‘મર્દ કો કભી દર્દી નહીં હોતા’! હિન્દી ફિલ્મનો આ ડાયલોગ ઘણો જાણીતો છે, પરંતુ હકીકત જરા વિપરીત છે. રીલ લાઈફમાં આ વાત શક્ય છે, પરંતુ રિયલ લાઈફમાં નહીં. વાસ્તવિક જિંદગીમાં તો પુરુષને પણ દર્દ થાય છે.
એના મનમાં પણ અનેક સમસ્યાઓ, સવાલો હોય છે.
વિશ્વભરમાં 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ (International Men’s Day) ઉજવવામાં આવે છે. સમાજમાં પુરુષો અને યુવકોના યોગદાનનું સન્માન કરવા, એમના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને હકારાત્મક પુરુષ રોલ મોડેલ્સને ઉજાગર કરવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી થાય છે.
કોઇને વળી એમ પણ લાગે કે, પુરુષ દિવસની ઉજવણીની ક્યાં જરૂર છે? એમના તો બારે મહિના છે. પણ સત્ય એ નથી. આ દિવસે પુરુષોના મનની વાત થાય છે. સતત કામ કરીને, મહેનત કરીને ઘર-પરિવાર બધાની જવાબદારી પોતાના ખભે લઇને ચાલતા પુરુષોનો આ દિવસે આભાર માનવામાં આવે છે.
ચાલો જાણીએ, પુરુષ દિવસનો ઇતિહાસ અને એવા કેટલાક દેશો વિશે, જ્યાં વિશેષ રીતે ઉજવાય છે વિશ્વ પુરુષ દિવસ…
ઇતિહાસ..
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની વિચારણા સૌ પ્રથમ 1923માં શરૂ થઈ, જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રેરણા લઈને 23 ફેબ્રુઆરીને પુરુષ દિવસ તરીકે નિર્ધારીત કરવાની રજૂઆત થઈ હતી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને માલ્ટાની કેટલીક સંસ્થાઓએ આ દિવસ માટે રસ દર્શાવ્યો હતો. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાએ બે વર્ષ સુધી પુરૂષ દિવસ સંબંધિત કાર્યક્રમો પણ આયોજિત કર્યા. પરંતુ પછી આ ઉજવણી લગભગ બંધ થઈ ગઈ.

નવો વળાંક 1999માં આવ્યો, જ્યારે ત્રિનિદાદ અને ટોબેગોમાં યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇન્ડિઝના પ્રોફેસર ડો. જેરોમ તિલકસિંઘે પોતાના પિતાને પ્રેરણા માનીને 19 નવેમ્બરએ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શરૂઆત કરી. એમણે પુરુષોના માનસિક આરોગ્ય, પરિવાર અને સમાજમાં એમની ભૂમિકાઓ અને એમની સામેના અજાણ્યા પડકારો વિશે વિશ્વવ્યાપી ચર્ચા શરૂ કરવાની અપીલ કરી. થોડા જ વર્ષોમાં આ તારીખ વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની ગઈ.
હવે 19 નવેમ્બર વિશ્વ પુરુષ દિવસ તરીકે સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે. આ દિવસ યુનેસ્કો દ્વારા પણ સમર્થિત છે. ભારતમાં આ દિવસની ઉજવણી પ્રથમ વખત 19 નવેમ્બર 2007ના રોજ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ વિશ્વના લગભગ 80થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે, જેમાં અનેક દેશો એવા છે જે ખાસ રીતે ઉજવણી કરે છે.
ત્રિનિદાદ અને ટોબેગો: આ દિવસની શરૂઆત અહીં થઈ હોવાથી, અહીં સરકાર અને વિવિધ સંગઠનો દ્વારા સકારાત્મક પુરુષ રોલ મોડેલ્સને સન્માનિત કરવા માટે કાર્યક્રમો અને પરિષદોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત આ દિવસનો મહિમા સૌથી વિશેષ રીતે ઉજવાય છે. અહીં પુરુષોના આરોગ્ય, સમુદાય વિકાસ, યુવા છોકરાઓને માર્ગદર્શન અને પિતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કાર્યક્રમો પણ થાય છે. શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પુરુષ રોલ મોડલ્સને સન્માનિત કરવાની પરંપરા છે.

ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયામાં વિશ્વ પુરુષ દિવસ ખાસ કરીને પુરુષોના માનસિક આરોગ્ય માટે સમર્પિત છે. અહીં મોટા પાયે Men’s Health Walks, ચર્ચા ગૃહો, અવેરનેસ કેમ્પેઇન અને સમુદાય ઇવેન્ટ્સ યોજાય છે. સાથે મળીને પુરુષોની ભાવનાત્મક સુખાકારી માટે એક ચળવળ પણ થાય છે. સમુદાય સ્તરે સભાઓ અને ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમો યોજાય છે.

માલ્ટા: માલ્ટામાં આ દિવસને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. સરકારના સહયોગથી પુરુષોને લગતા હકારાત્મક મુદ્દાઓ પર ચર્ચાઓના કાર્યક્રમોનું આયોજન થાય છે.

યુનાઇટેડ કિંગડમ (UK): અહીં વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ પુરુષોના સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવનમાં એમના સકારાત્મક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઝુંબેશ ચલાવે છે. ઉપરાંત કાર્યસ્થળ પરના દબાણ, માનસિક આરોગ્ય, અને સકારાત્મક પુરુષ રોલ મોડલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અનેક કોલેજો અને ઓફિસોમાં ચર્ચા કાર્યક્રમો, સ્પીચનું આયોજન થાય છે.

કેનેડા: કેનેડામાં, આ દિવસને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને ઘરેલું હિંસા તેમજ અન્ય સામાજિક સમસ્યાઓનો ભોગ બનેલા પુરુષો અને છોકરાઓ માટે સહાયક વાતાવરણ બનાવવાની હિમાયત કરવા માટે ઉજવવામાં આવે છે.
ભારતઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વ પુરુષ દિવસને વિશેષ મહત્વ મળ્યું છે. હેલ્થ ચેક-અપ કેમ્પ, સેમિનાર, પુરુષ અધિકારો અંગે ચર્ચા, બ્લોગ કેમ્પેઇન અને માનસિક આરોગ્ય અંગેની વર્કશોપ દ્વારા ઉજવણી થાય છે. સોશિયલ મીડિયા પર પણ #InternationalMensDay વ્યાપક રીતે ચર્ચાય છે.

અમેરિકાઃ અમેરિકા આ દિવસને ફાધરહૂડ, ઘરગથ્થુ જવાબદારી, સકારાત્મક પુરુષ વ્યક્તિત્વનું નિર્માણ અને સમાજમાં પુરુષોની ભૂમિકાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉજવે છે. ખાસ તો શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અનેક જગ્યાએ મોટી ઇવેન્ટ યોજાય છે.
આ વર્ષની થીમ છે…

દર વર્ષે વિશ્વ પુરુષ દિવસ સમાજમાં પુરુષો અને યુવાનો સાથે જોડાયેલા જુદા-જુદા મુદ્દાઓ પર ફોકસ કરતી વિશિષ્ટ થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2025 માટે પસંદ થયેલી થીમ છે “Supporting Men and Boys” (સપોર્ટિંગ મેન એન્ડ બોય), જેનો મુખ્ય અર્થ છે પુરુષો અને છોકરાઓને જીવનના દરેક સ્તરે ભાવનાત્મક, માનસિક, આરોગ્ય અને સામાજિક સ્તરે જરૂરી સહારો આપવો. આ થીમ એ યાદ અપાવે છે કે પુરુષો પર મજબૂત રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ એમની અંદરની નાજુકતા, સંઘર્ષ અને મૌન પીડા ઘણીવાર કોઈને દેખાતી નથી. 2025ની થીમ સમાજને પ્રેરણા આપે છે કે તેઓ પુરુષોને સાંભળે, સમજે એમની સુખાકારી માટે સક્રિય સહયોગ આપે. ભલે એ પરિવાર હોય, કાર્યસ્થળ હોય કે સમુદાય. આ વર્ષની થીમનો સંદેશ સ્પષ્ટ છે સહારો એ જ શક્તિ છે.
હેતલ રાવ


