ઇતિહાસ માત્ર જમીન પર જ નહીં, પરંતુ મહાસાગરો અને સરોવરોના ઊંડાણમાં પણ દટાયેલો છે. દુનિયાના અલગ-અલગ ખંડોમાં એવા
અદ્ભુત અને સમૃદ્ધ ઐતિહાસિક નગરો આવેલા હતા જે એક સમયે સંસ્કૃતિ અને વૈભવના ધમધમતા કેન્દ્રો હતા.
પરંતુ સમયાંતરે આવેલા વિનાશક ભૂકંપ, સુનામી, જમીન ધસી પડવી કે માનવસર્જિત કારણોસર આ સ્થળો હંમેશ માટે જળસમાધિ લઈ ચૂક્યા. આ અજાયબી જેવા જળમગ્ન નગરો આજે પણ પુરાતત્વવિદો માટે રહસ્ય સમાન છે.
વાત કરીએ વિશ્વના એવા જ મહત્વના ઐતિહાસિક સ્થળો વિશે જે આજે પાણીની નીચે છુપાયેલા છે…
કેમ થઈ ગયા પાણી નીચે ગરકાવ આ સ્થળો?
મોટાભાગના દરિયાકાંઠાના પ્રાચીન શહેરો ટેક્ટોનિક પ્લેટોની હલચલ, પ્રચંડ ભૂકંપ અને ત્યારબાદ આવેલી સુનામીના કારણે સમુદ્રમાં ડૂબી ગયા. કેટલાક કિસ્સાઓમાં જમીનનું ધોવાણ અને લિક્વિફેક્શન જવાબદાર હતા, જ્યારે અમુક સ્થળો આધુનિક વિકાસ અને ડેમ નિર્માણના કારણે માનવસર્જિત રીતે જળમગ્ન થયા. સમુદ્રની સપાટી વધવાથી આ ભવ્ય સ્થાપત્યો સદીઓ સુધી દુનિયાની નજરથી દૂર રહ્યા.
શિયેંગ, ચીન (એશિયા)

ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં આવેલું ‘શિયેંગ’ શહેર લાયન સિટી તરીકે પણ ઓળખાય છે. આશરે 1300 વર્ષ જૂનું આ ભવ્ય પ્રાચીન શહેર મિંગ અને કિંગ રાજવંશના શાનદાર વાસ્તુશિલ્પ, કોતરણીવાળા પથ્થરના સ્તંભો અને કમાનો ધરાવે છે. વર્ષ 1959માં શિનઆન નદી પર હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર સ્ટેશન અને ‘કિયાનદાઓ સરોવર’ (Qiandao Lake) બનાવવા માટે ચીન સરકાર દ્વારા આ આખા શહેરને જાણીજોઈને પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યું હતું. આજે 130 ફૂટ ઊંડા પાણી નીચે પણ આ શહેરના ઐતિહાસિક દરવાજા અને ઈમારતો એકદમ સુરક્ષિત છે. વર્ષ 2001માં સ્થાનિક પ્રવાસન અધિકારી ક્યૂ ફેંગ અને ‘બેઇજિંગ ડ્રેગન ડાઇવિંગ ક્લબ’ના ડાઇવર્સે પાણીમાં ઊતરીને આ શહેરને પુનઃ શોધી કાઢ્યું હતું. ત્યારબાદ ઝેજિયાંગ પ્રાંતના પુરાતત્વવિદો, નેશનલ જિયોગ્રાફિકની ટીમ અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોફેશનલ ટેકનિકલ સ્કૂબા ડાઇવર્સ અહીં જઈને સંશોધન કરી ચૂક્યા છે.
પોર્ટ રોયલ, જમૈકા (ઉત્તર અમેરિકા)

કેરેબિયન ટાપુ જમૈકામાં આવેલું પોર્ટ રોયલ 17મી સદીમાં વિશ્વના સૌથી ધનાઢ્ય અને કુખ્યાત દરિયાઈ ચાંચિયાઓનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. 7 જૂન 1692માં અહીં 7.5ની તીવ્રતાનો અત્યંત ભયાનક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે શહેરની રેતાળ જમીન ધસી ગઈ અને ત્યારબાદ આવેલી સુનામી શહેરના બે તૃતીયાંશ ભાગને ગળી ગઈ. આ હોનારતમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને આખું શહેર હંમેશ માટે સમુદ્રના તળિયે દટાઈ ગયું. આ શહેર સમુદ્રમાં ડૂબ્યા બાદ સદીઓ સુધી દંતકથા સમાન રહ્યું. 1950ના દાયકામાં સંશોધક એડવિન લિન્ક (Edwin Link) અને 1960ના દાયકામાં રોબર્ટ માર્ક્સ (Robert Marx) દ્વારા અંડરવોટર ખોદકામ શરૂ થયું. ત્યારબાદ 1980ના દાયકામાં ટેક્સાસ A&M યુનિવર્સિટીના પુરાતત્વવિદ ડો. ડી.એલ. હેમિલ્ટન અને જમૈકા નેશનલ હેરિટેજ ટ્રસ્ટની ટીમે અહીં જઈને સેંકડો ઐતિહાસિક અવશેષો અને મકાનો શોધી કાઢ્યા.
થોનિસ-હેરાક્લિયન, ઇજિપ્ત (આફ્રિકા)

ઇજિપ્તના ઉત્તરીય કિનારે ભૂમધ્ય સમુદ્રમાં એલેક્ઝાન્ડ્રિયા નજીક આવેલું ‘થોનિસ-હેરાક્લિયન’ ગ્રીક અને ઇજિપ્તીયન સંસ્કૃતિનું અતિ સમૃદ્ધ વ્યાપારિક બંદર હતું. ઈસવીસન પૂર્વે 8મી સદીમાં સ્થપાયેલું આ નગર વિશાળ મંદિરો અને દેવી-દેવતાઓની મહાકાય મૂર્તિઓ માટે પ્રખ્યાત હતું. ઈસવીસનની 8મી સદીમાં શ્રેણીબદ્ધ ભૂકંપ, સુનામી અને નરમ માટીના લિક્વિફેક્શનને કારણે આ આખું બંદર સમુદ્રમાં સમાઈ ગયું. વર્ષ 2000માં પુરાતત્વવિદોએ પાણી નીચેથી એના વિશાળ શિલાલેખો અને મૂર્તિઓ શોધી કાઢી હતી. વિશ્વપ્રસિદ્ધ ફ્રેન્ચ અંડરવોટર આર્કિયોલોજિસ્ટ ફ્રેન્ક ગોડિઓ (Franck Goddio) અને એમની યુરોપિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અંડરવોટર આર્કિયોલોજી (IEASM) ની ટીમે અત્યાધુનિક સોનાર અને મેગ્નેટોમીટર ટેકનોલોજીની મદદથી 4 વર્ષના સર્વે બાદ વર્ષ 2000માં આ શહેર સમુદ્રના તળિયેથી શોધ્યું હતું. અહીં ઓક્સફર્ડ સેન્ટર ફોર મેરીટાઇમ આર્કિયોલોજી અને વિશ્વભરના વૈજ્ઞાનિકોની ટીમો ડાઇવિંગ કરીને સંશોધન કરી ચૂકી છે.
પાવલોપેટ્રી, ગ્રીસ (યુરોપ)

દક્ષિણ ગ્રીસના લાકોનિયા કિનારે આવેલું ‘પાવલોપેટ્રી’ વિશ્વનું સૌથી પ્રાચીન જળમગ્ન શહેર માનવામાં આવે છે, જે આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે. કાંસ્ય યુગ (Bronze Age) દરમિયાન આ એક સુવ્યવસ્થિત ટાઉન-પ્લાનિંગ ધરાવતું સમૃદ્ધ બંદર હતું, જેમાં બે માળના મકાનો, રસ્તાઓ અને ગટર વ્યવસ્થા હતી. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ આવેલા વિનાશક ભૂકંપોના કારણે આખું શહેર દરિયામાં 3થી4 મીટર ઊંડે ગરકાવ થઈ ગયું. વર્ષ 1967માં પ્રખ્યાત બ્રિટિશ સમુદ્રશાસ્ત્રી ડો. નિકોલસ ફ્લેમિંગ (Nicholas Flemming) દ્વારા આ શહેરની શોધ થઈ હતી અને 1968માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમે એનો પહેલો નકશો બનાવ્યો હતો. વર્ષ 2009માં નોટિંગહામ યુનિવર્સિટીના ડો. જોન હેન્ડરસન અને ગ્રીક સરકારની અંડરવોટર પુરાતત્વ ટીમે અહીં જઈને વિશ્વમાં પ્રથમ વખત આખા જળમગ્ન શહેરનું 3D ડિજિટલ સ્કેનિંગ અને મેપિંગ કર્યું હતું.
સમબાજ, ગ્વાટેમાલા (મધ્ય અમેરિકા)

ગ્વાટેમાલાના પ્રસિદ્ધ ‘અતિલન સરોવર’ (Lake Atitlán) ના ઊંડાણમાં સ્થિત ‘સમબાજ’ એક પવિત્ર પ્રાચીન માયા (Maya) સંસ્કૃતિનું સ્થળ છે. એને ઘણીવાર ‘માયાનું એટલાન્ટિસ’ પણ કહેવામાં આવે છે. આશરે 2000 વર્ષ પહેલાં આ સ્થળ એક ટાપુ પર વસેલું તીર્થસ્થાન હતું. જ્વાળામુખી ફાટવાના કારણે સરોવરના કુદરતી નિકાસ માર્ગો બંધ થઈ ગયા અને અચાનક પાણીનું સ્તર ઝડપથી વધી જતાં આ સમગ્ર ધાર્મિક કેન્દ્ર હંમેશ માટે સરોવરના ઊંડાણમાં ડૂબી ગયું. વર્ષ 1996માં સ્થાનિક સ્કૂબા ડાઇવર રોબર્ટો સમયોઆ (Roberto Samayoa) જ્યારે સરોવરમાં ડાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે એમને પાણી નીચે માયા સભ્યતાના મંદિરો અને પથ્થરની રચનાઓ દેખાઈ હતી જેમના નામ પરથી આ સ્થળનું નામ ‘સમબાજ’ રખાયું. ત્યારબાદ પુરાતત્વવિદ સોનિયા મેડ્રાનો અને વર્ષ 2022માં યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમે પાણીમાં ઊતરીને એનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું હતું.
હેતલ રાવ




