ચા ના પસંદ આવે તો પૈસા પાછા..!

આપણે ગુજરાતમાં કહેવાય છે કે.. ‘ જેની ચા બગડે એની સવાર બગડે અને દાળ બગડે એનો દિવસ..! એટલે જેને ચાની આદત હોય એને સવારના પહોરમાં ચા બરાબર ના મળે એટલે જાણે કે આખો દિવસ સુસ્ત લાગે..કારણ એમને મન પૃથ્વીનું અમૃત એટલે ચા..

ગુજરાત અને ભારતના મોટાભાગના પ્રાંતમાં મહેમાન તરીકે જાઓ એટલે ચા પાણીનું પહેલાં પુછાય..રસ્તામાં મિત્રો મળી જાય કે હરવા ફરવા જાઓ એટલે સારી ચા ની શોધ તો શરૂ થઇ જ જાય..કેટલીક વાર ફાઇવ સ્ટાર હોટલની ચા ફિક્કી લાગે.. મોટી બ્રાન્ડની ચા લોન્જ નિરાશ કરે પણ કિટલી, લારી, ખૂમચાની ચા ની ચૂસકીથી મોજ પડી જાય..એમાંય પ્રેમથી ચા પિવડાવતો ખૂમચા વાળો એમ લખે કે.. ‘ચા ના પસંદ આવે તો પૈસા પાછા..’ હા. આવું પાટિયું અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર દર રવિવારે ભરાતાં ગુજરી બજારમાં જોવા મળે. ગુજરીમાં પ્રવેશતાં જ રાયખડ દરવાજા તરફ જતાં જુદી જુદી વસ્તુઓનું પાથરણાં બજાર જોવા મળે. એની વચ્ચે 50 કરતાં પણ વધુ વર્ષથી એક ચા ની લારી ખૂમચો ચાલે છે. આ ચા ની લારી ચલાવતા પ્રતાપભાઇ આમતો સરકારી કર્મચારી પણ રહી ચૂક્યા છે. સરકારી નોકરીમાંથી નિવૃત થયા પણ ચા ની લારી ચાલુ રાખી છે. પ્રતાપભાઇના હાથે બનાવેલી ચા આખાય બજારમાં પ્રખ્યાત છે. આ બજારમાં ઘર વખરી, જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા અને વેચવા ફરતો રઝળતો માણસ ચા પીધા પહેલાં જ તાજગી અનુભવે.. કારણ ચા સારી જ મળશે.. એવી બાહેંધરી વાળું પાટિયું સામે જ નજરે પડે..ચા ના પસંદ આવે તો પૈસા પાછા..!

(પ્રજ્ઞેશ વ્યાસ)