અબજો જીવોની ગિરદીમાં દરેક માનવી પાસે કુદરતે પાડી આપેલા અનોખા હસ્તાક્ષર છે, જે સાબિત કરે છે કે આપણી હસ્તી અજોડ છે અને ખૂબીઓનો વિસ્તાર અને ખામીઓમાં સુધાર જ માણસની સાચી ઓળખ ઘડે છે. દુઃખ-સુખના તડકા-છાંયડા વચ્ચે વહેતો આ પ્રવાસ માત્ર જીવતાં જ નથી શીખવતો, પણ અંદરથી જીવંત રાખે છે.
જીવનની શરૂઆત શૈશવનો વૈભવ
બપોરે જવાનીના કલરવનો વૈભવ,
બધીયે અવસ્થામાં ગૌરવના રંગો
સમી સાંજે માણ્યો અનુભવનો વૈભવ.
– કાબિલ ડેડાણવી
પ્રત્યેક જિંદગી એક વાર્તા છે. એમાં નાની-મોટી ઘટના સતત બનતી જ રહે છે. કેટલીક વાર આ વાર્તા એવા વળાંકો લઈ લે કે મૂળ સફર ક્યાંથી શરૂ થઈ હતી એ પણ ભૂલી જવાય.
આયુષ્યના પ્રલંબ પટ પર આકાર લેતી જીવનકથામાં વિસ્મય પણ હોય અને જગત જોયા પછી આવતી પીઢતા પણ હોય. દુઃખો તો બાય ડિફૉલ્ટ હોવાનાં જ, પણ સુખની નાની વાદળીઓ સમયાંતરે વરસીને આપણો તાપ અને સંતાપ હળવો કરવાનો પ્રયત્ન કરે છે. આ વાદળીઓ વરસવા આવે ત્યારે છત્રી ખોલીને બેસાય નહીં. આ વાછંટનો વરતારો વિસ્મયની અનેક ગલીઓ વટાવી આપણા સુધી પહોંચતો હોય છે.
એક જીવ પોતાના જન્મ થકી સૃષ્ટિ સાથે જોડાય છે. સંખ્યા અબજોમાં હોવા છતાં દરેક જીવનું પોતાનું આગવું અસ્તિત્વ છે. આગવું રુદન અને આગવું સ્મિત છે. આંખોની આગવી ચકળવકળ છે. આગવો ચહેરો છે અને આંગળીની પણ આગવી છાપ છે. કુદરતની કરામત કેવી ગજબ છે! કોઈ પણ બે માણસની આંગળીની છાપ સરખી નથી હોતી. દરેક પાસે કુદરતદત્ત મૂળભૂત ખૂબી કે ખામી હોય છે. ખૂબીને વિસ્તારવાના અને ખામીને દૂર કરવાના પ્રયાસોનું નામ છે જિંદગી.
કેટલાંક બાળકો નાની ઉંમરે જ એવી પ્રતિભા ધરાવતાં હોય કે જગત તાજ્જુબ થઈ જાય. વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર મોઝાર્ટે લગભગ ત્રણ વર્ષની ઉંમરે કીબોર્ડ વગાડવાનું શરૂ કર્યું હતું. પાંચ વર્ષની ઉંમરે તો એમણે સ્વરાંકનોની યાત્રા આરંભી દીધી. વાયોલિનવાદક યેહુદી મેનુહિને સાત વર્ષની ઉંમરે સાન ફ્રાન્સિસકો સિમ્ફની ઑર્કેસ્ટ્રામાં વાયોલિન વગાડવાનું શરૂ કર્યું હતું.
વિલિયમ જેમ્સ સાઈડિસ નામના ગણિતશાસ્ત્રીએ માત્ર અગિયાર વર્ષની ઉંમરે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. ગૂગલ બૉય તરીકે ઓળખાતા હરિયાણાના બાળક કૌટિલ્ય પંડિત વિવિધ વિષયો વિશે મેળવેલા જ્ઞાન દ્વારા ઉંમરની મર્યાદા વળોટી બતાવી. ઓડિસાની વિદ્યાર્થિની લલિતા સિસાઈએ મકાઈના ડોડાનો ઉપયોગ કરી દૂષિત પાણી શુદ્ધ કરવાની પદ્ધતિ વિકસાવી. ચેન્નઈના ગુકેશે માત્ર બાર વર્ષની ઉંમરે ચેસમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવી બતાવ્યો. મૂળભૂત પ્રતિભાને જો યોગ્ય તાલીમ અને યોગ્ય તક મળે તો એ વધારે નીખરે છે.
બાલ્યાવસ્થા પછી કિશોરાવસ્થામાં પ્રવેશ સાથે શારીરિક ફેરફારોને અનુભવી સપના જોવાની શરૂઆત થાય. આ ગાળો અનિર્ણાયકતાનો પણ છે, જેમાં કઈ દિશામાં આગળ વધવું છે એની અસમંજસ સતાવતી રહે.
પહેલાંના સમયમાં ઉચ્ચ શિક્ષણ માટે સાયન્સ, કૉમર્સ અને આર્ટ્સ એમ ત્રણ મુખ્ય પસંદગી હતી. આપણો ખાસ મિત્ર કઈ સ્ટ્રીમમાં પ્રવેશ લેવાનો છે એના આધારે આપણો નિર્ણય ઘડાતો. હવે એટલી બધી વિદ્યાશાખાઓ છે કે એવો આડેધડ નિર્ણય ન લઈ શકાય. સતત બદલાતા રહેતા જ્ઞાનપ્રવાહ અંગે માબાપની જાણકારી નહિવત્ અથવા સીમિત હોય ત્યારે કાઉન્સેલરની મદદ લેવી પડે. આ પ્રકારના આકલનથી બાળકનો ઝોક ખરેખર કયા વિષયમાં છે તેનો ખ્યાલ આવે.
ભણતરનો પડાવ વટાવ્યા પછી કારકિર્દી અને સંસાર બંને લગભગ સમાંતરે ચાલીને પોતાનો હિસ્સો માગે છે. પહેલાના સમયમાં મા-બાપ સંતાનોને વીસ-પચ્ચીસ વર્ષ સુધીમાં તો પરણાવી દેતાં. આજકાલ આ ઉંમર ત્રીસ વર્ષને આંબી ગઈ છે. ભણતર લંબાયું એટલે કામકાજમાં ઠરીઠામ થવાની ઉંમર પણ લંબાઈ ગઈ. એમાંય પરદેશમાં ભણીગણીને મહામુશ્કેલીથી મળેલી જૉબ ટકાવી સૅટ થવાનું હોય ત્યારે અનેક વિકટ પ્રશ્નો ઊભરી આવે.
ભારતમાં માબાપનો પોતાનો વેલ-ફર્નિશ્ડ વ્યવસ્થિત ફ્લૅટ હોય, પણ પરદેશમાં રૂમ શૅરિંગ કરીને રહેવું પડે. અહીં મમ્મીના હાથની ગરમાગરમ રસોઈ મળી હોય, જ્યારે પરદેશમાં વહેલી સવારે પોતે જ રાંધીને રાતે અવનમાં ગરમ કરી ખાવું પડે. જો કે આ આખી પ્રક્રિયા સંઘર્ષ સાથે ઘડતરની પણ છે. કેટલા વીસે સો થાય એની સમજણથી પૈસાના મૂલ્યનો અંદાજ આવે છે.
સગાંવહાલાંઓના સંપર્ક થકી કે મૅરેજ બ્યુરોના માધ્યમથી યોગ્ય ઉમેદવાર મળે પછી એક નવી જ વાર્તા શરૂ થાય. કુદરતે વિજાતીય ઐક્યની એવી બારાખડી રચી છે, જે આપોઆપ શીખાઈ જાય. એક પાત્રનો પ્રવેશ જિંદગીની દિશા બદલી નાખે. સહજીવનની મહત્તા માત્ર વંશ-વારસ પૂરતી સીમિત નથી અને હોવી પણ ન જોઈએ.
પ્રેમ પદારથનો અનુભવ આકર્ષણના પ્રદેશથી નીકળી સૃષ્ટિ સુધી વિસ્તરવાની ક્ષમતા ધરાવે છે. પ્રેમની વ્યાપકતા જ્યારે કરુણાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે સાર્થકતાનો અનુભવ થાય છે.
અન્યનું ભલું થાય એવું સારું કામ ભલે કોઈના ચોપડે નોંધાય કે ન નોંધાય, એના થકી જે સંતોષ પ્રાપ્ત થાય છે એની ગણતરી કૅલ્ક્યુલેટરમાં થઈ શકતી નથી.
બિહારના ગેહલોર ગામમાં દશરથ માંઝીએ બાવીસ વર્ષ સુધી હથોડી અને છીણી વડે પહાડ કોરી રસ્તો બનાવ્યો જેથી ગામના લોકોનો સમય બરબાદ ન થાય. આપણે ઘરમાં એક ખીલો-સ્ક્રૂ ફીટ કરવાનો હોય કે ખેંચવાનો હોય તોય શિયાંવિયાં થઈ જઈએ છીએ. આસામના માજુલી વિસ્તારમાં જાદવ પાયેંગે યુવા વયથી બ્રહ્મપુત્ર નદીના રેતાળ વિસ્તારોમાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. પરિણામે ૫૫૦ હેક્ટર વિસ્તારમાં જંગલ વિકસ્યું જે આજે મોલાઈ ફૉરસ્ટ તરીકે જાણીતું છે. કર્ણાટકના દાસનદોડ્ડી ગામમાં રહેતા કામેગૌડાએ વર્ષો સુધી મહેનત કરીને ગામની આસપાસ સોળથી વધુ નાનાં તળાવો બનાવ્યાં. મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના બાબુલાલ ગાંધીએ પાંચ દાયકા સુધી પરસેવો વહાવી સૂકી પથરાળ જમીનને હરિયાળી બનાવી, જળસંચય માટે તળાવો બનાવ્યાં અને વરસાદી પાણી જમીનમાં ઊતરે એ માટે ખાઈઓ બનાવી. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના યુવાન બિટ્ટુ તબાહીએ કચરાથી લબાલબ અજ્જર નદીની સફાઈ એકલા હાથે કરી. રસ્તા પરના ખાડાના કારણે પોતાનો પુત્ર ગુમાવનાર દાદારાવ બિલ્હોરે મુંબઈમાં ખાડા પૂરવાનો યજ્ઞ આરંભ્યો.
ટૂંકમાં, આ સૃષ્ટિ પર આપણને જન્મ મળ્યો છે તો આપણી પાસે જે આવડત અને સંવેદના છે તેનો વિનિયોગ કરીને થૅંક્સ ગિવિંગ કરવાની તક જિંદગીએ આપી છે. અહીં મહત્ત્વ આંકડાનું નથી, અહીં મહત્ત્વ નિષ્ઠાનું છે. હાલતાં-ચાલતાં ઝૂકી પડેલી ડાળી પરથી આડેધડ પાંદડાં તોડનારા આપણે એટલું નથી સમજતાં કે એક પાંદડાના લાલનપાલનમાં ધરતી માતા કેટલું વાત્સલ્ય વહાવતી હોય છે.
દરેક અવસ્થાની ચમત્કૃતિ પણ હોય અને ફળશ્રુતિ પણ હોય. આપણે પ્રકૃતિના વૈભવી વૈકુંઠમાં ચાલતી સમૂહઆરતીનો હિસ્સો છીએ. સ્તુતિના શબ્દો ભલે બદલાયા કરે, ભાવ તો સમર્પણનો જ હોવો જોઈએ.
(હિતેન આનંદપરા)






