આબુરોડ નજીક રાજસ્થાનના સીમાવર્તી સિરોહી જિલ્લાના આબુરોડ શહેરથી 5 કિમી દૂર ઉમરણી ગામે આવેલ આ ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે. એ અમરાવતી નગરી સાથે જોડાયેલો છે.
પૌરાણિક કથાઓ પ્રમાણે, અમરાવતી નગરીના રાજા અંબરીષની વર્ષોની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ભગવાન ઋષિકેશ, કર્મિકેશ્વર મહાદેવ અને મા કાલી પ્રગટ થયા હતા. રાજાએ માતા ભદ્રકાળી પાસેથી એમની આ રૂપમાં અહીં બિરાજમાન રહેવાનો વરદાન માંગ્યું . ત્યાર પછીથી માતા અહીં ભક્તોના કલ્યાણ માટે કલ્યાણી સ્વરૂપે બિરાજમાન છે.
દુર્ગા અને કાલી માતાના મંદિરો દરેક જગ્યાએ જોવા મળે છે અને એમના ભક્તો પણ સમગ્ર વિશ્વમાં છે. પરંતુ કાલી મંદિર ઘણાં ઓછાં જોવા મળે છે ત્યારે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આ એક એવું ભદ્રકાલીનું મંદિર છે, જ્યાં દેવી બે સિંહો પર સવાર છે. આવું મંદિર ભાગ્યે જ ક્યાંય હશે. મંદિર સાથે સંકળાયેલી ઘણી રોચક વાર્તાઓ પણ છે.
માતા ભદ્રકાળીના હાથમાં ત્રિશૂલ, માળા, ઘંટડી અને કમંડળ છે અને બે સિંહો પર સવાર છે. કુદરતી આફતોમાં મંદિર અને પ્રતિમા માટીમાં દબાઇ જતા માતા ભદ્રકાળી તત્કાલીન સિરોહી રિયાસતના મહારાવ કેસરીસિંહને સ્વપ્નમાં દર્શન આપીને નવી પ્રતિમા સ્થાપિત કરવા માટે કહ્યું. ત્યારબાદ 1916માં મંદિર સ્થળનું જિર્ણોધાર કરવામાં આવ્યું અને નવું મંદિર બંધાવવામાં આવ્યું.
આ ભદ્રકાળી મંદિરનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ થાય છે. મા ભદ્રકાળી ગુજરાતના સિદ્ધપુર અને મહેસાણાના બ્રાહ્મણ સમાજની કુલદેવી હોવાથી અહીંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
