માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિ કે પરસ્પર સંવાદનું માધ્યમ નથી, પરંતુ એ માનવીના સંસ્કાર,
સમૃદ્ધ સંસ્કૃતિ અને એના અસ્તિત્વની સાચી ઓળખનું જીવંત પ્રતીક છે. આપણી માતૃભાષા દ્વારા જ આપણે આપણી પરંપરાઓ અને વારસા સાથે જોડાયેલા રહીએ છીએ.
આ ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના ઉમદા હેતુથી દર વર્ષે 21 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની જવણી કરવામાં આવે છે. આ દિવસ આપણને આપણી મૂળ ઓળખ તરફ પાછા વળવા અને માતૃભાષાનું ગૌરવ વધારવાનો સંદેશ આપે છે.
ત્યારે જાણીએ આ દિવસના મહત્વ વિશે અને વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓ વિશે…

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કેમ?
આ દિવસની ઉજવણી પાછળ એક ઐતિહાસિક સંઘર્ષ છુપાયેલો છે. વર્ષ 1952માં, તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં પોતાની માતૃભાષા ‘બંગાળી’ ના અસ્તિત્વને બચાવવા માટે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોટું આંદોલન કર્યું હતું. 21 ફેબ્રુઆરીએ આ પ્રદર્શનકારીઓ પર થયેલા ગોળીબારમાં અનેક યુવાનો શહીદ થયા હતા. આ ભાષાપ્રેમી શહીદોની યાદમાં અને વિશ્વની તમામ ભાષાઓના જતન માટે યુનેસ્કોએ 1999માં આ દિવસની જાહેરાત કરી. વર્ષ 2000થી એની વૈશ્વિક સ્તરે ઉજવણી શરૂ થઈ.
દુનિયાની સૌથી વધુ બોલાતી પાંચ ભાષાઓ
અંગ્રેજી

અંગ્રેજી હાલમાં વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષા છે. વિશ્વભરમાં અંદાજે 152 કરોડ લોકો આ ભાષાનો ઉપયોગ કરે છે. જે સાચા અર્થમાં ‘ગ્લોબલ લેંગ્વેજ’ છે કારણ કે એના કુલ વક્તાઓમાંથી માત્ર 25 ટકા લોકોની જ એ માતૃભાષા છે, જ્યારે બાકીના લોકો એને બીજી ભાષા તરીકે વાપરે છે. અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં એ મુખ્ય ભાષા છે. બિઝનેસ, સાયન્સ અને ઈન્ટરનેટની દુનિયામાં અંગ્રેજીનું વર્ચસ્વ સૌથી વધુ છે.
મેન્ડરિન ચાઈનીઝ

મેન્ડરિન એ વિશ્વમાં સૌથી વધુ ‘માતૃભાષા’ તરીકે બોલાતી ભાષા છે. અંદાજે 118 કરોડ લોકો આ ભાષા બોલે છે. મુખ્યત્વે ચીન, તાઈવાન અને સિંગાપોરમાં બોલાતી આ ભાષા એના જટિલ અક્ષરો અને ટોન માટે જાણીતી છે. ચીનની વધતી જતી આર્થિક શક્તિને કારણે વિશ્વભરના ઘણા લોકો હવે વ્યાપારિક હેતુ માટે મેન્ડરિન શીખી રહ્યા છે, જેના કારણે એનો વ્યાપ એશિયાની બહાર પણ વધી રહ્યો છે.
હિન્દી

ભારતની આન-બાન-શાન એવી હિન્દી ભાષા વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છેવિશ્વભરમાં આશરે 61 કરોડથી વધુ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. ભારત ઉપરાંત નેપાળ, મોરિશિયસ, ફિજી અને ગયાના જેવા દેશોમાં પણ હિન્દી બોલનારો મોટો વર્ગ છે. બોલિવૂડ ફિલ્મો અને ડિજિટલ કન્ટેન્ટને કારણે હિન્દી ભાષાનો પ્રસાર પશ્ચિમી દેશોમાં પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે, જે એને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવે છે.
સ્પેનિશ

સ્પેનિશ ભાષા વિશ્વમાં ચોથા ક્રમે છે અને અંદાજે 56 કરોડ લોકો આ ભાષા બોલે છે. ખાસ વાત એ છે કે સ્પેનિશ ભાષા સ્પેન કરતા પણ મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશોમાં વધુ બોલાય છે. મેક્સિકો એ વિશ્વનો સૌથી મોટો સ્પેનિશ ભાષી દેશ છે. એ અમેરિકામાં પણ બીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. એની સરળતા અને સંગીતમય લયને કારણે યુરોપ અને અમેરિકામાં વિદ્યાર્થીઓ વચ્ચે આ ભાષા શીખવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે.
ફ્રેન્ચ

ફ્રેન્ચ ભાષા અંદાજે 31 કરોડથી વધુ વક્તાઓ સાથે વિશ્વની પાંચમી સૌથી વધુ બોલાતી ભાષા છે. જે માત્ર ફ્રાન્સ પૂરતી સીમિત નથી, પરંતુ કેનેડાના ક્વિબેક પ્રાંત અને આફ્રિકાના ઘણા દેશોમાં સત્તાવાર ભાષા છે. યુનાઈટેડ નેશન્સ (UN) અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી જેવી સંસ્થાઓમાં ફ્રેન્ચને અત્યંત પ્રતિષ્ઠિત ભાષા માનવામાં આવે છે. પશ્ચિમ આફ્રિકામાં વધતી જતી વસ્તીને કારણે ફ્રેન્ચ બોલનારાઓની સંખ્યા ભવિષ્યમાં હજુ ઝડપથી વધવાની શક્યતા છે.
ગુજરાતી ભાષાનું મહત્વ

આ વૈશ્વિક સ્પર્ધા વચ્ચે આપણી માતૃભાષા ગુજરાતી પણ પાછળ નથી. વિશ્વની હજારો ભાષાઓમાં ગુજરાતી ભાષા ટોપ 25માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. વિશ્વભરમાં અંદાજે 6 કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે. ભારત બહાર પાકિસ્તાન, અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, કેનેડા અને પૂર્વ આફ્રિકાના દેશોમાં ગુજરાતી ભાષાનો દબદબો જોવા મળે છે. ખાસ કરીને કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં ગુજરાતી સૌથી ઝડપથી વિકસતી ભારતીય ભાષાઓમાંની એક છે. ભલે આપણે વૈશ્વિક નાગરિક બનવા માટે અન્ય ભાષાઓ શીખીએ, પણ જે મીઠાશ અને સંવેદના આપણી માતૃભાષામાં છે એ અજોડ છે.
હેતલ રાવ


