
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું હાલીસા ગામ આ પંથકનું મોટું ગામ કહી શકાય. ગામમાં પ્રવેશતાની સાથે જ વિશાળ પાણીની ટાંકીને અડીને જ ગંદકી, લીલ, ઝાડી ઝાંખરા વચ્ચે ઐતિહાસિક ધરોહર દબાયેલી જોવા મળે. આ ઐતિહાસિક ધરોહર 14મી સદીમાં મહમદ બેગડા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જે હાલ ભમ્મરિયા કૂવા તરીકે જાણીતી છે.
હાલીસા ગામમાં પ્રવેશતા જ કોઇપણને પુછો..ભમ્મરિયો કૂવો ક્યાં.? તો સૌ આ જળાશય વિશે જાણે..પણ માવજતના નામે મીંડુ..આ ઐતિહાસિક ભૂલભૂલામણી વાળા કૂવાનું નિર્માણ 14મી સદીમાં કરવામાં આવ્યું હતું. અસંખ્ય બારીઓ ઝરૂખા વાળો આ કૂવામાં ચારે તરફ લીલ જામી ગઇ છે. સુંદર મહેરાબવાળા ઝરૂખા પ્રવેશ દ્વાર ગંદકીના થર જામી ગયા છે. પહેલાં પાણીનો સ્ત્રોત વાવ અને કૂવા હતા. સ્થાનિક લોકોને સરળતાથી પાણી મળી રહે એ માટે જુદા જુદા પ્રવેશ દ્વાર, પગથિયા ધરાવતો આ કૂવો છે. અંદાજે સો ફૂટ ઉંડાઇ ધરાવતા આ કૂવામાં સાતા માળ આવેલા છે. ઉત્તમ કારીગરીથી બનાવાયેલી આ ઐતિહાસિક ધરોહર ભૂલભૂલામણી વાળા ભમ્મરિયા કૂવા તરીકે તો જાણીતી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીકના આવા અનેક ઐતિહાસિક સ્થળો એની જાળવણી કરવાનું ભૂલાઇ ગયું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




