ઘોસ્ટ વર્કર્સ : ડિજિટલ દુનિયાનો ભયાવહ ચહેરો

ડિજિટલ યુગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આપણે બધા જ ચેટજીપિટી અને સિરી જેવી સેવાઓને જ એઆઈ માનીએ છીએ, જ્યાં ઓટોમેશન મોડ પર તમામ કાર્યો સરળતાથી થઈ શકે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે આ સરળ દેખાતા મશીનની એક મજબૂત કરોડરજ્જુ પણ છે — એ છે તેની અલગોરિધમ. એક એવી ડિજિટલ ચેઇન અથવા કોડ, જેના આધારે આખું એઆઈ કાર્ય કરે છે.

આ અલગોરિધમને બદલવું અથવા કંટ્રોલ કરવું આપણે ધારીએ એટલું સહેલું હોતું નથી. ઉદાહરણ તરીકે, આપણે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ મૂકીએ અને ગણતરીની મિનિટોમાં જ એ પોસ્ટ પર રિપોર્ટ થઈ જાય, તો ઇન્સ્ટાગ્રામની અલગોરિધમ મુજબ હવે એ પોસ્ટ દેખાતી બંધ થઈ શકે અથવા રિસ્ટ્રિક્ટ મોડમાં જઈ શકે. અહીં અલગોરિધમને કંટ્રોલ કરવું પોસ્ટ કરનાર વ્યક્તિના હાથમાં રહેતું નથી. પરંતુ જો આ જ પોસ્ટ માર્કેટિંગ માટે હોય? અને જો તેને અનવોન્ટેડ અથવા સેન્સિટિવ કન્ટેન્ટ માટે જ બનાવવામાં આવી હોય તો?

અહીંથી શરૂ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ શરમાવે તેવી ઘોસ્ટ વર્કર્સની ખૌફનાક સફર.

મુરમુ નામની એક આદિવાસી મહિલા રોજ સાંજે પોતાના ઝુંપડાના ઓટલા પર એ રીતે ફોન લઈને બેસે છે, જ્યાં મોબાઈલ નેટવર્ક સારી રીતે મળતું હોય. તેને લોગિન માટે પાસવર્ડ આપવામાં આવે છે અને નક્કી કરેલા કલાકો મુજબ કન્ટેન્ટ જોવું ફરજીયાત બનાવવામાં આવે છે. આ કન્ટેન્ટમાં વિકૃતિની દરેક હદો પાર કરનારા દ્રશ્યો હોય છે — ચાઈલ્ડ હેરેસમેન્ટ, પોર્ન ક્લિપ્સ, મર્ડર અને એનાથી પણ ભયાનક ઘણું બધું.

આ બધું જોવાના બદલામાં તેને સારા પૈસા મળે છે. મુરમુ જણાવે છે કે શરૂઆતમાં આ બધું જોઈને તે ખૂબ જ વિચલિત થઈ જતી. તેને રાત્રે ઊંઘ આવતી નહોતી. પરંતુ હવે દિવસના લગભગ 800 જેટલા વિડિઓઝ જોઈને તે અવાક બની ગઈ છે. જાણે ઈચ્છાઓ મરી ગઈ હોય અને સંવેદનાઓ શૂન્ય બની ગઈ હોય.

માત્ર મુરમુ જ નહીં, પરંતુ તેની જેવી હજારો આદિવાસી અને દલિત મહિલાઓ વૈશ્વિક ટેક કંપનીઓ માટે ‘કન્ટેન્ટ મોડરેટર્સ’ અથવા ‘ડેટા એનોટેશન’નું કામ કરે છે. જ્યારે તેમને કામ સોંપવામાં આવે છે, ત્યારે માત્ર ડેટા મેનેજમેન્ટનું કામ હોવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ ઘણા કરારો પર સહી કરાવીને તેમને હિંસક અને ભયાનક કન્ટેન્ટ જોવા મજબૂર કરવામાં આવે છે, જેથી એઆઈની અલગોરિધમ તેવા વાંધાજનક કન્ટેન્ટને ઓળખી અને ફિલ્ટર કરી શકે.

પરંતુ વિસંગતિ એ છે કે કેટલીક વૈશ્વિક ટેક કંપનીઓ આ જ પ્રકારના કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી વ્યવસ્થાઓ પણ ઊભી કરે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણી વખત હિંસક કન્ટેન્ટ પણ “સેફ” અથવા “એન્ગેજિંગ” તરીકે આગળ ધપાવવામાં આવે છે. આમ, અલગોરિધમ ધીમે ધીમે એવી રીતે સેટ થતી જાય છે કે હિંસક દ્રશ્યો પણ સામાન્ય લાગવા માંડે.

પરંતુ અહીં ઘોસ્ટ વર્કર્સ તરીકે કામ કરતા કન્ટેન્ટ મોડરેટર્સની માનસિક અવસ્થા દયનીય બની રહે છે. કરાર મુજબ તેઓ સરળતાથી નોકરી છોડી શકતા નથી. ભારતમાં શ્રમ કાયદાઓમાં માનસિક સ્વાસ્થ્યને પૂરતી કાનૂની માન્યતા ન મળતાં આવા કામદારોને પૂરતું રક્ષણ પણ મળતું નથી. તેઓ કામ તો કરે છે, પરંતુ તેમની માનસિક પીડા ઘણીવાર અજાણી જ રહી જાય છે.

આ કામમાં એકલતા સૌથી મોટી સમસ્યા છે. કન્ટેન્ટ મોડરેટર્સ કડક નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ્સ (NDA) હેઠળ કામ કરે છે, જેના કારણે તેઓ પોતાના કામ વિશે પરિવાર કે મિત્રો સાથે પણ વાત કરી શકતા નથી. જો તેઓ આ નિયમો તોડે, તો નોકરી ગુમાવવાની અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

મુરમુ કહે છે કે શરૂઆતમાં ઊંઘની ગંભીર સમસ્યાઓ આવતી હતી. આંખ બંધ કરતાં જ ભયાનક દ્રશ્યો સામે આવી જતા. પરંતુ હવે બધું જાણે “નોર્મલ” બની ગયું છે. અહીંથી છૂટવું પણ ધારીએ એટલું સહેલું નથી, કેમ કે બેરોજગારીની કડવી વાસ્તવિકતા કરતાં નિર્લજ્જતાના આ સ્વપ્નો હવે વધારે સુરક્ષિત લાગવા માંડ્યા છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)