“રાવ્યા, તું આટલી ચિંતા શેની કરે છે? બે–ત્રણ દિવસથી તું બહુ ટેન્શનમાં લાગે છે.”
“દિવ્યા, શું કહું… મકાન માલિકે આ મહિને ઘર ખાલી કરવાનું કહી દીધું છે. એક તરફ ઓફિસમાં કામનો ભાર અને
ઉપરથી નવું ઘર શોધવાની ચિંતા!
કેટલાં ઘર જોયા, પણ એમને ખબર પડે કે હું એકલી છું, એટલે બહાના શરૂ થઈ જાય છે. એક બે મકાન માલિકે તો એમ પણ કહ્યું કે, ‘આમ છોકરીએ એકલાં કેવી રીતે રહેવાય? તમારા મા-બાપ તમને બીજા શહેરમાં રહેવા કેમ દે છે?’ આવી વાત સાંભળી ખૂબ ગુસ્સો આવે છે, પણ મકાન જોઈએ એટલે સાંભળવું પડે. ઘણા તો એકલી જોઇને ભાડું વધારી દે છે અને કહે છે ‘ભગવાનનો આભાર માનો, અમે તો તમને મકાન ભાડે આપી રહ્યા છીએ, બીજા તો એકલી છોકરીને મકાન આપે જ નહીં.’
વિચાર કરો, રાવ્યા જેવી ભણેલી, સારી નોકરી કરતી યુવતી માટે મોટા શહેરોમાં મકાન મેળવવું આટલું મુશ્કેલ હોય તો અન્ય છોકરીઓનું શું થતું હશે? માતા–પિતાને ખબર પડે તો દીકરીઓને બીજા શહેરમાં મોકલવાનું નામ જ ના લે.
સ્ત્રીને સુરક્ષિત અને સમાન તકો આપવી એ જવાબદારી
આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, નોકરી અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે, છતાં જ્યારે કોઈ એકલી સ્ત્રી શહેરમાં ઘર ભાડે લેવા જાય છે, ત્યારે સમાજની દ્રષ્ટિ હજી પણ જૂની જ છે. ઘરમાલિકોનો અવિશ્વાસ, પડોશીઓની
શંકાસ્પદ નજર અને લોકો શું કહેશે જેવી માનસિકતા વચ્ચે એક કામકાજી મહિલા માટે રહેવા જેવી મૂળભૂત જરૂરિયાત પણ પડકાર બની જાય છે. એના ચરિત્ર, જીવનશૈલી કે ઓફિસ ટાઈમ પર અણગમતાં પ્રશ્નો થાય છે. જાણે સ્ત્રીનું એકલું રહેવું ‘અસામાન્ય’ ગણાતું હોય! સ્ત્રીની સ્વતંત્રતાને માપતી સમાજની આવી ડબલ સ્ટાન્ડર્ડ માનસિકતા અહીં સ્પષ્ટ જોવાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બારડોલી R.N.G.P.I.T.ના મેનેજમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. તૃપ્તિ દેસાઈ કહે છે કે, વિધવા સ્ત્રીઓ હોય, એકલી માતાઓ હોય કે ઘરથી દૂર કામ કરતી યુવતીઓ. ઘણા મકાન માલિકો એમની સાથે ભરોસો, સુરક્ષા અથવા ‘સમાજ શું કહેશે’ જેવા કારણો બતાવી મકાન આપવા પાછળ ખચકાય છે. એકલી સ્ત્રી ઘર ભાડે લેતી વખતે માત્ર છત નહીં, પરંતુ માન, સમાન ન્યાય અને સુરક્ષાની શોધમાં હોય છે. સમાજ તરીકે આ અવરોધો દૂર કરી, દરેક સ્ત્રી માટે સુરક્ષિત અને સમાન તકો આપવી એ આપણી જવાબદારીભર્યું કાર્ય છે.
ત્રણેય સ્તરે જાગૃતિ આવશ્યક છે
આજના સમયમાં સ્ત્રીની સ્વતંત્રતા માત્ર વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ સમાજની પ્રગતિનું માપદંડ બની ગઈ છે. જ્યારે એકલી સ્ત્રી શહેરમાં પોતાના કામ, અભ્યાસ અથવા કારકિર્દી માટે રહેવા માગે છે, ત્યારે એને મકાનભાડા
જેવી મૂળભૂત જરૂરિયાતો મેળવવામાં અવરોધો આવે છે. આ પરિસ્થિતિ માત્ર અન્યાયકારી જ નથી, પરંતુ સ્ત્રીની ક્ષમતાઓ પર વિશ્વાસના અભાવને પણ દર્શાવે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભગવાન મહાવીર યુનિવર્સિટીના ડિરેક્ટર અને સ્ટુડન્ટ વેલ ફેરના ડીન ડો. ચેતા કહે છે કે, સ્ત્રીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. કોર્પોરેટ લીડરશિપથી લઈને ઉદ્યમશીલતા, ટેક્નોલોજી, એકેડેમિક્સ અને સર્વિસ સેક્ટર સુધી. તેઓ પૈસા અને જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે છે. છતાં પણ, રહેઠાણ જેવી મૂળભૂત સુવિધા અંગે સમાજ હજુ પણ એમને શંકાની નજરે જુએ છે, જે વિકાસની ગતિને ધીમી કરે છે. એકલી સ્ત્રીને મકાનના આપવાનો અર્થ છે કે આપણે એની સુરક્ષા, સમર્થતા અને નિર્ણયક્ષમતાને નકારીએ છીએ. આ વિચારસરણી બદલવા માટે ઘરમાલિકો, પડોશી સમાજ અને નીતિનિર્ધારકો ત્રણેય સ્તરે જાગૃતિ આવશ્યક છે. સ્ત્રીની સ્વતંત્રતા એ સમાજ માટે જોખમ નહીં, પરંતુ સમાજને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનું બળ છે.
વિચારધારાની દિવાલો ક્યારે તૂટશે?
આજની યુવતી સપના લઈને શહેરોમાં આવે છે, શિક્ષણ મેળવે છે, નોકરી કરે છે અને પોતાના પગે ઊભી રહેવાની હિંમત બતાવે છે. છતાં, જ્યારે એકલી રહીને ભાડે મકાન લેવાનું આવે છે, ત્યારે સમાજની નજર અચાનક બદલાઈ
જાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા લેખિકા અને ટ્રેનર મૈત્રી વ્યાસ કહે છે, મેં પણ જ્યારે મારા કરિયર માટે શહેર બદલ્યું ત્યારે આ અનુભવ્યું હતું. ઘરમાલિકોના અનાવશ્યક પ્રશ્નો, જીવનશૈલી વિશેની શંકા અને “એકલી છોકરીને મકાન આપવું મુશ્કેલ છે” જેવી માન્યતાઓ. એ ક્ષણોમાં સમજાયું કે સમસ્યા રૂમની નથી, માનસિકતાની છે. પરંતુ બદલાવ અશ્ક્ય નથી. ઘરમાલિકો અને પડોશીઓએ એકલી યુવતીને શંકાની દ્રષ્ટિએ નહીં, સામાન્ય વ્યક્તિની જેમ વિશ્વાસથી જોવાની જરૂર છે. સમાજને સમજવું પડશે કે સ્વતંત્ર રીતે રહેવું કોઈ અસામાન્ય નિર્ણય નથી, પરંતુ આજની પેઢીની વાસ્તવિક જરૂર છે. પરિવારોએ પોતાની દીકરીઓને હિંમત આપવી જોઈએ કે તેઓ નિર્ભયપણે બહાર જઈ શકે, એકલી રહી શકે અને પોતાનું જીવન પોતાની રીતે બનાવી શકે. યુવા પેઢીએ આ વિષય પર ખુલ્લી વાતચીત શરૂ કરવી જોઈએ જેથી ગેરસમજોની દિવાલો ધીમે ધીમે તૂટે.
હેતલ રાવ


