આપણા સમાજની સૌથી મોટી ખામી એ છે કે આપણે જરૂરિયાત પ્રમાણે નહીં,
પણ બીજાને જોઈને સુધરવાનું શરૂ કરીએ છીએ. અને એટલે જ આપણને પોતાની જાતને સુધારવા માટે જેટલા પણ ઉપાયો મળ્યા છે, તે મોટા ભાગે બાહ્ય હોય છે, આંતરિક નહીં. જ્યારે જ્યારે લોકોને એવું લાગ્યું કે હવે આપણે પણ પ્રસિદ્ધ લોકો જેવી રહેણીકરણી અને વિચારો અપનાવવા છે, ત્યારે તેનું કારણ માત્ર દેખાડો અને પોતાને છેતરવાનો એક અભિગમ જ હોય છે. જ્યારે સાચું પરિવર્તન હંમેશાં આંતરિક હોય છે. જ્યાં દેખાડાને સ્થાન હોતું નથી, જ્યાં પોતાને બીજાઓ સામે સાબિત કરવાની જરૂર રહેતી નથી.
પણ જમાનો હવે દેખાડાનો છે, એટલે આવી બાબતો સહજ બની ગઈ છે. અને આ જ અભિગમનો સૌથી વધુ ફાયદો મળે છે પ્રોફેશનલ આધ્યાત્મિક વેપારીઓને.

મેજિક પીલ – મેડિટેશન
આપણે દુનિયાને યોગ શીખવ્યો, પરંતુ ખરેખર આપણે જ તેનો ખરો અર્થ ભૂલી ગયા છીએ. મારી-તારી પંચાત, ઢગલો જંક ફૂડ, સવારથી સાંજ સુધીનો નોનસ્ટોપ કામનો થાક — અને પછી માત્ર 5 મિનિટ શ્વાસની ક્રિયા તથા 15 મિનિટ બંધ આંખોની પાછળ આપણે સ્વાસ્થ્ય શોધીએ છીએ. પરંતુ હકીકત એ છે કે ખોટી લાઇફસ્ટાઇલ માત્ર શ્વાસ દ્વારા બહાર નીકળી જતી નથી.
બીજાને જોઈને આપણે માત્ર એટલું જ શીખ્યા છીએ કે મેડિટેશન અને યોગ કરવું જરૂરી છે. પરંતુ તેની પાછળનું વિજ્ઞાન અને સાચી પદ્ધતિ આજે પણ આપણાથી કોશો દૂર છે.
ભ્રમ : આધ્યાત્મ હંમેશાં શાંતિપૂર્ણ હોય છે
સૌથી મોટી ભ્રમણા એ છે કે આપણે આધ્યાત્મમાં શાંતિ શોધીએ છીએ. પરંતુ હકીકત એ છે કે આધ્યાત્મિકતાની શરૂઆત પોતાની અંદર રહેલા દુર્ગુણો અને આંતરિક નબળાઈઓ સામે લડીને, તેમનો સામનો કરવાથી થાય છે. અને એ જ સૌથી મોટો સંઘર્ષ છે.

લાઇફ કોચ કે કોઈ પણ પ્રોફેશનલ ગુરુ તમને આ હકીકત કદાચ ક્યારેય નહીં કહે, કારણ કે પરિવર્તન હંમેશાં આંતરિક જ હોય છે. તે કોઈના કહેવાથી કે સમજાવવાથી આવતું નથી.
આંતરિક સંઘર્ષ હંમેશાં ભયાવહ હોય છે. સામાન્ય લોકો હંમેશાં તેનાથી દૂર ભાગે છે. એટલે જ બનાવટી સ્વપ્નોના મહેલ ઊભા કરવા અને ખ્યાલોનો વેપાર કરવો આજકાલ ખૂબ સહેલો બની ગયો છે.
સાઇલેન્ટ રિટ્રીટ
આધુનિક સમયમાં શાંતિ મેળવવી હવે માત્ર કઠિન જ નહીં, પરંતુ અતિ ખર્ચાળ પણ બની ગઈ છે. કારણ કે આપણે જાણતાં-અજાણતાં પોતાની લાઇફમાં એવા તત્વોને પ્રવેશવા દીધા છે, જે સંપૂર્ણપણે બિનજરૂરી છે. એટલે જ ડિજિટલ અને નોન-ડિજિટલ ડિટોક્સ હવે માત્ર જરૂરિયાત જ નહીં, પણ પૈસા કમાવાનો મોટો વ્યવસાય પણ બની ગયા છે.
વિપશ્યના જેવી સાઇલેન્ટ રિટ્રીટની અસંખ્ય શિબિરો હવે ટ્રેન્ડમાં છે, જ્યાં લોકો દુનિયાથી, બિઝનેસથી અને ઘરથી દૂર મોબાઇલ અને ઇન્ટરનેટ વગર શાંતિ શોધવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હકીકત એ છે કે આજ સુધી આવી શિબિરોમાંથી સમાજને કોઈ બુદ્ધ મળ્યા નથી. કારણ કે આત્મજ્ઞાન કોઈ રિસોર્ટમાં મળતું નથી, અને તેના માટે કોઈ ખર્ચાળ પેકેજ પણ નથી હોતાં.
અસલી પરીક્ષા કોઈ પહાડની ટોચ પર નથી હોતી, પરંતુ 40 ડિગ્રી તાપમાં ટ્રાફિક જામમાં હોય છે. એ વાતાવરણમાં તમે કેટલા શાંત રહી શકો છો — એ જ અસલી વિપશ્યના છે.
કોઈ બોસના પ્રેશરમાં તમે કેટલા શાંત રહીને ક્રિએટિવ બની શકો છો — એ જ સાચી પરીક્ષા છે. એ સમયે તમારું રિએક્શન જ તમારું સાચું વ્યક્તિત્વ છે.

તમારા અવગુણોને સ્વીકારવાની ક્ષમતા જ તમારો સાચો સંઘર્ષ છે, અને તેને જીતવાની કળા એ જ શાંતિ તરફ જતું પહેલું પગથિયું છે.
લાગણીઓના ચક્રવ્યૂહમાં ફસાયેલા હો ત્યારે મનથી ડિટેચ થવાની કળા જ સાચી સિદ્ધિ છે. અને આવી કળા કોઈ શિબિરમાં શીખવવામાં આવતી નથી.
મોંઘા નંગ અને હીરાઓ માત્ર “એસ્થેટિક કન્ઝ્યુમરિઝમ”નો એક ભાગ છે, જ્યાં લોકોની લાગણીઓનો વેપાર થાય છે. ખર્ચાળ શિબિરોમાં લેવાતા સ્પિરિચ્યુઅલ સેશન હવે આધ્યાત્મ નહીં, પરંતુ વેપારનું મોટું કેન્દ્ર બની ચૂક્યાં છે.




