સૌમ્યા એક ઉચ્ચ શિક્ષિત અને આત્મનિર્ભર બેંક મેનેજર યુવતી. 25 લોકોના સ્ટાફની લીડર. ધ્રુવજ સાથે ધૂમધામથી એના લગ્ન થયા. પણ સાસરે પગ મૂકતાં જ સાસુ રેણુકાબહેને કટાક્ષ કરતા કહ્યું “સૌમ્યા નસીબદાર છે, બાકી અમારા ધ્રુવજ જેવો દીકરો એને ક્યાંથી મળે?” સૌમ્યા ચૂપ રહી, પણ હૃદયમાં ઊંડો ઘા થયો.
દિવસો વીતતા ગયા. રેણુકાબહેનના મહેણાં વધતા ગયા. વહુ તો કામચોર છે! બસ કમાતા આવડે અને ઉડાડતા. આવા શબ્દો રોજ સૌમ્યાના સ્વાભિમાનને ચીરતા. ધ્રુવજ પ્રેમથી એની સાથે હતો, પણ માતા-પિતા સામે બોલવાની હિંમત ન હતી. સૌમ્યા નોકરી, ઘરકામ, સામાજિક ફરજો નિભાવતી, છતાં રેણુકાબહેનની નજરમાં “અયોગ્ય” જ રહી.
લગ્નને બે વર્ષ વીત્યા, પણ હેરાનગતી ઓછી ન થઈ. અંતે એક દિવસ કંટાળીને સૌમ્યાએ ધ્રુવજને કહી જ દીધું કે, મારાથી હવે સહન નહી થાય. ક્યાં સુધી હું આ રીતે મારા સમ્માનનો ભોગ આપ્યા કરીશ? ધ્રુવજ સ્તબ્ધ થયો, પણ જવાબ ન આપી શક્યો.
સૌમ્યાએ પોતાના માતા-પિતાને વાત કરી. એમની લાડકી દીકરીની આવી દશા જોઈ એમનું હૃદય દ્રવી ગયું. સૌમ્યાની લડાઈ માત્ર અપમાન સામે નહીં, પણ પોતાના અસ્તિત્વ માટે હતી. એનો સવાલ સ્પષ્ટ હતો કે “શું મારા સ્વાભિમાન કોઈ મૂલ્ય નથી? સ્ત્રીને સ્વાભિમાન માટે સવાલ કરવાનો હક ખરો?
દરેક મહિલાને પોતાના જીવન પર અધિકાર હોવો જોઈએ
મહિલાના સ્વાભિમાનનો સવાલ ઘણીવાર પરિવારમાં પુત્રવધૂ કે દીકરી તરીકે મળવા જોઈતા સન્માનના અભાવે ઉભો થાય છે, જે ક્યારેક છૂટાછેડા જેવા ગંભીર પગલાં સુધી પહોંચે છે. સમાજમાં મહિલાનો અવાજ ઉઠાવવો હજી પણ સ્વીકારાતો નથી અને એને સ્વવછંદી ગણીને અવગણવામાં આવે છે. શું મહિલાને પોતાના સ્વાભિમાનની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો હક નથી? શું એનું સ્વાભિમાન કોઈ મૂલ્ય નથી ધરાવતું?
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કલાસૂર્ય ફાઉન્ડેશનના સ્થાપક સંગીતા પટેલ કહે છે કે, “આજના જમાનામાં પણ સ્ત્રીઓને પોતાના જીવનના નિર્ણયો માટે પરમિશન લેવી પડે છે, જે યોગ્ય નથી. દીકરી હોય કે વહુ, દરેક મહિલાને પોતાના જીવન પર અધિકાર હોવો જોઈએ. પરિવાર પાસે એ માર્ગદર્શન માગી શકે છે, પરંતુ નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોવું જરૂરી છે. સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે જેવી પાતળી રેખા છે, એવી જ રીતે સ્વાભિમાન અને અભિમાન વચ્ચે પણ છે. ઘણીવાર અભિમાનના કારણે મહિલાઓ પોતાના પરિવારને નુકસાન પહોંચાડે છે, જેના કારણે સાચા સ્વાભિમાન માટે લડતી મહિલાઓને પણ સ્વછંદી ગણવામાં આવે છે. હું માનું છું કે કોઈ પણ વ્યક્તિને પોતાનો નિર્ણય લેવાનો પુરેપુરો હક છે.”
મહિલાની સ્વાભિમાન માટેની લડત આજે પણ ચાલી રહી છે
સમાજમાં સ્ત્રી આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. શિક્ષણ, નોકરી, વ્યવસાય કે રાજકારણ બધે જ સ્ત્રીઓએ પોતાની કાબેલિયત સાબિત કરી છે. છતાંય ઘરઆંગણે એના સ્વાભિમાનનો સવાલ ઘણીવાર અવગણાય છે. પુત્રવધૂ કે દીકરી તરીકે એના યોગદાનને પૂરતું માન મળતું નથી. ઘરનાં નિર્ણયો સમયે એના વિચારો સાંભળવામાં આવતા નથી. પરિણામે, એના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું મારા અસ્તિત્વનું મૂલ્ય નથી?
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા લેખિકા પ્રજ્ઞા મહેતા કહે છે કે, સ્ત્રી એટલે જગતની જનની, જગદંબા, સ્ત્રી એટલે બુદ્ધિનો સ્ત્રોત સરસ ઉપનામથી સંબોધાય સ્ત્રી પરંતુ ખરેખર સ્ત્રી સુરક્ષિત છે? સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે શું ખરેખર આ સત્ય છે? બિલકુલ નહીં. આજે સમાજમાં પુરુષ કરતાં પણ સ્ત્રી ઉંચા હોદા પર હોય છે. એને પણ માનસિક અને શારીરિક ટોર્ચર સમાજ અને ઘર તરફથી થાય છે. વિશ્વના કોઈપણ ખૂણા તરફ દૃષ્ટિ કરીએ દરેક તરફ સ્ત્રીની દશા કચડાયેલી જ હોય છે. સતાપર બેઠેલી સ્ત્રીના દરેક નિર્ણયનું સંચાલન એના પતિ અથવા પુત્ર કરતા હોય છે શા માટે? મહિલા પોતાના સ્વાભિમાન માટે લડત લડતી આવી છે અને આજે પણ લડી રહી છે.
કેટલીક મહિલાઓ પરિવાર માટે પોતાનું સ્વાભિમાન કચડી નાખે છે
પુરુષ પોતાના સ્વાભિમાન માટે સવાલ કરે તો એને “આત્મસન્માની” કહેવામાં આવે છે. પણ જો સ્ત્રી એ જ કરે તો એને “હઠીલી” ગણવામાં આવે છે. આ દ્વિધા વિચારો આજે પણ સમાજમાં ઘેરી વેરાયેલી છે. એ જ કારણ છે કે સ્ત્રીનો અવાજ ઉઠાવવો સમાજ માટે “અપરાધ” સમાન લાગે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર ખુશ્બુ પરમાર કહે છે, જીવનમાં ઘણી બાબતોમાં સમજૂતી થઈ શકે, પરંતુ આત્મસન્માનમાં ક્યારેય સમજૂતી થઈ શકે નહીં. સામાન્ય મહિલા પણ અપમાન સહન કરતી નથી જો વાત એના સ્વાભિમાનની હોય. જીવનભર અનેક બાબતોને અવગણતી સ્ત્રી પણ આ મુદ્દે ચૂપ રહી શકતી નથી. અલબત્ત, કેટલીક મહિલાઓ પરિવાર માટે પોતાનું સ્વાભિમાન કચડી નાખે છે. સ્ત્રી જ્યારે પોતાના માટે કંઈ બોલે ત્યારે એને સમાજ ચૂપ કરાવી દે છે, કારણ કે આપણા સમાજનો સૌથી મોટો રોગ ‘ક્યાં કહેગેં લોગ’ છે.
હેતલ રાવ
