સુપ્રસિદ્ધ કલિકુંડ જૈન તીર્થ: ઇતિહાસ, સ્થાપત્ય અને શત્રુંજય તીર્થની પ્રતિકૃતિ

અમદાવાદ શહેરથી ચાલીસેક કિલોમીટરના અંતરે ધોળકા શહેર આવેલું છે. ધોળકામાં પ્રવેશતાની સાથે જ એક સર્કલ પાસે વિશાળ જૈન તીર્થ જોવા મળે.  વિવિધ કલાત્મક શીખરો સાથેનું ધાર્મિક સ્થળ ધોળકાનું સુપ્રસિધ્ધ કલિકુંડ તીર્થ છે. આ આખાય ક્ષેત્રમાં જૈન ધર્મનું આ મહત્વનું તીર્થ છે. જૈન ધર્મ અનુસાર કલિ પર્વત અને કુંડ સરોવર વચ્ચેની જગ્યામાં આ પરિસર આવેલું હોવાથી, આ સ્થાન કલિકુંડ તીર્થ તરીકે ઓળખાય છે. આશરે ૪૦ વીઘા જેટલા વિસ્તારમાં પથરાયેલ આ તીર્થના પરિસરમાં  ધર્મશાળાઓ, ઉપાશ્રયો, પાઠશાળા, ભોજન શાળા , ગૌશાળા, પાંજરાપોળ, તેમજ ૨૪ જિનાલયો આવેલા છે.

સવંત ૨૦૩૫ના સમય ગાળા દરમિયાન  વિદ્વાનો  પં. રાજેન્દ્રવિજય ગણી તથા મુનિશ્રી રાજશેખર ની આગેવાનીમાં ભાલાપોળ વિસ્તારના આદિનાથ ભગવાનના જિનાલય ખાતેથી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ લાવી અહીં પધરાવવામાં આવી હતી. કલિકુંડના મુખ્ય મંદિરની પાછળ ૨૦મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના દિવસે  શત્રુંજય તીર્થની પણ સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા મહાતીર્થ જેવું જ આ તીર્થ કલિકુંડના પરિસરમાં બનાવવામાં આવ્યું હતું. જેથી પાલીતાણા ના જઇ શકે એવા શ્રધ્ધાળુઓ આ સંકુલમાં જ દર્શન કરી શકે.

(પ્રજ્ઞેશ વ્યાસ)