આશ્રમરોડની વચ્ચે ધબકતો ઇતિહાસ!

અમદાવાદના વ્યસ્ત આશ્રમરોડ પર AMC વેસ્ટ ઝોન ઓફિસ, નાબાર્ડ બેંક, બકુલ ત્રિપાઠી ગાર્ડન અને જાણીતી હોટલો વચ્ચે એક બેનમૂન ઐતિહાસિક સ્થાપત્ય આવેલું છે, જે ‘ઉસ્માન મસ્જિદ’, ‘ઉસ્માનપુરા દરગાહ’ કે ‘સૈયદ ઉસ્માન મકબરા’ તરીકે ઓળખાય છે. હેરિટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તારની બહાર આવેલી આ મસ્જિદ અને દરગાહ અજોડ સ્થાપત્ય કળા ધરાવે છે.

સૈયદ ઉસ્માન, જેઓ ‘શામ-એ-બુરહાની’ તરીકે પણ જાણીતા હતા, તે સૂફી સંત કુતુબ-ઉલ આલમના શિષ્ય અને ઉત્તરાધિકારી હતા. શરૂઆતમાં તેઓ ગુરુ સાથે વટવા ગામમાં રહેતા હતા, પરંતુ અનુયાયીઓની સંખ્યા વધતાં તેમણે સ્થળાંતર કરીને ‘ઉસ્માનપુરા’ ગામ વસાવ્યું હતું. ઇ.સ. 1469માં એમના અવસાન બાદ, ઇ.સ. 1460માં સુલતાન મહમૂદ બેગડાએ સરખેજ રોજાની શૈલીમાં આ મકબરાનું નિર્માણ કરાવ્યું. બ્રિટિશ શાસન દરમિયાન મેજર કોલે રૂ. 7,500ના ખર્ચે આ મસ્જિદનો જીર્ણોદ્ધાર કરાવ્યો, વર્ષ 2001ના ધરતીકંપમાં થયેલા ભારે નુકસાન બાદ 2009માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા એનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું.

સ્થાપત્યની દ્રષ્ટિએ આ મસ્જિદના બંને છેડે મિનારા આવેલા છે. જે કમાન વિનાની શુદ્ધ હિન્દુ શૈલીમાં બનેલી છે. અહીં થાંભલાઓની ગોઠવણી સરખેજ રોજા જેટલી સરળ નથી, પરંતુ આ મકબરાની સૌથી મોટી ખાસિયત છે એનો મુખ્ય ગુંબજ. જે આઠને બદલે બાર થાંભલાઓ પર ટેકવાયેલો છે. આ ફેરફાર સ્થાપત્યમાં અદભુત વિવિધતા લાવે છે, જેથી એને અમદાવાદમાં થાંભલાવાળી શૈલીમાં બનેલી સૌથી સફળ કબર ડિઝાઇન માનવામાં આવે છે. આજે પણ ઉસ્માનપુરાના આ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ પ્રત્યે અનેક ધર્મ અને જાતિના લોકો અતૂટ આસ્થા ધરાવી મોટી સંખ્યામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)