હિમાલયની ગર્જના એક ચેતવણી છે, જેને હવે અવગણી શકાય નહીં

મુંબઈ: 26 ઓગસ્ટના રોજ, પાણીનો પ્રચંડ પ્રવાહ નેપાળ અને તિબ્બતના ઊંચા ખીણપ્રદેશોમાંથી પસાર થયો ત્યારે વિશ્વએ કુદરતનું એક ભયભીત સ્વરૂપ જોયું. જેમાં માત્ર થોડાં જ કલાકોમાં ગામડાંઓ, રસ્તાઓ, પુલો અને આખા સમુદાયો તણાઈ ગયા. પેઢીઓથી અસ્તિત્વ ધરાવતા સ્થળો કાદવ અને પત્થરોના ઘોડાપૂરમાં અદૃશ્ય થઈ ગયા.

નિષ્ણાતો દ્વારા “પર્વત પરથી આવેલી સુનામી” તરીકે વર્ણવવામાં આવેલી આ ઘટના—જે કદાચ વિશાળ હિમનદી (ગ્લેશિયર) તૂટી પડવાને કારણે સર્જાઈ હતી—તેના પરિણામરૂપે લેવાયેલી ઉપગ્રહ (સેટેલાઇટ) છબીઓ, એવા વસાહતો દર્શાવે છે જે માત્ર ભૂંસાઈ ગઈ હોય તેમ લાગે છે. જ્યાં એક સમયે ઘરો ઊભા હતા, ત્યાં હવે માત્ર કાચો વિનાશ બાકી રહ્યો છે. જ્યાં રસ્તાઓ અલિપ્ત ગામડાંઓને બહારની દુનિયા સાથે જોડતા હતા, ત્યાં હવે લેન્ડસ્કેપમાં ઊંડા ઘા પડી ગયા છે.

એવું લાગે છે કે જાણે પર્વતોએ પોતે જ પોતાના હાથ ખોલી દીધા અને બધું જ નીચે પડવા દીધું.

આપણામાંથી જેઓ આ ખીણોમાં ચાલ્યા છે, આ ઘરોમાં જમ્યા છે, અને આ ગ્રામજનો સાથે ચા પીધી છે, તેમના માટે આ દુઃખ વ્યક્તિગત છે. આ નકશા પરના કોઈ કોઓર્ડિનેટ્સ નથી કે સમાચાર ચક્રમાં આવતી ક્ષણભંગુર છબીઓ નથી.પરંતુ સદીઓની પરંપરાઓ પર બનેલા જીવંત સમુદાયો છે. નેપાળ હિમાલયના ખોળામાં બેઠું છે, જે જમીન પરંપરાગત રીતે “દેવભૂમિ” – “ભગવાનના દેશ” તરીકે ઓળખાય છે – જ્યાં આતિથ્ય એ એક પવિત્ર મૂલ્ય છે જેના માટે સદીઓથી કહેવાય છે કે, “અતિથિ દેવો ભવ”: અતિથિ એ ભગવાન સમાન છે.

હજારો વર્ષોથી, કવિઓ અને યાત્રાળુઓએ આ શિખરોના પવિત્ર ચરિત્રને ઓળખ્યું છે. ચોથી સદીના સંસ્કૃત કવિ કાલિદાસે “કુમાર સંભવમ્” માં હિમાલયને જૈવવિવિધતા, કિંમતી ખનિજોના ખજાના અને ગંગાના દિવ્ય પારણા તરીકે બિરદાવ્યો હતો.

જોકે, આજે પર્વતો ખૂબ જ અલગ અવાજમાં બોલી રહ્યા છે. તેઓ આપણને ચેતવણી આપી રહ્યા છે કે શ્વાસ અધ્ધર કરી દે તેવી ભવ્યતા અને અત્યંત નાજુકતા હવે એકસાથે અસ્તિત્વ ધરાવે છે.

હિમાલયની શ્રેણીની ખીણો વિશ્વના કેટલાક સર્વોચ્ચ શિખરો અને ધ્રુવીય પ્રદેશ બહારના સૌથી મોટા બરફના ભંડારને આશ્રય આપે છે. તેમ છતાં તે પૃથ્વી પરના સૌથી વધુ આબોહવા-સંવેદનશીલ (ક્લાઇમેટ-વલ્નરેબલ) લેન્ડસ્કેપ્સમાં પણ સામેલ છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં નેપાળ, ભારત અને તિબ્બતમાં 624 ગ્લેશિયર તળાવોની ઓળખ કરવામાં આવી હતી. 47ને સંભવિત ખતરનાક અને ગ્લેશિયર ફાટવાના પૂરના ઊંચા જોખમ ધરાવતા તળાવ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે- જેમાંથી 21 તો એકલા નેપાળમાં જ છે.

26 ઓગસ્ટની હોનારત પાછળના ચોક્કસ હવામાનશાસ્ત્રીય અને ભૂસ્તરશાસ્ત્રીય કારણો પૂરી રીતે સમજવામાં સમય લાગશે. કોઈપણ આગાહીમાં અસરગ્રસ્ત સ્થળે આટલા મોટાપાયા પરના વિનાશની આગાહી કરવામાં આવી નહોતી. વૈજ્ઞાનિકોને શંકા છે કે ઉચ્ચ-ઊંચાઈવાળા બરફનો એક વિશાળ હિસ્સો કપાઈને નીચેની ખીણમાં ખાબક્યો હતો, જેના કારણે વિસ્ફોટ થતાં તળાવની પાળ તૂટી અને પાણી નીચે આવ્યું.

જો કે, ચોક્કસ મિકેનિક્સ તપાસ હેઠળ છે. તેમ છતાં એક વ્યાપક વાસ્તવિકતા સ્વીકારવી જ રહી કે, “હિમાલય ખતરનાક રીતે અસ્થિર બની રહ્યો છે.”

જેમ-જેમ ગ્રહ ગરમ થાય છે, ગ્લેશિયર્સ પીગળે છે અને પાણીમાં રૂપાંતરિત થાય છે.. તેમ-તેમ પર્વતોની દીવાલોને અસ્થિર બનાવે છે, જે એક સમયે અચળ લાગતી હતી. ઊંચે ઊંચાઈવાળા તળાવોમાં પાણી એકઠું થાય છે, જે ગતિશીલ ટાઈમ બોમ્બ બનાવે છે. અતિશય વરસાદ આ જોખમોને વૃદ્ધિ કરે છે, જેનાથી નાજુક પર્વતીય કોરિડોર ઝડપથી આગળ વધતા વિનાશના માર્ગોમાં ફેરવાઈ જાય છે. આબોહવા પરિવર્તન દરેક વ્યક્તિગત ભૂસ્ખલન કે પૂરનું કારણ ન હોઈ શકે, પરંતુ તે એવી પરિસ્થિતિઓને વધારે છે જે વધુ ઘાતક પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે.જ્યારે કુદરતી રીતે જોખમી વિસ્તારોમાં ગરીબી, સંપર્ક વિહોણા પ્રદેશો, કાચા રસ્તા-મકાનો અને અગાઉથી ચેતવણી આપતી ટેકનોલોજીનો અભાવ ભેગા થાય છે, ત્યારે કુદરતી આફતો અનિવાર્યપણે માનવ આપત્તિઓ બની જાય છે.

આ એવો પાઠ છે જે આપણે દુઃખની વચ્ચે પણ યાદ રાખવો જરૂરી છે.

દૂરના હિમાલયના સમુદાયોમાં રહેતા લોકોએ તેમની એકમાત્ર પ્રારંભિક ચેતવણી તરીકે ધસમસતા પાણીના અવાજ પર આધાર રાખવો જોઈએ નહીં. માત્ર ત્રીસ મિનિટ પહેલાં આપેલી ચેતવણીનો અર્થ જીવન અને મરણ વચ્ચેનો તફાવત હોઈ શકે છે. પરંતુ ચેતવણીઓ તો જ અસરકારક બને છે જો સમુદાયો પાસે તેના પર પગલાં લેવા માટે જરૂરી સંચાર નેટવર્ક, સ્થળાંતર માર્ગો, મજબૂત આશ્રયસ્થાનો અને કટોકટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય.

નેપાળ અને તિબ્બતમાંથી આવતી છબીઓએ સમગ્ર પ્રદેશમાં તાત્કાલિક, સંકલિત નીતિગત ફેરફારો પ્રેરિત કરવા તરફ ઈસારા કરે છે. આ કટોકટી માટે ત્રણ સ્પષ્ટ પ્રાથમિકતાઓની જરૂર છે:

૧. સરહદ પાર મોનિટરિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરો: હિમાલયની શ્રેણીના દેશો – નેપાળ, ભારત, ચીન અને ભૂતાન—એ ગ્લેશિયર્સ, વરસાદ અને નદીના સ્તરો માટે એક સંકલિત, રિયલ-ટાઇમ મોનિટરિંગ નેટવર્ક બનાવવું જ જોઈએ. ગ્લેશિયર્સ આંતરરાષ્ટ્રીય સરહદોને ઓળખતા નથી, અને મોનિટરિંગ સિસ્ટમ્સ રાજકીય ચેકપોઇન્ટ્સ પર રોકાઈ શકે નહીં.

૨. “લાસ્ટ-માઇલ” વોર્નિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરો: રાજધાનીના શહેરોમાં સંગ્રહિત તકનીકી ડેટા કોઈના જીવન બચાવતો નથી. ચેતવણીઓ મલ્ટિ-ચેનલ સ્થાનિક નેટવર્ક્સ દ્વારા દૂરના ખેડૂતો, પર્વતીય ઘરો અને મુસાફરી કરતા યાત્રાળુઓ સુધી તુરંત પહોંચવી જ જોઈએ.

૩. અનિયંત્રિત પર્વતીય વિકાસનો અંત લાવો: પ્રાદેશિક નેતાઓએ પ્રગતિના નામે થતાં પર્યાવરણીય વિનાશને રોકવો જ જોઈએ. નાજુક ટેકરીઓ પર અનિયંત્રિત બાંધકામ પર્યાવરણીય સીમાઓનું ઉલ્લંઘન કરે છે અને જ્યારે પૂરના પાણી વધે છે ત્યારે ખીણોને ડેથ ટ્રેપ (મૃત્યુના જાળ) માં ફેરવી દે છે.

નીતિ અને વિજ્ઞાનથી પર એક ગંભીર માનવ ઋણ રહેલું છે. 26 ઓગસ્ટના રોજ ગુમાવેલા લોકોમાં સ્થાનિક ગ્રામજનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામદારો અને કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા કરી રહેલા યાત્રાળુઓ સામેલ હતા. તેઓ પૃથ્વી પરના સૌથી વધુ પૂજનીય સ્થાનોમાંથી એકમાં આધ્યાત્મિક નવજીવનની શોધમાં આખા પ્રદેશમાંથી અને વિશ્વભરમાંથી પ્રવાસ કરીને આવ્યા હતા. તેના બદલે, પર્વતો તેમનું અંતિમ વિશ્રામસ્થાન બની ગયા. આપણે તેમના જીવનને કેવળ આંકડાઓમાં ફેરવાઈ જવા દેવાનો ઇનકાર કરવો જ જોઇએ. દરેક નષ્ટ થયેલા ઘર પાસે એક પરિવારની વાર્તા હતી; ગુમાવેલી દરેક વ્યક્તિ પોતાની પાછળ અકલ્પનીય દુઃખ વહન કરતા પ્રિયજનોને છોડી જાય છે.

કાલિદાસે હિમાલયની કલ્પના નિર્જીવ પથ્થર અને બરફ તરીકે નહીં, પરંતુ વિપુલતા, સુંદરતા અને આશ્ચર્યના જીવંત સ્ત્રોત તરીકે કરી હતી. જો અગાઉની પેઢીઓએ આ પર્વતોને દિવ્ય ભેટ તરીકે જોયા હોય, તો આપણી પેઢીએ તેમને તાકીદની જવાબદારી તરીકે ગણવા જ જોઈએ.

આપણે દરેક પૂરને રોકી શકતા નથી, કે આપણે ગ્લેશિયરને ખડકની ધાર પર સ્થિર રહેવાનો આદેશ આપી શકતા નથી. પરંતુ આપણે પ્રારંભિક ચેતવણી માટેની પ્રણાલીઓ બનાવી શકીએ છીએ. આપણે સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકીએ છીએ. આપણે સરહદો પાર જીવનરક્ષક ડેટા શેર કરી શકીએ છીએ. આપણે ઘટના બન્યા પછી સંવેદના વ્યક્ત કરવાને બદલે, આપત્તિ આવે તે પહેલાં સ્થિતિસ્થાપકતા (resilience)માં રોકાણ કરી શકીએ છીએ.

હિમાલય આપણને પોકારી રહ્યો છે. આપણો પ્રતિસાદ પહોંચાડી દો કે આપણે આખરે ચેતવણી સાંભળી લીધી છે.

(ડૉ. કુસુમ વ્યાસ)
(લેખિકા લિવિંગ પ્લેનેટ ફાઉન્ડેશન (Living Planet Foundation)ના સ્થાપક છે)