પ્રવાસન પર્યાવરણ આસ્થાને જોડતો વિરાટ વડ

નર્મદા નદીના કાંઠે આવેલો કબીર વડ એકદમ જાણીતો છે. એ પછી કંથારપુરનો વડ ગાંધીનગર જીલ્લામાં પ્રવાસન પર્યાવરણ અને આસ્થાને જોડતો વિરાટ વડ છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામ પાસે આવેલાં કંથાપુર ગામ પાસે માર્ગ પર જ અંદાજે 500 વર્ષ જુના મહાકાય વડ આવેલો છે. આ વડની નીચે માતા મહાકાળીનું મંદિર આવેલું છે. મહાકાળીનું મંદિર હોવાના કારણે આ પંથકના આસપાસના ગામના લોકો માટે આ શ્રધ્ધાનું સ્થળ છે. મંદિરના દર્શનાર્થીઓની સાથે અનેક પર્યાવરણ પ્રેમીઓ માટે એક અનોખું સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ જગ્યાને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નિર્ણય કર્યો હતો.

ઘણાં સમયથી આ વડને પ્રવસાન સ્થળ તરીકે વિકસાવવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે લેન્ડ સ્કેપિંગ, ધ્યાન-યોગ માટેની જગ્યાઓ- એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયાની બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. કંથારપુરના માર્ગ પર જ ફેલાયેલો આ વડ 40 મીટર ઊંચો અને 2.5 વિઘા જમીનમાં ફેલાયેલો છે. દર વર્ષે વડ ચારેબાજુ અંદાજે ત્રણ મીટર જેટલો ફેલાય છે. અંદાજે 500 વર્ષ જુના આ વડને કારણે આ લીલાછમ પ્રદેશમાં પ્રવાસનને વેગ મળ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)