનો સમાવેશ થાય છે. મોટાં ભાઈ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પિતા પહેલાં સરકારી નોકરીમાં હતા, રિટાર્યડ થયા પછી હવે તેઓ ખેતીની પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.

સુબોધે આ યાત્રા એકલાં જ શરૂ કરી હતી. જો કે તેઓ આગળ વધતા ગયા અને લોકો વધુમાં વધુ તેમની સાથે જોડાતા ગયા છે. તેમની આ યાત્રામાં પરિવારનો તો તેમને સહયોગ મળ્યો જ હતો. જો કે ધીમે-ધીમે દરેક રાજયમાં અનેક પર્યાવરણ પ્રેમી મિત્રોનો પણ સહયોગ મળ્યો છે. સુબોધ ખાસ કરીને યુવાનોને આ અભિયાન સાથે જોડવા માગતા હોવાથી તેઓ દરેક રાજ્યમાં જઈને અનેક શાળાઓ અને કોલેજમાં યુવાનો માટે ખાસ પર્યાવરણ જાગૃતિ પર સેશન રાખે છે. જેમાં તેઓ પોતાની યાત્રા અને પર્યાવરણ બચાવવાની મુહિમ વિશે યુવાનોને જણાવે છે. તેમને આશા છે કે તેમની આ યાત્રાથી ચોક્કસ જ કેટલાંક યુવાનો તો પ્રેરિત થઈને પર્યાવરણને બચાવવા આગળ આવશે.

“સુબોધ વિજય જેવા યુવાનો આજના યુગના સાચા હીરો છે. તેમની ‘શક્તિ સંકલ્પ સફર’ દ્વારા માત્ર વૃક્ષો જ નહીં, પરંતુ લાખો યુવાનોના મનમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને જવાબદારીનું બીજ વાવવામાં આવી રહ્યું છે. આવો, આપણે પણ તેમની સાથે જોડાઈએ અને પૃથ્વીને વધુ હરિયાળી બનાવીએ.”

 (રાધિકા રાઓલ- અમદાવાદ)