લોકગીતોમાં છલકાતી સંસ્કૃતિની ગાથા

નવરાત્રી અને લોક ગરબી કે ગરબાનું આપણાં શાસ્ત્રોમા જેટલું આધ્યાત્મિક મહત્વ છે એટલું જ મહત્વ એની લોક વાયકાઓ, લોકલાગણીઓ સાથે છે. સમયે સમયે યુગ પરિવર્તન થતાં લોકબોલી, અને એના ભાવો સાથે ગરબીના તાલ અને બોલ પણ બદલાયા છે.’પાવલી લઈને હું તો પાવાગઢ ગઇતી ‘ થી ‘ચાર ચાર બંગડી વાળી ગાડી ‘ સુધી, લોકોના મનનાં ઉભાર ગરબામાં પીરસાતા ગયાં.

આપણી સંસ્કૃતિ એક અમૂલ્ય સાહિત્ય સંપન્ન વારસો ધરાવે છે. એ વરસો,આપણને આપણાં સુઘી જીવંત, અને એના ખરા સ્વરૂપે એજ રીતે આપણને જો મળી શક્યો છે અને આપણે આપણાં લોકસાહિત્યના હાર્દને જો જાણી શક્યા હોય તો એનો શ્રેય સાહિત્યકાર, કવિઓને જાય છે, જેમણે એમની કલમ અને વ્યક્તવ્ય દ્વારા આજે ગુજરાતી સાહિત્યને આપણાં હ્રદયમાં ધબકતું રાખ્યું છે. બાકી દુનિયાનું દરેક એઆઈ, મેટા કે ગુગલ,ગુજરાતી પરંપરાગત લોકગીત કે પ્રાચીન ગરબીના અર્થ સમજાવવા હજુ પણ અસમર્થ છે.

એક ખૂબ લોકપ્રિય ગરબો છે ‘દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાડ રે…’એનો અર્થ કદી જાણ્યો હોય તો ખરેખર આપણાં રોમ રોમ ખીલી ઉઠે. દૂધથી ભરેલી તલાવડી હોય અને ફરતે મોતીડાની પાળ હોય એ શક્ય નથી, તો પછી વાત શુ છે? એ છે સોરઠી ગરબાની દંતકથા. કહેવાય છે કે સોરઠમાં એકવાર જ્યારે માતાજીનું આઠમું નોરતું હતું ત્યારે એક સોરઠી બાઈને પણ ગરબે ઘુમવાનું મન થયું. પરંતુ એના ખોળામાં છએક માસનો દિકરો હતો. ગરબામાં જવા માટે એ જલ્દી જલ્દી ઘરનું કામકાજ પતાવી, છોકરાને ખવડાવી અને સુવડાવીને સહેલીઓ સાથે ગરબે ઘૂમવા જાય છે… એનો પતિ તો આંગણામાં જ હોય છે. બેએક કલાક પછી પેલો બાળ રડવા માંડે છે અને આ બાજુ માતૃત્વને એના ભણકારા વાગતાં જ એ હાંફળી-ફાંફળી દોડતી ઘરે આવે છે અને ઘરમાં જઈને રડતા બાળકને છાતીએ વળગાડે છે. એને આમ અચાનક દોડતી આવેલી જોઈને એનો પતિ પણ એની પાછળ ઘરમાં આવે છે. માતૃત્વથી નીતરતી અને પોતાના બાળકમાં સંપૂર્ણપણે તન્મય થઈ ગયેલી એ બાઈ ઉતાવળમાં બાળકને ધવડાવતી વખતે પોતાની છાતી ઢાંકવાનું ભૂલી જાય છે. અને આ દૃશ્ય એનો પતિ જોઈ રહે છે. માતૃત્વથી તરબતર પોતાના બાળકને માત્ર દૂધ જ નહીં, પરંતુ જાણે સાક્ષાત પ્રેમ અને મમતાનું અમૃતપાન કરાવી રહેલી પત્નિનાં ગળામાંની મોતીની માળા એ ધાવતાં બાળકનાં મોં સુધી સ્પર્શતી રહે છે. મા-બાળકનાં વ્હાલનું એ અદભૂત દૃશ્ય જોઈને એનાં પતિનાં મ્હોંમાંથી સહજ શબ્દો સરી પડે છે કે,“દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…”.

રમેશપારેખનુ ‘વ્હાલ બાવરી’નુ ગીત ‘સાંવરિયા રે મારો સાંવરિયો’…એનો લૌકિક અર્થ કરો તો આજે પણ રુંવાડા ઉભા થઇ જાય. એક નારી, પ્રેમ વિહવળ બનીને જે વ્યથા રજૂ કરે છે, એના શબ્દો જો તમે ધ્યાનથી સાંભળો તો એમાં ઓતપ્રોત થઇ જવાનું મન થાય. Jv પ્લાનેટમા એ રમેશ પારેખના ગીતનું ઘણી સરસ રીતે અર્થઘટન કર્યું છે. એ કહે છે કે પ્રેમ ઘેલી નારીઓની કલ્પના રજૂ કરતું આ ગીત અદ્ભૂત છે, ‘ધરું ખોબો ને દઈ દે દરિયો, મને પૂછો કે ઘર મારું કેવડું, મારા વ્હાલમજી બાથ ભરે એવડું..’ એના વ્હાલમના પ્રેમથી તરબરતાં આલિંગનની વિશાળતાને શબ્દોથી શણગારવામાં આવી છે. ભાગ દોડ વાળા જીવનમાં પોતાનાઓને સાંભળવાનો સમય નથી મળતો તો પુસ્તકો શોધીને વાંચવાનો સમય ક્યાંથી મળે, પણ આવાં ઇતિહાસના રૂપલા હીરા મોતીઓ આપણને પીરસી રહ્યા છે, આપણાં ચાહિતા લેખકો, સાહિત્યકારો, અને કવિઓ, અને એ પણ આપણાં યુવાઓના માધ્યમો સોશિયલ મીડિયા દ્વારા…

એક એવો સમય હતો જયારે દીકરીઓ પરણીને સાસરે જતી, મોટા ઘૂંઘટની અંદર ઘૂંટાતી જીંદગીની પરીકલ્પના આજે કરવી અશક્ય છે, જ્યાં ઘરની વહુઆરુને ખોંખારો ખાવાની પણ પરવાનગી ના હોય ત્યાં રાસ રમઝટની વાત તો બહુ દૂરની હોય છે. દીકરી સાસરિયે છે અને વર્ષો પછી ફરી એજ કુળમા બીજી દીકરીનું સગપણ નકી કરવા દાદા આવે છે, પણ કોઈ સંજોગોમા, દાદા અને દીકરી વચ્ચે વાતચીત શક્ય નથી કેમકે એ સમયમાં મર્યાદાની કિંમત ખૂબ વધુ હતી, દાદા એ જ કુળમાં પોતાની બીજી દીકરીને વળાવવાનુ વિચારે છે, ત્યારે પહેલી દીકરી એમના દાદાને ના પાડવા ઘૂંઘટમાંથી આ ગીત લલકારે છે, દાદા હોં દીકરી,વાગડમા ના દેજો હોં સહી, વાગડની વઢીયાળી સાસુ દોહલી રે લોલ’…. આ ગરબો ગવાય રહ્યો છે ચોકમાં, આટલી ઘૂંઘટા તાણેલી દીકરીઓમાંથી દાદા તેમની દીકરીનો અવાજ સાંભળીને એને ઓળખી જાય છે. અને આ ગીત ત્યારે સંવાદ બની જાય છે. સાસરીમાં માત્ર વહુનો હોંકારો સાંભળનારા કોઈ એને ઓળખી શકતા નથી, આમ એ લહેકો એની મર્યાદા સાચવી ગયો છે.

આપણી સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે, જ્યાં આજની તારીખે પણ દરેક રીતો અને રિવાજોના બોલ છે, ગીત છે અને સંગીત છે. લલણીના, પ્રેમના ગીત, વિદાયના ગીત, પરોઢીયા થી લઈને નિંદરણીના ગીત,.. ગણેશ સ્થાપનાથી લઈને અરૂંધતીના તારો જોવાના ગીત… અને એવા ગીત આજની તારીખે પણ ગજરાતમા બને છે,જેને માત્ર ગુજરાત કે ભારતમાંજ નહીં પરંતુ ગ્લોબલ લેવલે વિશ્વના સૌથી પ્રસિદ્ધ મ્યુઝિક એવોર્ડસમા સ્થાન મળેલ છે, એવા આદિત્ય ગઢવી દ્વારા ગવાયેલ ‘અલબેલી મતવાળી મૈયા’ને ગ્રેમિએવોર્ડની પર્ફોમન્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. એ ગુજરાતીઓ માટે ખરેખર ગર્વની વાત છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)