એક એવો સમય હતો જ્યારે બાળકો પુસ્તકોમાંથી ભણતાં કંટાળતા. બાળકના માઇન્ડસેટ કરતાં વધારે અઘરી થિયરી
અને જટિલ ભાષાને કારણે પાઠ્યપુસ્તકો ઘણી વખત બોજરૂપ લાગતા. જો સ્કૂલમાં શિક્ષક પાઠ સમજાવે ત્યારે ધ્યાન ન આપ્યું હોય, તો ભણતરનો ભાર વધુ વધતો જતો. કારણ કે દરેક બાળકની શીખવાની વૃત્તિ, રસ અને ગ્રહણ કરવાની ક્ષમતા અલગ હોય છે. દરેક બાળકની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પણ અલગ હોવાને કારણે ઘણા બાળકો બધી રીતે હોશિયાર હોવા છતાં ભણવામાં પાછળ રહી જાય છે. પરંતુ આધુનિક શિક્ષણ પ્રણાલીના કારણે આ પ્રશ્ન હવે મોટા ભાગે હલ થતો જઈ રહ્યો છે.
ગુગલ દ્વારા એક એવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં બાળક પોતાની રુચિ મુજબ પાઠ્યપુસ્તકના પાઠને વધુ સરળ અને નવીન રીતે શીખી શકે છે. ‘Learn Your Way’ નામનું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફીચર દ્વારા પાઠ્યપુસ્તકની કોઈપણ માહિતી સરળ અને પ્રેક્ટિકલ રીતે સમજી શકાય છે. એટલું જ નહીં, આ ફીચરમાં વિડિયો ક્લિપ્સ અને ઓડિયો ફાઇલો દ્વારા પણ સરળ રીતે સમજાવવાના વિકલ્પો આપવામાં આવ્યા છે, જેથી જટિલ વિષયને પણ સહેલાઈથી સમજાવી શકાય.
આ એપ સ્લાઇડ શો, ક્વિઝ અને માઇન્ડ ગેમ્સ દ્વારા પાઠને રજૂ કરે છે. એટલું જ નહીં, એક જ ટોપિકને વિવિધ રીતે સમજવાનો વિકલ્પ પણ આપે છે. અહીં કોઈપણ સામાન્ય કોન્સેપ્ટની વૈજ્ઞાનિક સમજૂતી પણ મેળવી શકાય છે. સરળ ભાષામાં કહીએ તો આ એક પ્રકારનું પર્સનલ ટ્યુશન છે, જેમાં બાળકને તેની સમજ પ્રમાણે સમજણ આપવામાં આવે છે.
આ એપ કેવી રીતે કામ કરે છે
સૌપ્રથમ આ એપ બાળકની રુચિ અને શીખવાની રીતને સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ તેની રુચિ અનુસાર ડેટાને સરળ રીતે ગોઠવીને અભ્યાસ માટેનું મટીરીયલ તૈયાર કરે છે. વિદ્યાર્થીના રસ અને જરૂરિયાત અનુસાર સમજણ આપવામાં આવે છે, જેથી તે વિષય પ્રત્યે વધુ રસ વિકસાવી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જરૂરી અભ્યાસસામગ્રી તૈયાર કરવામાં આવે છે અને જરૂરી મુજબ તેને કસ્ટમાઇઝ પણ કરવામાં આવે છે.

આ ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આજકાલ બોર્ડ દ્વારા પોતાની ભાષામાં સમજૂતી આપતા ઉત્તરને વધુ માર્ક્સ આપવામાં આવે છે. તેથી કોન્સેપ્ટ ક્લિયર થવાનો મુદ્દો અહીં મોટા ભાગે ઉકેલાઈ જાય છે અને ઓછા સમયમાં વધુ પ્રેક્ટિસ પણ કરી શકાય છે.
મહત્વની વાત એ છે કે આ એપ માત્ર અભ્યાસ પૂરતી જ નથી. અન્ય ઘણી કળાઓ શીખવા માટે પણ ઉપયોગી છે. જેમ કે રાઇટિંગ, પ્રોગ્રામિંગ, નવી ભાષાઓ વગેરે સહેલાઈથી શીખી શકાય છે.
અંતે એક વાત ચોક્કસ કહી શકાય કે ટેક્નોલોજીના આ યુગમાં જ્ઞાન સુધી પહોંચવાનો રસ્તો હવે વધુ સરળ બનતો જઈ રહ્યો છે. મહત્વની બાબત એ છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ.
ચિકાગોમાં 15 થી 18 વર્ષની વયના 50થી વધુ વિદ્યાર્થીઓ પર આ એપનો ઉપયોગ કરીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેના પરિણામો આશા કરતાં વધુ સારા રહ્યા. અભ્યાસ મુજબ જાણવા મળ્યું કે જો વિદ્યાર્થી પારંપરિક રીતે ભણવાની સાથે આ પ્રકારના ફીચર્સનો ઉપયોગ કરે, તો તે 78% સુધી વધુ સારા પરિણામો મેળવી શકે છે.
તેમ છતાં શિક્ષકનું સ્થાન હજુ પણ અનમોલ જ રહેશે. કારણ કે આપણે શાળામાં માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન મેળવવા નથી જતાં, પરંતુ અનુશાસન, શિસ્ત અને જીવનના મૂલ્યો પણ શીખીએ છીએ. જે એક સારા શિક્ષક અને સારી શાળા જ આપી શકે છે. તેમ છતાં આ પ્રકારની એપ ટ્યુશન ક્લાસિસ માટે એક સારો વિકલ્પ બની શકે છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)




