સેવાના પ્રકલ્પ સાથેનું સાત બહેનોનું અનોખું મંદિર

શારદીય નવરાત્રિ એટલે શક્તિની ઉપાસનાના દિવસો. હિંદુ ધર્મમાં સ્ત્રી સ્વરૂપે ઉપાસાતી ઈશ્વરી શક્તિ અનેક સ્વરૂપે પૂજાય છે.  સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યાશક્તિ  મા ભવાની, જગદંબા. આ આદ્યાશક્તિ એ  જ મહામાયા કે મા દુર્ગા તરીકે જાણીતી છે. એ મૂળ પ્રકૃતિરૂપ અદિતિ છે અને ભગવતી, દેવી, શક્તિ, અંબિકા, પાર્વતી, દુર્ગા આદિ આ દૈવી વિભૂતિના અનેક અવતારો હોવાનું મનાય છે. સ્ત્રી શક્તિને દરેક દેશ રાજ્ય પ્રાંત પ્રમાણે અલગ અલગ નામ અને સ્વરૂપે પૂજવામાં આવે છે. એમાં ખોડિયાર માતા પણ  હિંદુ ધર્મના એક દેવી છે.

ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ  હતા. એમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. ખોડિયાર માતાને  કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. એમનું વાહન મગર છે. એમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી એ  દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

શકિત સ્વરૂપા ખોડિયાર માતાના મંદિરો અનેક જગ્યાએ છે. શ્રધ્ધાળુઓ દ્વારા આઇ શ્રી ખોડિયાર મંદિર અમદાવાદના નિકોલ ખાતે પણ બનાવવામાં આવેલું છે. નિકોલ ગામ પાસેના આ મંદિરની અનેક વિશેષતાઓ છે. મૂળ મંદિરની સાથે ભોયરામાં ખોડિયાર માતા સાત બહેનો સાથે બિરાજમાન છે. સૌથી મહત્વની વાત વિશાળ સંકુલ સાથેના આ મંદિરમાં પાટોત્સવ નવચંડી જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ તો થાય છે. અહીં શ્રધ્ધાની સાથે  અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. જેમાં મફત શિક્ષણ, તબીબી સેવાઓ- આરોગ્ય લક્ષી ફ્રી કેમ્પ, સીનિયર સિટિઝન માટે વિના મુલ્યે પ્રવાસ, શિવણ વર્ગો, કોમ્પ્યુટર વર્ગો, દાનમાં આવેલી સાડીઓનું યોગ્ય જગ્યાએ મફત વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોડિયાર મંદિર  શ્રધ્ધા સાથે સેવાનું અનોખું ધામ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)