તમારી કરોડરજ્જુ, તમારી દુનિયા…

સવારે પથારીમાંથી ઊઠવાથી લઈને રાત્રે સૂવા સુધી, બેસવું, ઊભા રહેવું, વજન ઉપાડવું કે મોબાઇલ જોવો, દરેક હલનચલનમાં કરોડરજ્જુ આપણો સાથ આપે છે. છતાં મોટાભાગના લોકોને તેની યાદ ત્યારે જ આવે છે જ્યારે કમર કે ગરદનમાં દુખાવો શરૂ થાય.

આજે 16 ઑક્ટોબરે, વર્લ્ડ સ્પાઇન ડે છે, તો ચાલો આજે આપણી કરોડરજ્જુ વિશે થોડી ઉપયોગી વાતો કરીએ. છેલ્લાં 13 વર્ષમાં મારી OPDમાં એક બદલાવ સ્પષ્ટ દેખાય છે: કમર અને ગરદનના દુખાવા સાથે આવતા દર્દીઓમાં હવે 25–35 વર્ષના યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. આ વર્ષે વર્લ્ડ સ્પાઇન ડેની થીમ છે ‘Spine Health for Life’, એટલે કે જીવનભર સ્વસ્થ કરોડરજ્જુ.

આંકડા વિચારવા મજબૂર કરે તેવા છે. 97 ભારતીય અભ્યાસોના વિશ્લેષણ મુજબ કોઈ પણ સમયે લગભગ દર બેમાંથી એક ભારતીયને કમરનો દુખાવો હોય છે, અને દર ત્રણમાંથી બે લોકોને જીવનમાં ક્યારેક તો તે થાય જ છે. આ હવે માત્ર મોટી ઉંમરની સમસ્યા નથી: 2025ના એક અભ્યાસમાં 18 રાજ્યોના કમરના દુખાવાના દર્દીઓમાંથી 43% દર્દીઓ માત્ર 18 થી 38 વર્ષના હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, કમરનો દુખાવો દુનિયામાં વિકલાંગતાનું સૌથી મોટું કારણ છે.

આવું કેમ થાય છે? કારણ મોટેભાગે કોઈ એક મોટી ઈજા નહીં, પરંતુ રોજની નાની ટેવો છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, મોબાઇલમાં નીચું જોઈને સમય ગાળવો, કમરેથી વાંકા વળીને વજન ઉપાડવું, કસરતનો અભાવ, વધતું વજન, અપૂરતી ઊંઘ અને તમાકુ. આ બધું ધીમે ધીમે કરોડરજ્જુ પર ભાર વધારે છે. સારા સમાચાર એ છે કે નાના ફેરફારો મોટો ફરક લાવી શકે છે.

દર 30 થી 45 મિનિટે ઊભા થઈને થોડું ચાલો. મોબાઇલ અને કમ્પ્યુટરની સ્ક્રીન આંખના સ્તરે રાખો, જેથી ગરદન નીચે ન ઝૂકે. વજન ઉપાડતી વખતે કમરથી નહીં, ઘૂંટણથી વળો અને વજન શરીરની નજીક રાખો. રોજ ઓછામાં ઓછું 20 મિનિટ ચાલવાની ટેવ પાડો. પૂરતી ઊંઘ લો, વજન કાબૂમાં રાખો અને તમાકુથી દૂર રહો. આહારમાં કેલ્શિયમ અને પ્રોટીન લો અને રોજ થોડો સમય કુમળા તડકામાં ગાળો, જેથી હાડકાંને વિટામિન D મળી રહે.

એક સામાન્ય માન્યતા એ છે કે કમરના દુખાવામાં સંપૂર્ણ આરામ જ ઉપાય છે. હકીકતમાં, મોટાભાગના સામાન્ય દુખાવામાં લાંબો સમય પથારીમાં રહેવાથી સ્નાયુઓ નબળા પડે છે અને સાજા થવામાં વધુ સમય લાગે છે. ડૉક્ટરની સલાહ મુજબ હળવું હલનચલન વધુ મદદરૂપ થાય છે.

બીજી વાત, કરોડરજ્જુની મોટાભાગની તકલીફોમાં ઓપરેશનની જરૂર પડતી નથી. યોગ્ય સમયે યોગ્ય નિદાન થાય તો માત્ર દુખાવાની નહીં, તેના મૂળ કારણની સારવાર થઈ શકે છે.ઑફિસમાં બેઠાં બેઠાં કરી શકાય તેવી એક સરળ કસરત છે ‘ચિન ટક’. ટટ્ટાર બેસો, સામે જુઓ અને દાઢીને ધીમેથી સીધી પાછળ ખેંચો, જાણે ડબલ ચિન બનાવતા હો. પાંચ સેકન્ડ રોકો અને છોડો.

દિવસમાં બે-ત્રણ વાર દસ વખત કરવાથી ગરદનને રાહત મળે છે.કસરત દરમિયાન દુખાવો વધે તો તરત બંધ કરો. પરંતુ કેટલાંક લક્ષણોને ક્યારેય અવગણશો નહીં. હાથ કે પગમાં ખાલી ચડવી કે નબળાઈ લાગવી, મળ-મૂત્ર પરનો કાબૂ ગુમાવવો, તાવ સાથે કમરનો દુખાવો, પડી ગયા કે અકસ્માત પછીનો દુખાવો, અથવા રાત્રે ઊંઘવા ન દે તેવો દુખાવો હોય તો વિલંબ કર્યા વિના નિષ્ણાત ડૉક્ટરને બતાવો.

આ વર્લ્ડ સ્પાઇન ડે પર કરોડરજ્જુ માટે એક નાની ટેવનો સંકલ્પ લઈએ. યાદ રાખો, તમારી કરોડરજ્જુ તમારી આખી દુનિયાનો ભાર ઉપાડે છે, તેની કાળજી રાખો.

(લેખક‌ ડૉ. તારક પટેલ અમદાવાદસ્થિત ઇન્ડોસ્પાઇન હૉસ્પિટલના ચીફ સ્પાઇન સર્જન છે.)