“મારી ઉંમર 19 વર્ષની છે. મને સમજણ આવી ત્યારથી જ હું અમારા મોંઘા માલ એટલે કે પશુઓને મારી આસપાસ જોઉં છું. છેલ્લાં 11 વર્ષથી તો ડેરી સાથે એક કે બીજી રીતે સંકળાયેલી છું. મારા મમ્મી-પપ્પા, મોટી બહેનો બધાંની આંગળી પકડીને હું ડેરીએ જતી ત્યારથી જ નાની-મોટી જવાબદારીઓ સંભાળી છે. ધીમે-ધીમે મોટી જવાબદારીઓ પણ મળી. તમે કહી શકો કે મને મારી ઉંમર કરતાં વધુ અનુભવ છે. ભવિષ્યમાં પણ મારું ધ્યેય તો અમારી સરહદ ડેરીને ઊંચા આયમો પર લઈ જવાનું છે અને અમારા કચ્છની આન-બાન-શાન સમાન ઊંટના દૂધના ફાયદાઓ ઘરે-ઘરે સુધી પહોંચાડવાનું છે.”
આ શબ્દો છે કચ્છ જિલ્લાના, માંડવી તાલુકાના મમાયમોરા ગામના વતની મીરલબેન રબારીના…
19 વર્ષીય મીરલબેન રબારી 2009થી એટલે કે સહરદ ડેરીની સ્થાપના થઈ ત્યારથી ડેરી ક્ષેત્રમાં કાર્યરત છે. હાલમાં તેઓ માંડવીના વીરાયતન ઈન્સ્ટિટ્યૂટમાંથી BCAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સાથે-સાથે સહકારિતા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. તેમના પરિવાર પાસે ચાલીસથી પચાસ ગાયો-ભેંસો છે, જ્યારે 10 જેટલાં ઊંટ છે. 6 ભાઈ-બહેનોમાં મીરલબેનનો ત્રીજો નંબર, મોટાં બે બહેનોમાંથી એક MBA છે જ્યારે બીજા એક બહેન CAનો અભ્યાસ કરી રહ્યા છે. મીરલબેનથી નાના ભાઈ-બહેનો પણ શાળામાં અભ્યાસ કરે છે. પિતા આશાભાઈ રબારી ઊંટના દૂધની મંડળીના ચેરમેન છે. મંડળીનું નામ શ્રી માકપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી મંડળી છે. આ મંડળી સરહદ ડેરીમાં દૂધ ભરાવે છે. જ્યારે મીરલબેન પોતાના ગામ મમાયમોરાની ડેરીમાં કામ કરે છે. ગામના દરેક લોકો દૂધ ભરાવવા આવે તેનું ક્લેક્શન મીરલબેન કરે છે, સાથે જ તેની સાચવણી અને દૂધ આગળ ડેરીમાં ભરવા જેવું છે કે નહીં તે દરેક વાતની ચકાસણી મીરલબેન કરે છે.
હાલમાં જ મીરલબેને દેશના સહકારિતા મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેઓ કહે છે, “મને તો આગલા દિવસે રાત્રે ફોન આવ્યો કે, સવારે મારે સહકારિતા સંવાદ માટે અમિત શાહને મળવા માટે અમદાવાદ જવાનું છે. કોઈ પણ પ્રકારની તૈયારી તો કરવા મળી જ ન હતી. તેમ છતાં મનમાં ખૂબ જ ઉત્સાહ હતો. વળી, વર્ષોનો અનુભવ કામ લાગ્યો. મારા પિતા આમ તો શિક્ષક છે, પરંતુ અમારો પરંપરાગત વ્યવસાય માલનું ધ્યાન રાખવાનો, તેનો ઉછેર કરવાનો છે. તે તો અમે યથાવત રાખ્યો જ છે. આ જ અનુભવ પરથી મેં એમની સમક્ષ અમારા પ્રદેશની વાત મૂકી હતી, જે બધાંને ખૂબ પસંદ આવી. સાથે જ ઊંટના દૂધને ક્લિનિકલ ટ્રાયલ બાદ માન્યતા મળે તો તેનાથી ઊંટના પાલકોને ફાયદો થાય તે અંગે પણ મેં રજૂઆત કરી હતી.”
ઊંટના દૂધ અંગેની જાગૃતતા અંગે મીરલબેન વાત કરે છે, “ઊંટડીનું દૂધ અનેક રીતે ગુણકારી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ખનીજતત્વો હોય છે, જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આયુર્વેદના અનેક પુસ્તકોમાં, ચરકસંહિતામાં ઊંટડીના દૂધના ફાયદાઓ અંગે વર્ણવ કરવામાં આવ્યું છે. કેમલ મિલ્કમાં ઈન્સ્યુલીન જેવું પ્રોટીન મોટી માત્રામાં હોય છે, જે રક્તમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. આથી જે લોકોને ડાયાબિટિસ હોય તેમના માટે તો ઊંટડીનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત મંદબુદ્ધિના બાળકો ઉપર પણ કેમલ મિલ્કને લઈને રિસર્ચ કરવામાં આવી રહી છે. જેમાં સારું પરિણામ મળી રહ્યું છે. આમ જો ક્લિનિકલ ટ્રાયલમાં કેમલ મિલ્કના ફાયદાઓ અંગે રિસર્ચ કરીને તે સાબિત કરવામાં આવે તો, ઊંટનો ઉછેર કરતાં લોકોને ખૂબ જ ફાયદો થશે. સાથે-સાથે ઊંટનું દૂધ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચશે.”
પોતાના વિસ્તારના સંગઠન વિશે વાત કરતા મીરલબેન જણાવે છે કે, “કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઊંટ ઉછેરને પ્રોત્સાહન મળે તે માટે 2011થી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ચરિયાણ વિસ્તારના સંરક્ષણની કામગીરી, ઊંટના દૂધની બજાર વ્યવસ્થાની કામગીરી, ઓલાદ સુધારણા અને સંગઠન મજબૂતીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ, અમૂલ સંસ્થા, સરહદ ડેરી, નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જીનેટિક અને અન્ય સરકારી તેમજ બિન સરકારી વિભાગો સાથે સંકલન કરી કચ્છમાં ઊંટ પાલન વ્યવસાયને મજબૂત કરવામાં આવી રહ્યો છે. અમારા દ્વારા અત્યાર સુધીમાં 6 ઊંટ મેળાનું તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.”
ધીમે-ધીમે લોકોમાં હવે કેમલ મિલ્કને લઈને જાગૃતતા વધી છે. તેનું જ પરિણામ છે કે એક સમયે કચ્છમાં જ્યાં ઊંટની સંખ્યા 2017માં માત્ર 7,000 આસપાસ હતી. તે હવે વધીને 12,500 જેટલી થઈ ગઈ છે. ઊંટની ખારાઈ પ્રકારની પ્રજાતિ માત્ર કચ્છમાં જોવા મળે છે. ખારાઈ ઊંટને દેશની અલગ ઊંટ ઓલાદ તરીકે ભારતીય કૃષિ અનુંસધાન પરિષદ અંતર્ગત વર્ષ 2015માં માન્યતા પણ પ્રાપ્ત થઈ છે. આ ખારાઇ ઊંટની વિશેષતા એ છે કે તે સમગ્ર ભારતમાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારમાં જ જોવા મળે છે. ખારાઇ ઊંટ દરિયાઇ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફકત ખારાઇ ઊંટમાં જ છે અન્ય કોઇ ઊંટમાં નથી. દરિયાઇ ખાડીમાં થતા ચેરિયા(Mangroves ) વનપસ્પતિના પાંદડા એ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત દરીયાકાંઠાની ખારી જમીનમાં થતા લાણો, ખારીજાર,પીલુડી જેવી વનસ્પતિનું ખારાઈ ઊંટ ચરીયાણ કરે છે. મુખ્યત્વે દરિયાઇ પ્રદેશની ક્ષારવાળી વનસ્પતિ જ તેમનો આહાર હોવાથી તે ખારાઇ તરીકે ઓળખાય છે.”
ઊંટના દૂધને વધારે લોકો સુધી પહોંચાડવા માટે કેવાં પ્રકારના પ્રયત્નો કરવાં જોઈએ તેવાં પ્રશ્નના જવાબમાં મીરલબેન કહે છે કે, “ઊંટડીના દૂધને ભારત સરકારના ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા આપવામાં આવી છે. ઊંટ ઉછેરકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં સરહદ ડેરીના ચેરમેનને સૂચન કર્યું હતું અને સરહદ ડેરીએ ઊંટડીના દૂધનું કલેક્શન શરૂ કર્યું હતું. શરૂઆતમાં અમને દૂધનો ભાવ પ્રતિ લિટરે 20 રૂપિયા મળતો હતો. જે આજે પ્રતિ લીટર 50 રૂપિયા જેટલો મળી રહ્યો છે. મેં અમિતભાઈ સાથેની વાતચીતમાં પણ જણાવ્યું હતું કે, ઊંટ એક એવું પ્રાણી છે કે તે રોજનું ઓછામાં ઓછું વીસેક કિલોમીટર ચાલે છે. એવામાં દૂધ ભરાવવાના સમયે પાછું પોતાના મૂળ સ્થળ પર ન પણ આવે. આથી સરહદ ડેરીએ એક ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી આપી છે કે ઊંટને એક યુનિક કોડ નંબર આપેલો હોય છે. પરિણામે કચ્છના કોઈ પણ ખૂણેથી ઊંટનું દૂધ કોઈ પણ સ્થળે ડેરીમાં ભરાવી શકીએ છીએ. અમારી ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુંબલનો અમને ડગલેને પગલે ખૂબ જ સપોર્ટ મળ છે. તેઓ હંમેશા પશુપાલકોની ખૂબ જ ચિંતા કરીને તેમને ફાયદો કેવી રીતે પહોંચે તે વિશે વિચારતા હોય છે.”
મીરલબેન સવારે વહેલાં ઉઠીને સાડા છ વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધી તેઓ ડેરી પર કામ કરે છે. ત્યાર બાદ તેમના પશુઓની દેખભાળમાં સમય વીતાવે છે. લગભગ બારેક વાગ્યે ઘરે આવીને ભણવામાં સમય આપે છે. થોડોક સમય ઘરકામમાં વીતાવ્યા બાદ ફરી સાંજે છ વાગ્યાથી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી ડેરી પર દૂધનું કલેક્શન કરવાનું તેમજ બીજા કામ કરી રહ્યા છે. ગામની ડેરીમાં 160 જેટલાં પશુપાલકો સવાર-સાંજનું મળીને લગભગ સાડા ચાર હજાર લીટર જેટલા દૂધનું ક્લેકશન મીરલબેન કરે છે. મીરલબેને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેની તાલીમ પણ લીધેલી છે. NDDBમાંથી તેમણે ડેરી માટેની તાલીમ પણ લીધેલી છે. મીરલબેનના જીવનમાં તેમની માતા અને બહેનોનો ફાળો પણ ખૂબ મોટો છે. મીરલબેનના માતા જલીબેન આશાભાઈ પણ પશુપાલન સાથે જોડાયેલા છે. તેઓ ડેરીમાં નિયમિતપણે દૂધ ભરાવે છે. સાથે જ ગામના પશુપાલકો સાથે મળીને અનેક સરકારી મીટિંગ અને તાલીમોમાં ભાગ પણ લે છે.
ઊંટના દૂધમાં છુપાયેલી તાકાતને આખા દેશ સુધી પહોંચાડવાનો મીરલબેનનો દ્રઢ સંકલ્પ માત્ર કચ્છ માટે નહીં, પણ સમગ્ર ભારત માટે એક નવી દિશા દર્શાવે છે — અહીં પરંપરાગત વ્યવસાય પણ નવી ટેકનોલોજી અને સંશોધન સાથે જોડાઈ રહ્યા છે. મીરલબેનની યાત્રા દર્શાવે છે કે પરિવર્તન લાવવાનું મન હોય તો સરહદના ગામડાથી લઈને દેશના મુખ્ય મંચ સુધી પોતાની વાત પહોંચાડી શકાય છે. આ એક યુવતીએ ઊંટના પગલાં પર ચાલીને સંસ્કૃતિ બચાવવાની, તેને આગળ લઈ જવાની તેમજ દેશમાં ગૌરવ મેળવવાની યાત્રા હજુ ચાલુ છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
