કોઈ લેખક, કોઈ ચિત્રકાર કે શિલ્પકાર—આ લોકોની દુનિયા અલગ હોય છે.
જાગૃત સ્થિતિની પણ એવી અવસ્થા હોય છે, જ્યાં એમનું ભાવનાત્મક મન એક અલગ દુનિયામાં રાચે છે અને વર્તમાન ક્ષણો અદૃશ્ય થઈ જાય છે. આપણે એવા લોકોને સાદી ભાષામાં ‘ભાન ભૂલ્યા’ કહીએ છીએ. પરંતુ હકીકતમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ મનની આવી શાંત અને એકાગ્ર સ્થિતિને ઘણી વાર ‘આલ્ફા સ્ટેટ’ સાથે જોડવામાં આવે છે. અહીં વ્યક્તિ સર્જનાત્મક પ્રવૃત્તિમાં એટલી લીન થઈ જાય છે કે જાણે એક અલગ જ દુનિયામાં પહોંચી ગઈ હોય. અહીંથી સર્જનાત્મકતાનો ઉદ્ભવ થાય છે. આ જ તો માનવીનો એ ગુણ છે, જે તેને મશીનથી અલગ તારવે છે.
આ જ રીતે દરેકને કોઈ ને કોઈ એવા શોખ હોય છે, જે તેમને સૌથી વધારે વ્હાલા હોય છે. રસપ્રદ વાત એ છે કે આ નાની-નાની પ્રવૃત્તિઓ માત્ર આપણને ખુશ જ નથી કરતી, પરંતુ આપણા અંદરના જુદા જુદા ભાવનાત્મક સ્તરોને પણ સ્પર્શે છે.

વિજ્ઞાન મગજ અને શરીરમાં થતી આવી પ્રક્રિયાઓને ન્યુરોટ્રાન્સમીટર્સ અને હોર્મોન્સ સહિત અનેક જૈવિક પરિબળો દ્વારા સમજવાનો પ્રયાસ કરે છે. ડોપામાઇન, સેરોટોનિન વગેરેની જટિલ પ્રક્રિયાઓ આપણી નર્વસ સિસ્ટમ પર જુદા જુદા પ્રભાવ પાડે છે અને ભાવનાત્મક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. મનોદશામાં થતા ફેરફારો પાછળ પણ અનેક શારીરિક, માનસિક અને પરિસ્થિતિજન્ય પરિબળો જવાબદાર હોઈ શકે છે.
પરંતુ આજે આપણે એ જાણશું કે આવી પ્રવૃત્તિઓ કે આપણા શોખ આપણા શરીર અને મન પર કેવી અસર કરે છે. આધુનિક મનોવિજ્ઞાન જે બાબતોને emotional balance, mindfulness અને self-expression જેવા ખ્યાલો દ્વારા સમજવાનો પ્રયાસ કરે છે, ત્યાં ભારતીય આધ્યાત્મિક પરંપરામાં શરીરના સાત ચક્રોનો ખ્યાલ જોવા મળે છે.
મૂળાધાર ચક્ર
મૂળાધાર ચક્રને પરંપરામાં સુરક્ષા, સ્થિરતા અને ધરતી સાથેના જોડાણ સાથે સાંકળવામાં આવે છે. જ્યારે તમે યોગ કરો છો, સાયકલ ચલાવો છો, કુદરતની નજીક સમય વિતાવો છો કે છોડને પાણી આપો છો, ત્યારે તમે પ્રકૃતિ અને ધરતી સાથે જોડાણ અનુભવી શકો છો. ચક્ર પરંપરા અનુસાર આવી પ્રવૃત્તિઓને મૂળાધાર સાથે સાંકળવામાં આવે છે. મૂળાધાર ચક્ર સ્થિરતા અને સુરક્ષાના ભાવનું પ્રતીક માનવામાં આવે છે.

સ્વાધિષ્ઠાન ચક્ર
સ્વાધિષ્ઠાન ચક્રને સર્જનાત્મકતા, આનંદ અને લાગણીઓ સાથે જોડવામાં આવે છે. પેઇન્ટિંગ, જર્નલિંગ, લેખન વગેરે જેવી પ્રવૃત્તિઓ વ્યક્તિને પોતાની જાત સાથે જોડાવાની તક આપે છે. કલાકાર ઘણી વાર પોતાની કલામાં એટલો લીન થઈ જાય છે કે બહારની દુનિયાનું ભાન ઓછું થઈ જાય છે. યોગની પરંપરામાં પણ યોગનિદ્રા જેવી પદ્ધતિઓ દ્વારા આંતરિક શાંતિ અને જાગૃતિની સ્થિતિનો અનુભવ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કલા દ્વારા લાગણીઓને અભિવ્યક્તિ મળે છે.
મણિપુર ચક્ર
મણિપુર ચક્રને પરંપરામાં આત્મવિશ્વાસ, ઇચ્છાશક્તિ અને વ્યક્તિગત શક્તિ સાથે જોડવામાં આવે છે. જેમ કે કોઈ સાહસિક રમત રમવી, સ્ટેજ પર બોલવું કે એકલા પ્રવાસ કરવો. ઘણી વાર અશક્ય લાગતી બાબતો પણ આત્મવિશ્વાસ અને સતત પ્રયાસને કારણે શક્ય બની જતી હોય છે.

અનાહત ચક્ર
અનાહત ચક્રને હૃદય, પ્રેમ, કરુણા અને સંબંધો સાથે જોડવામાં આવે છે. આપણે ટેક્નોલોજીના યુગમાં ઘણાં ‘કનેક્ટેડ’ છીએ, છતાં ઘણી વાર અંદરથી એકલા હોઈએ છીએ.
જ્યારે ‘હું’ કરતાં ‘આપણે’નો ભાવ વધારે મહત્ત્વનો બને, ત્યારે નાની-નાની ટેવો આપણને અંદરથી ખુશ કરી શકે છે. જેમ કે કોઈના માટે કોઈ વાનગી બનાવવી કે પ્રાણીઓ સાથે સમય વિતાવવો. આવી પ્રવૃત્તિઓ નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે ત્યારે એમાં મળતો આનંદ અનેરો હોય છે.
વિશુદ્ધિ ચક્ર
વિશુદ્ધિ ચક્રને પરંપરામાં અભિવ્યક્તિ અને સંવાદ સાથે જોડવામાં આવે છે. પોતાની જાતને અલગ રીતે અભિવ્યક્ત કરવાની પ્રવૃત્તિઓ—જેમ કે પોડકાસ્ટમાં બોલવાનો કે ગાવાનો શોખ—ચક્ર પરંપરામાં વિશુદ્ધિ સાથે સાંકળવામાં આવે છે.

આજ્ઞા ચક્ર
આજ્ઞા ચક્રને અંતર્દૃષ્ટિ, ધ્યાન અને જાગૃતિ સાથે જોડવામાં આવે છે. આજના સમયમાં આપણું મન સતત માહિતીથી ભરાયેલું રહે છે. ફોનનાં નોટિફિકેશનથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક વસ્તુ આપણું ધ્યાન ખેંચે છે. પુસ્તકો વાંચવા, મેડિટેશન કરવું કે ગણિતના દાખલા ગણવા જેવી પ્રવૃત્તિઓ એકાગ્રતા કેળવવામાં મદદરૂપ બની શકે છે. ચક્ર પરંપરામાં ધ્યાન અને એકાગ્રતાને આજ્ઞા ચક્ર સાથે સાંકળવામાં આવે છે.
સહસ્રાર ચક્ર
સહસ્રાર ચક્રને આધ્યાત્મિક જોડાણ, ચેતના અને જીવનના ઊંડા અર્થ સાથે સાંકળવામાં આવે છે. આ સ્તરે હોબી માત્ર મનોરંજન નથી રહેતી. તે વ્યક્તિને જીવન વિશે વિચારવાની જગ્યા આપે છે.
પ્રાર્થના, એકાંત કે તત્ત્વજ્ઞાનનું વાંચન પોતાની જાત સાથે જોડાવાની તક આપે છે. ક્યારેક જીવનના બધા પ્રશ્નોના જવાબ તરત મળતા નથી, પરંતુ શાંત બેસવાની ટેવ આપણને એ શીખવે છે કે દરેક પ્રશ્નનો જવાબ તરત મેળવવો જરૂરી નથી. કેટલાક જવાબો સમય સાથે અંદરથી ઊગે છે.
હોબી કદાચ ચક્રોને ‘સંતુલિત’ કરવાની કોઈ જાદુઈ ચાવી નથી, પરંતુ તે આપણને પોતાની અંદરની અસંતુલિત લાગતી દુનિયા સાથે ફરી વાતચીત શરૂ કરાવતી એક નાની, સુંદર બારી જરૂર બની શકે છે. નહીં તો જીવન બસ કામ, જવાબદારી, તણાવ અને મોબાઇલમાં સ્ક્રોલિંગ કરવામાં જ પૂર્ણ થઈ જાય છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)




