ઇન્ફોગ્રાફિક્સ પોલિટિક્સ : ભારતનું પહેલું ડિજિટલ આંદોલન

આપણે હાલમાં એવી એક ઘટનાના સાક્ષી બન્યા છીએ, જે અગાઉ કદાચ ક્યારેય જોવા મળી નહોતી. એવી પેઢી, જેના હજુ મૂછના વાળ પણ સરખા ફૂટ્યા નથી, તે પોતાના હકો માટે દિલ્હીના જંતર-મંતર સુધી રસ્તા પર ઉતરી આવી છે. જોવા જેવી વાત એ છે કે તેમનો અંદાજ અને જુસ્સો બંને અનોખા છે. વિચિત્ર હરકતો, નાચ-ગાન, પિઝા પાર્ટી અને મોજ-મસ્તી—આ બધું જોઈને પ્રશ્ન થાય કે શું તેઓ ખરેખર કંઈ માંગવા આવ્યા છે કે માત્ર ઉજવણી કરવા?

ઇતિહાસ હંમેશાં સાક્ષી રહ્યો છે કે જ્યારે અન્યાય પોતાની હદ વટાવે છે, ત્યારે કોઈ એક અસામાન્ય વ્યક્તિ આખી વ્યવસ્થાને હચમચાવી દે છે. સાત દાયકા પહેલા સુકલકડી મોહનદાસ કરમચંદ ગાંધી એ કરી ગયા હતા… અને આજે કદાચ Gen Z પોતાની રીતે કંઈક નવું લખવા પ્રયત્ન કરી રહી છે.

ઇતિહાસ આ ઘટનાની નોંધ લે કે ન લે, પરંતુ સમજવા જેવી વાત આ પેઢીની વિચિત્ર હરકતો નથી. સમજવા જેવો મુદ્દો એ છે કે તેમના વિચારો પર સતત અસર કરતું એક નવું માધ્યમ કાર્યરત છે.

કોઈપણ આંદોલન કે વિરોધ અચાનક શરૂ થતો નથી. કોઈ પણ વ્યક્તિ દિવસો સુધી ઘરથી દૂર રહીને, ભૂખ્યા-તરસ્યા રહીને માત્ર મોજ માટે વિરોધ પ્રદર્શનમાં જોડાતો નથી. પ્રશ્ન એ નથી કે તેઓ પાગલ છે કે તેમને કોઈ ફંડ મળે છે. જવાબ કદાચ બંને માટે ‘ના’ છે.

આ છે ડિજિટલ એક્ટિવિઝમનો યુ—એવું ડિજિટલ આંદોલન, જે સતત આપણા વિચારો અને માનસ પર અસર કરે છે. આપણે ઘણી વખત એ જ જોઈએ છીએ, જે આપણને દેખાડવામાં આવે છે, અને પછી એ જ વિચારીએ છીએ, જે આપણે સતત જોઈએ છીએ. આ જ છે ઇન્ફોગ્રાફિક્સ પોલિટિક્સની રમત.

અહીં દરેક એજન્ડા, દરેક અભિયાન અને દરેક સંદેશ માટે ખાસ કરીને Gen Zના મન પર અસર થાય તેવું ડિજિટલ માળખું તૈયાર કરવામાં આવે છે. આ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી સતત પ્રક્રિયા છે. રીલ્સ, મીમ્સ અને વિવિધ પ્રકારના ડિજિટલ કન્ટેન્ટ દ્વારા આ પેઢી સતત પ્રભાવિત થઈ રહી છે. સત્ય કે અસત્યનો નિર્ણય કરતા પહેલાં એ સમજવું વધુ જરૂરી છે કે એવા કયા પરિબળો છે, જે સતત તેમના મન પર રાજ કરી રહ્યા છે.

મહિલાઓની સુરક્ષા, શિક્ષણમાં સમાનતા, પર્યાવરણ, માનવ અધિકાર જેવા મુદ્દાઓ પર યુવાનો એકસાથે જોડાય છે. તેઓ પોસ્ટ બનાવે છે, સ્લોગન લખે છે, પોસ્ટર તૈયાર કરે છે અને સ્લાઇડ્સ દ્વારા માહિતીને સરળ સ્વરૂપમાં રજૂ કરે છે. આ પ્રકારની દૃશ્યાત્મક માહિતી રજૂ કરવાની પદ્ધતિને ઇન્ફોગ્રાફિક્સ પોલિટિક્સ કહી શકાય.

આવા ઇન્ફોગ્રાફિક્સ વાંચવામાં સરળ હોય છે, ઝડપથી શેર થઈ શકે છે અને ખૂબ ઓછા સમયમાં લોકોનું ધ્યાન ખેંચી લે છે. પરંતુ અહીં એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો થાય છે—શું માત્ર એક ઇન્ફોગ્રાફિક વાંચીને કોઈ મુદ્દાને સંપૂર્ણ રીતે સમજી શકાય? ઘણી વખત સોશિયલ મીડિયા પર માહિતી અત્યંત સરળ બનાવીને રજૂ કરવામાં આવે છે. પરિણામે વિષયના અનેક મહત્વપૂર્ણ પાસાઓ, ઐતિહાસિક સંદર્ભો અને તથ્યો પાછળ રહી જાય છે. લોકો આખો અહેવાલ વાંચવાને બદલે માત્ર પાંચ સ્લાઇડ્સ જોઈને પોતાનો અભિપ્રાય બનાવી લે છે. ક્યારેક અધૂરી અથવા ભ્રામક માહિતી એટલી ઝડપથી ફેલાય છે કે સત્ય પાછળ રહી જાય છે.

આ બદલાવ આપણે છેલ્લા કેટલાક વર્ષોથી સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છીએ. પરંતુ ડિજિટલ એક્ટિવિઝમનો અર્થ માત્ર પોસ્ટ શેર કરવો કે પ્રોફાઇલ ફોટો બદલવો નથી. સાચું એક્ટિવિઝમ ત્યારે શરૂ થાય છે, જ્યારે ડિજિટલ અવાજ વાસ્તવિક જીવનમાં જવાબદારીમાં પરિવર્તિત થાય. જો આપણે કોઈ મુદ્દા માટે અવાજ ઉઠાવીએ, તો તેની વિશ્વસનીય માહિતી મેળવવી, પ્રમાણભૂત સ્ત્રોતો વાંચવા, વિવિધ દૃષ્ટિકોણ સમજવા અને શક્ય હોય ત્યાં સુધી સમાજમાં હકારાત્મક યોગદાન આપવું પણ એટલું જ જરૂરી છે.

કદાચ આ જ કારણ છે કે વિદ્યાર્થીઓનો અવાજ અને તેમની માંગ મજબૂત હોવા છતાં અનેક તત્વોએ પોતાના સ્વાર્થ માટે આ આંદોલનનો ઉપયોગ કર્યો. આવનારી પેઢીએ સમજવું પડશે કે માત્ર 20 સેકન્ડની રીલ્સ અથવા મીમ્સ પરિવર્તન શરૂ તો કરી શકે છે, પરંતુ તેને લાંબા સમય સુધી ટકાવી શકતી નથી. જ્યારે કોઈ અવાજ અંતરાત્મા, અનુભવો અને વેદનાઓમાંથી જન્મે છે, ત્યારે તે ઇતિહાસ સર્જી શકે છે; નહીં તો તે માત્ર એક ટ્રેન્ડ બનીને રહી જાય છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)