
કર્ણાવતીની સ્થાપના પહેલાં એની પાસે આશારાજે વસાવેલું ગામ આશાપલ્લી કહેવાતું હતું. અહમદશાહ બાદશાહે 1411માં અમદાવાદ વસાવ્યું એ પહેલાં સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ આશરે 1064-1094 દરમિયાન એની નજીકમાં કર્ણાવતી વસાવ્યુ હતું. અગિયારમી સદીના અરબ લેખકોએ એનો ‘આસાવલ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. 1251ના એક અભિલેખમાં અને 1294ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં આશાપલ્લીનો નિર્દેશ છે. ‘પ્રભાવકચરિત’ 1277, ‘પ્રબંધચિંતામણિ’ 1305, ‘વિવિધ તીર્થકલ્પ’ 1308-33 પ્રબંધગ્રંથોમાં એનો ઉલ્લેખ થયો છે. પ્રાચીન હસ્તપ્રતોમાં એનો નિર્દેશ 11મીથી 16મી સદી સુધી મળે છે.
ઇતિહાસ પ્રમાણે કર્ણદેવે આશાપલ્લીના ભિલ્લરાજા આશાને હરાવી ત્યાં કર્ણાવતી વસાવ્યું હતું. આશાપલ્લી પહેલાં વસેલી હતી એને વસાવનાર આશારાજ એ સમયગાળામાં હોય એવું માનવામાં આવે છે એટલે એ આશરે અગિયારમી સદીમાં વસી ગણાય.
પરંતુ અમદાવાદના સ્થાનમાં આઠમીથી દસમી સદીનાં શિલ્પ મળ્યાં છે. એ આશાપલ્લીના સમયનાં હોય તો એ વધુ પ્રાચીન ગણાય. આશાપલ્લી એ હાલનું અસારવા નથી. આસ્ટોડિયામાં આવેલો ‘આશા ભીલનો ટેકરો’ કહેવાય છે. દક્ષિણ-પશ્ચિમે એ હાલના જમાલપુર-રાયખડ સુધીનો વિસ્તાર છે. જમાલપુરની દક્ષિણે 16મી સદીમાં નવું આસાવલ વસ્યું હતું, જ્યાં મીર અબુ તુરાબે કદમે રસૂલ શરીફ પેગંબર સાહેબનાં પગલાં પધરાવ્યાં હતાં.
(પ્રજ્ઞેશ વ્યાસ)

