હેરિટેજ સિટી અમદાવાદમાં સખાવત કરી ગયેલા શ્રેષ્ઠીઓના નામે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાના-હોસ્પિટલો, નાટ્ય ગૃહ, ઇમારતો બન્યા છે, જેમાના ઘણાં હાલ ખંડેર અને જર્જરિત હાલતમાં છે.
એમાંનો એક એટલે એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલો શેઠ મંગળદાસ ગિરધરદાસ મેમોરિઅલ હોલ. આઝાદી પહેલાં અમદાવાદના કોટની રાંગની બહાર અને સાબરમતીના એલિસબ્રિજની પેલે પાર નાગરિકો દ્વારા આપવામાં આવેલા દાનથી આ હોલનું નિર્માણ 1930માં કરવામાં આવ્યું. એ પછી 1960માં બી.વી. દોશીની આગેવાનીમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. એ પછી શ્રેષ્ઠી કમલ મંગલ દાસની આગેવાનીમાં 1997-98માં મોટા પાયે નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
આ ટાઉનહોલ શ્રેષ્ઠ આર્કિટેક્ચરનું ઉદાહરણ છે. એનું બાંધકામ એકમેકથી 45 ડીગ્રી પર ગોઠવેલા બે ચોરસનો ઉપયોગ કરીને તારા આકારમાં તૈયાર કરવામાં આવી હતી. વચ્ચે બનતા અષ્ટકોણ ભાગમાં દર્શકો માટેની બેઠકો ગોઠવવામાં આવી છે. બે લંબચોરસ આ વચ્ચેના ચોરસના આગળ અને પાછળના ભાગમાં ઉમેરવામાં આવ્યા હતા, જે ઓસરી અને રંગમંચના રૂપમાં તૈયાર થયા હતા. તારા આકારની આ ઇમારતને અષ્ટકોણિય ક્રોંક્રિટ ગુંબજ દ્વારા ઢાંકવામાં આવી હતી.
લગભગ 95 વર્ષ પહેલાં બનેલા ટાઉનહોલ બે વાર સમારકામ કરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો, પણ ફરીથી જર્જરિત થઇ જતાં આ ટાઉનહોલને સમારકામ અને નવીનીકરણ માટે છેલ્લા ઘણાં સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે. અંગ્રેજોના વખતમાં શ્રેષ્ઠ સ્થાપકો દ્વારા લોકો માટે તૈયાર કરાયેલી ઇમારાત હાલ સમારકામનું કામ શરૂ થવાની રાહ જોઇ રહી છે.
પ્રજ્ઞેશ વ્યાસ




