ભાષા એ કોઈ સ્થિર તળાવ નથી, પણ સતત વહેતી નદી છે. આજે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના જમાનામાં ભાષાનું સ્વરૂપ ખૂબ ઝડપથી
બદલાઈ રહ્યું છે. આજની જનરેશન ઝેડ એટલે કે Gen-Z પોતાની વાતચીતમાં જે અનોખા શબ્દોનો ઉપયોગ કરે છે, એ પહેલી નજરે તો કોઈ બીજા ગ્રહની ભાષા જેવા લાગે. પરંતુ આ કોઈ અર્થ વગરનો બબડાટ નથી.
આ શબ્દો પાછળ આખી નવી સંસ્કૃતિ અને મનોવિજ્ઞાન છુપાયેલું છે. ચાલો, આજના સમયમાં વાઇરલ થયેલા આ ટ્રેન્ડી શબ્દોને સમજીએ…
ડેલુલુ (Delulu): ભ્રમ અને આશાવાદ વચ્ચેનો સ્માર્ટ શબ્દ

મૂળ અંગ્રેજી શબ્દ ‘Delusional’ પરથી ઘડાયેલો આ શબ્દ એક ખાસ પ્રકારના રમૂજી આત્મવિશ્વાસને દર્શાવે છે. જ્યારે કોઈ વસ્તુ વ્યવહારિક રીતે અશક્ય લાગતી હોય, છતાં યુવાનો એ વિશે મોટા સપનાઓ સેવે, ત્યારે તેઓ મજાકમાં પોતાને ‘ડેલુલુ’ કહે છે. આ માત્ર ખોટી અપેક્ષાઓ નથી, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોઝિટિવ રહેવાનું એક ‘પોપ-સાયકોલોજી’ ટૂલ છે. ઇન્ટરનેટ પર ચાલતો “Delulu is the Solulu” એટલે કે ભ્રમમાં રહેવું એ જ ઉકેલ છે આ ટ્રેન્ડ આનું બેસ્ટ ઉદાહરણ છે. જેમ કે, ઓછી મહેનતે મોટો બંગલો બનાવવાની કલ્પના કરવી એ ‘ડેલુલુ માઈન્ડસેટ’ છે. ટૂંકમાં, આ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેના અંતરને હળવાશથી રજૂ કરતો એક સ્માર્ટ શબ્દ છે.
ફોમો – FOMO (Fear Of Missing Out): સોશિયલ મીડિયા યુગનો માનસિક સરચોટો

આ યુગમાં ‘FOMO’ એ હવે માત્ર એક શબ્દ નથી, પણ આજના યુવાનોની એક મોટો માનસિક અનુભવ છે. જ્યારે કોઈ વ્યક્તિ ઈન્સ્ટાગ્રામ કે અન્ય પ્લેટફોર્મ પર પોતાના મિત્રોને પાર્ટી કરતા, દેશ-વિદેશમાં પ્રવાસ કરતા કે કોઈ ઈવેન્ટ માણી રહ્યા હોવાના ફોટા જુએ છે, ત્યારે એના મનમાં એક અજાણ્યો ભય અને અસુરક્ષાની લાગણી જન્મે છે કે ‘હું કંઈક મહત્વનું ચૂકી રહ્યો છું’. આ માનસિક સ્થિતિ માટે ‘FOMO’ શબ્દ વપરાય છે. આ શબ્દે આજના યુવાનોની લાઈફસ્ટાઈલ પર ઊંડી અસર પાડી છે. લોકો થાકેલા હોવા છતાં માત્ર આ ડરથી બહાર જાય છે કે રવિવારની મજામાં તેઓ પાછળના રહી જાય. સોશિયલ મીડિયા પર ચાલતા આર્ટિફિશિયલ ગ્લેમરને કારણે આ લાગણી એટલી તીવ્ર બની ગઈ છે કે હવે એ વાણિજ્યિક માર્કેટિંગનો પણ એક ભાગ બની ગઈ છે, જ્યાં બ્રાન્ડ્સ લોકોને ‘અત્યારે જ ખરીદો નહીં તો ચૂકી જશો’ કહીને વેચાણ વધારે છે.
એમ.આઈ.એ. -MIA (Missing In Action): ડિજિટલ વર્લ્ડમાંથી અદ્રશ્ય થઈ જવાની કળા

મૂળ લશ્કરી દળોમાં વપરાતો આ શબ્દ, જ્યાં કોઈ સૈનિક યુદ્ધ દરમિયાન ગુમ થાય ત્યારે ‘Missing In Action’ કહેવાતું, એ આજે યુવાનોના ચેટિંગ ગ્રુપમાં એક તદ્દન નવો અર્થ લઈને આવ્યો છે. આજકાલ જ્યારે કોઈ મિત્ર અચાનક પોતાના ગ્રુપમાંથી ગાયબ થઈ જાય, વોટ્સએપ પર મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દે કે પછી સોશિયલ મીડિયાની પ્રોફાઈલ પરથી સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય, ત્યારે એના માટે કહેવાય છે કે એ ‘MIA’ થઈ ગયો છે. આજના જમાનામાં જ્યાં દરેક વ્યક્તિ પર 24 કલાક ઓનલાઈન રહેવાનું દબાણ હોય છે, ત્યાં અમુક સમય માટે પોતાની મેળે ‘MIA’ થઈ જવું એ યુવાનો માટે એક પ્રકારનું ડિજિટલ ડિટોક્સ અથવા માનસિક શાંતિ મેળવવાનો રસ્તો પણ છે. ટુંકમાં જ્યારે કોઈ સ્પષ્ટતા વગર અચાનક ગાયબ થઈ જાય, ત્યારે એને શોધવા માટે આ ટૂંકો શબ્દ ખૂબ પોપ્યુલર બન્યો છે.
રિઝ (Rizz): પર્સનાલિટી, આકર્ષણ અને સંવાદ કળાનો નવો માનદંડ

અંગ્રેજી શબ્દ ‘Charisma’ ના વચ્ચેના અક્ષરો પરથી બનેલો આ શબ્દ ‘Rizz’ આજના ડેટિંગ અને સોશિયલ કલ્ચરનો સૌથી હોટ શબ્દ છે. આ શબ્દનો અર્થ માત્ર શારીરિક સુંદરતા નથી, પરંતુ કોઈ વ્યક્તિની વાતચીત કરવાની શૈલી, એની રમૂજવૃત્તિ અને સામે વાળી વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરવાની અદભુત ક્ષમતા છે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ જાતના ખાસ પ્રયાસ વગર, પોતાની સહજ વાતોથી જ સામેવાળાનું દિલ જીતી લે, તો યુવાનો કહે છે કે એની પાસે ‘અનલિમિટેડ રિઝ’ છે. ઓક્સફોર્ડ ડિક્શનરી દ્વારા પણ આ શબ્દની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને એને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. આજના યુવાનોમાં પોતાની પર્સનાલિટીને વધુ આકર્ષક બનાવવી કે લોકો સાથે સરળતાથી કનેક્ટ થઈ જવું એ એક કળા ગણાય છે, અને એ જ આકર્ષણ શક્તિને વ્યાખ્યાયિત કરવા માટે આ શબ્દનો વ્યાપક ઉપયોગ થાય છે.
ક્લોક્ડ (Clocked): સત્ય અને ભૂલોને યોગ્ય સમયે પકડી પાડવાની તીક્ષ્ણતા

‘Clocked’ શબ્દનો ઉપયોગ આજના યુવાનો ત્યારે કરે છે, જ્યારે કોઈ વ્યક્તિ સામે વાળાના મનની છૂપી વાત, ચાલાકી કે કોઈ જૂઠાણાને એક ક્ષણમાં પારખી લે છે. અગાઉના સમયમાં જેને આપણે ‘પોલ ખોલી દેવી’ કે ‘રહસ્ય પકડી પાડવું’ કહેતા, એને આજના સ્માર્ટ યુવાનો ‘ક્લોક્ડ’ કરવું કહે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય પણ બીજી વ્યક્તિ એની બોડી લેંગ્વેજ કે આંખોના હાવભાવ પરથી સાચી વાત જાણી લે, ત્યારે કહેવાય છે કે એને સાચી પરિસ્થિતિ ‘ક્લોક્ડ’ થઈ ગઈ. આ શબ્દમાં એક પ્રકારની ચાલાકી, તીવ્ર બુદ્ધિમત્તા અને સમયસૂચકતાનો ભાવ રહેલો છે. ચેટિંગ દરમિયાન અથવા તો કોઈ ગંભીર ચર્ચામાં જ્યારે કોઈની વાતનો વિરોધાભાસ તરત જ પકડાઈ જાય, ત્યારે યુવાનો આ શબ્દનો પ્રયોગ કરીને પોતાની સતર્કતા બતાવે છે.
સસ (Sus): શંકાસ્પદ વર્તનને રમૂજમાં ફેરવતો શબ્દ

‘Suspicious’ એટલે કે શંકાસ્પદ શબ્દનું આ અત્યંત ટૂંકું અને રોચક સ્વરૂપ ‘Sus’ છે. ખાસ કરીને ‘Among Us’ જેવી ઓનલાઈન ગેમ્સ દ્વારા લોકપ્રિય થયેલો આ શબ્દ આજે દૈનિક જીવનની વાતચીતનો કાયમી હિસ્સો બની ગયો છે. જ્યારે કોઈ મિત્ર અચાનક અલગ રીતે વર્તે, પોતાની સ્ક્રીન છુપાવે, નકામા બહાના બનાવે કે કોઈ ગડબડ કરી રહ્યો હોય એવું લાગે, ત્યારે એના પર સીધો આક્ષેપ મૂકવાને બદલે હળવાશથી એને ‘Sus’ કહેવામાં આવે છે. આ શબ્દની ખાસિયત એ છે કે એ વાતાવરણને ગંભીર બનાવ્યા વગર જ સામે વાળાની હિલચાલ પર શંકા વ્યક્ત કરી દે છે. આજના યુવાનો મિત્રવર્તુળમાં ચાલતી નાની-મોટી ચાલાકીઓ કે છૂપી વાતોને પકડવા માટે કોઈ લાંબા વાક્યો બોલવાના બદલે માત્ર એક જ અક્ષરમાં પોતાની વાત પૂરી કરી દેવા માટે આ શબ્દ વાપરે છે.
વાસ્તેગુના હુઈયાં (Wasteguna Huiyaan): ઈન્ટરનેટ મિમ્સનો અર્થહીન છતાં અત્યંત વજનદાર ટ્રેન્ડ

આ એક એવો અનોખો અને વિચિત્ર શબ્દ છે જેનો કોઈ શાબ્દિક કે ભાષાકીય અર્થ શોધવા જાઓ તો નિષ્ફળતા જ મળે, પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં આનું વર્ચસ્વ જબરદસ્ત છે. અમેરિકાના એક વિડિયો ટ્રેન્ડ પરથી શરૂ થયેલો આ સંવાદ ભારત સુધી પહોંચ્યો અને મિમ્સના માધ્યમથી એટલો વાયરલ થયો કે આજે યુવાનો કોઈ પણ નાની વાતને અતિશયોક્તિ સાથે રજૂ કરવા અથવા ફની રિએક્શન આપવા માટે આનો બહોળો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ ઘટનામાં અચાનક નાટકિય વળાંક આવે કે કોઈ વ્યક્તિ બહુ વિચિત્ર ડ્રામા કરે, ત્યારે આ શબ્દ બોલીને માહોલને હળવો બનાવી દેવાય છે. નવાઈની વાત એ છે કે કોઈ ચોક્કસ વ્યાકરણના હોવા છતાં, આ વિરોધ પ્રદર્શનો અને જંતર-મંતર જેવા આંદોલનોમાં પણ યુવાનો દ્વારા વિરોધ દર્શાવવાની એક રમુજી શૈલી તરીકે વાપરવામાં આવ્યો હતો.
કુચુ-પુચુ (Kuchu-Puchu): અતિશય વાત્સલ્ય અને ક્યૂટનેસ વ્યક્ત કરવાનો શબ્દ

આ શબ્દ સાંભળવામાં ક્યારેક અજીબ, ક્યારેક અર્થ વગરના, તો ક્યારેક ક્યુટ લાગે, પણ Gen-Z ની ભાષામાં પ્રેમ અને લાગણી છૂપાયેલા છે. જ્યારે પણ કોઈ અતિશય ક્યૂટ નાનું બાળક, પાલતુ પ્રાણી જેમ કે બિલાડી કે શ્વાનનું બચ્ચું, અથવા તો કોઈ ખૂબ જ સુંદર વસ્તુ નજરે પડે, ત્યારે એના પ્રત્યેનો અતિશય પ્રેમ અને વાત્સલ્ય વ્યક્ત કરવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. આજના કઠોર અને ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં જ્યારે યુવાનો પોતાની લાગણીઓ ખુલ્લીને વ્યક્ત કરવા માંગે છે, ત્યારે આ શબ્દ એક ‘ઈમોશનલ આઉટલેટ’ તરીકે કામ કરે છે. સોશિયલ મીડિયા પર સુંદર વિડિયો કે ફોટા પર કોમેન્ટ કરતી વખતે લાંબા વખાણ લખવાને બદલે માત્ર આ એક શબ્દ લખી દેવાથી પોતાની પૂરી લાગણી અને વહાલ સામે વાળા સુધી પહોંચી જાય છે.
(હેતલ રાવ)




