આ દીવાળી સોના અને ચાંદીના વૈશ્વિક બજારમાં રેકોડ બ્રેક ઉછાળો આવ્યો. અને એ સાથે જ તહેવારો જતાં ભાવમાં
ભારેખમ ઘટાડો. રોકાણકારો તેમજ મુહૂર્ત જોઈને સોના ચાંદી ખરીદનારા રાતા પાણીએ રોયા. એમ પણ કહેવાય જ છે ને કે, કુંભમાં ન્હાનારાની સંખ્યા હંમેશા બીજા ક્રમે જ રહે છે પહેલો નંબર તો શેર બજારનો જ આવે છે. પણ 2026 નું આવનારું વર્ષ રોકાણકારો તેમજ ખેડૂતો માટે શુકનવનતું સાબિત થવા જઈ રહ્યું છે. કેમકે પહેલી વાર ભારત 2026માં પોતાનો રાષ્ટ્રીય કાર્બન ક્રેડિટ માર્કેટ શરૂ કરવા જઈ રહ્યું છે.
જો સરળ ભાષામાં સમજીએ તો, એક સમય હતો જ્યારે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત ગણાતું. પછી આવ્યો ક્રિપ્ટોનો યુગ ડિજિટલ કરન્સીની હલચલ. પરંતુ હવે વિશ્વ નવી દિશામાં જઈ રહ્યું છે, જ્યાં હવા અને પાણી જ આવનારા દિવસોના સોનાના ખાણ બનવાના છે. આ બદલાતી દિશાને આપણે કહી શકીએ, કાર્બન ઇકોનોમી – The Green Game!

કાર્બન અર્થતંત્ર શું છે?
આગામી વર્ષોમાં દરેક ફેક્ટરી, વિમાન, રિફાઇનરી અને ઉદ્યોગને પોતાનો પ્રદૂષણ મર્યાદા (pollution limit) રાખવી ફરજિયાત બનશે. જે ઉદ્યોગો આ મર્યાદા વટાવે છે, તેમને દંડ ભરવો પડશે. અને જે ઉદ્યોગો પોતાના ઉત્સર્જન (emission) મર્યાદા કરતાં ઓછું રાખશે, તેઓને કાર્બન ક્રેડિટ તરીકે ઇનામ મળશે. એટલે જો જે લોકો લિમિટની બહાર જશે એમણે બીજા લોકો પાસે કાર્બન ક્રેડિટ મેળવવી ફરજીયાત બનશે. જ્યાં લોકો સ્વચ્છ હવા પાણી અને પર્યાવરણનો યોગ્ય ઉપયોગ કરીને ભવિષ્યમાં કાર્બન ક્રેડિટ જમા કરી શકશે. જેનો ઉપયોગ તેઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચીને કરી શકશે.
કાર્બન ક્રેડિટ એક નવું સોનુ
એક કાર્બન ક્રેડિટ એટલે કે એક ટન CO₂ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન અટકાવવું અથવા ઘટાડવું. અને આ ક્રેડિટને બજારમાં વેચી શકાય છે. એટલે કે સ્વચ્છ હવામાં પૈસા કમાવા, જ્યાં દરેક એકર જંગલ, સરોવર અથવા શુદ્ધ જમીન “ટ્રેડેબલ એસેટ” બની જાય છે. જે લોકો કુદરતને સાચવી રહ્યા છે, વૃક્ષારોપણ કરી રહ્યા છે, પાણીના સ્ત્રોતો જાળવી રહ્યા છે, તેઓને હવે સીધો નફો મળશે. અને જે ઉદ્યોગો પ્રદૂષણ કરે ત્યારે એ પ્રકૃતિના રક્ષકોને ચૂકવણી કરીને ક્રેડિટ ખરીદી શકશે.

કાર્બન ક્રેડિટ એ એક પ્રકારનું વેપારની ટ્રેડેબલ પરમીટ છે, જે એક ટન કાર્બન ડાયોક્સાઈડ સમકક્ષ CO₂e વાયુના ઉત્સર્જનને અટકાવવાનું અથવા હવામાંથી દૂર કરવાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે, એક ક્રેડિટ એવુ પ્રમાણ છે જે એક ટન CO₂ અથવા તેના જેવા ગેસોને હવાથી દૂર રાખે છે.
કાર્બન ક્રેડિટ કેવી રીતે બને છે?
આ ક્રેડિટ એવા પ્રોજેક્ટ્સ દ્વારા બનાવવામાં આવે છે જે ગ્રીનહાઉસ ગેસ ઘટાડે છે કે દૂર કરે છે. જેમકે સૌર, પવન, હાઈડ્રો પ્રોજેક્ટ્સ, જંગલોનું સંરક્ષણ અને વૃક્ષારોપણ વગેરે…મેથેન કૅપ્ચર અને રિસાયક્લિંગ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા કાર્બન ક્રેડિટ જમા થાય છે. યુ.એસ.માં, કેલિફોર્નિયા પોતાનું કાર્બન બજાર ચલાવે છે અને ગેસ અને વીજળીના વપરાશ માટે રહેવાસીઓને ક્રેડિટ આપે છે. આ ઉપરાંત કાર્બન ક્રેડિટના ઘણા જ ઇન્ટરનેશનલ માર્કેટ આવેલા છે જ્યાં ગ્રીન એનર્જી ખરીદી શકાય છે અને વેચી શકાય છે પણ નિયમોના દાયરામાં. આ નિયમ અનુસાર, જે ઉદ્યોગો પ્રદૂષણ કરશે તેમને કાર્બન ક્રેડિટ ખરીદવી ફરજિયાત રહેશે. જે ખેડૂત, વનવિભાગ, અથવા સ્થાનિક સમુદાયો પોતાની જમીન સ્વચ્છ રાખશે તેઓ આ ક્રેડિટ વેચી શકશે.

કાર્બન માર્કેટનો મુખ્ય હેતુ એ છે કે દરેક ઉદ્યોગ, સંસ્થા અને વ્યક્તિ પર્યાવરણ પ્રત્યે જવાબદારી અનુભવે. કોમ્પ્લાયન્સ માર્કેટ કાયદાકીય રીતે નિયંત્રણ રાખે છે, જ્યારે સ્વૈચ્છિક માર્કેટમાં લોકો સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. બન્ને મળીને એક એવા અર્થતંત્રની રચના કરે છે, જ્યાં પ્રદૂષણ માટે દંડ અને શુદ્ધતા માટે ઇનામ મળે છે.
જો આપણે સૌ આ દિશામાં વિચારીએ, તો એક એવો સમય આવશે જ્યાં વિકાસ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન સાચવવું માત્ર ફરજ નહીં, પરંતુ ગૌરવની વાત બનશે અને ખેડૂતો ગુલામ નહીં પણ સ્વતંત્ર અને સમૃદ્ધ બનશે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)


