અમદાવાદ- નરોડાથી રખિયાલ તરફ જતાં દહેગામ પાસે સાંપા ગામ આવેલું છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા સાંપા ગામમાં પ્રવેશતાની સાથે જ એક વિશાળ મંદિરને અડીને જ એક ઐતિહાસિક વાવ આવેલી છે. જેને ઐતિહાસિક સ્થાપત્યોમાં રસ હોય એને આ વાવ જોતાં જ અડાલજની વાવની યાદ તાજી થાય. કારણ સાંપાની વાવ અડાલજની વાવ જેવી જ છે. સાંપાની વાવ અડાલજની વાવના પહેલાં બનેલી છે એવું માનવામાં આવે છે. સાંપા ગામ પ્રાચીન સમયમાં સંપત નગરી તરીકે ઓળખવામાં આવતું હતું. આ વાવનું સંપૂર્ણ નિર્માણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવ્યું છે.
વાસ્તુશાસ્ત્રમાં દરવાજા આધારિત વાવના પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમાં એક જ પ્રવેશદ્વાર હોય, તેવી વાવને ‘નંદા’ પ્રકારની વાવ કહેવામાં આવે છે. ‘ભદ્રા’ પ્રકારની વાવમાં 2 દરવાજા હોય છે અને ‘જયા’ પ્રકારની વાવમાં 3 દરવાજા હોય છે. દહેગામ પાસે આવેલા સાંપા ગામમાં આવેલી વાવ જયા પ્રકારની છે. 3 દરવાજા સાથેની આ વાવ ઉપર અને અંદરથી વિશાળ છે. વાવ ગામના મંદિર અને તળાવને અડીને જ આવેલી હોવાથી આ આખાય વિસ્તારની સુંદરતા વધી જાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)






