
અમદાવાદ શહેરના રેલવે સ્ટેશન બહાર અંદાજે 15મી સદીમાં તૈયાર કરવામાં આવેલા ઝુલતા મિનારામાં વસંત ઋતુની સાંજે અનોખા દ્રશ્યો સર્જાય છે. આકાશ પક્ષીઓની ઉડાઉડથી ભરાઇ જાય છે. ટ્રાફિકથી ભરચક આ વિસ્તારમાં હજારો પક્ષીઓની ઉડાઉડ જાણે વસંત ઋતુની પધરામણીનો સંકેત આપે છે.
ઠંડીની આ ઋતુમાં દુનિયાના કેટલાક અતિશય ઠંડા પ્રદેશોમાંથી અનેક પક્ષીઓ માઇલોની મજલ કાપી અહીં ઉતરી પડે છે. પક્ષીઓની કેટલીક પ્રજાતિ ગુજરાતના નળસરોવર, ખિજડીયા, ગામ તળાવો, નદી,કેનાલો અને સમુદ્રના છીછરા પાણી પાસે અનુકુળતા પ્રમાણે પડાવ નાંખે છે. જ્યારે કેટલાક પક્ષીઓ સગવડતા શોધી લે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ શહેરના એન.આઇ.ડી., રિવરફ્રન્ટ પાસેના વૃક્ષો, કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેના વૃક્ષો, કાંકરિયા તળાવ જેવા અનેક સ્થળોએ પક્ષીઓનું એક વિશાળ ઝુંડ ઉડા ઉડ કરતું જોવા મળે છે. આ નાના નાના ચકલી કાબર જેવા પક્ષીઓ રોઝી સ્ટાર્લિંગ બર્ડસ છે. કોઇપણ વિસ્તારમાં સંધ્યા ટાંણે ટોળામાં ઉડતાં આ પક્ષીઓ સૌનું ધ્યાન ખેંચે છે. એમાંય સ્થાપત્યોની આસપાસ કિલ્લોલ કરતાં પક્ષીઓનો નજારો જોવા લોકો ક્ષણ માટે અચૂક થંભી જાય છે…
(પ્રજ્ઞેશ વ્યાસ)


