
એક સમય હતો જ્યારે અમદાવાદના સરસપુરથી બાપુનગર અનિલ સ્ટાર્ચ રોડ પર કાપડની મિલો ધમધમતી હતી. મિલોની એ જૂની ચાલીઓ વચ્ચે આજે પણ ઇતિહાસનું એક અણમોલ પાનું ધબકી રહ્યું છે. આ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ આશાપુરા માતાજીના મંદિર પરિસરમાં જ એક અનોખી 500 વર્ષ જૂની ઐતિહાસિક વાવ આવેલી છે, જે આજે ચારેય તરફથી રહેણાંક વિસ્તારથી ઘેરાયેલી છે.
ગુજરાત અને રાજસ્થાન જેવા ગરમ પ્રદેશોમાં જળસંચય અને સ્થાપત્યનો આવો સમન્વય અદભુત છે. સામાન્ય રીતે ઈંટ અને રેત પથ્થરથી બનેલી આવી વાવો ૫ થી ૬ માળ જેટલી ઊંડી હોય છે. આશાપુરા વાવમાં પણ કલાત્મક પગથિયાં, સ્તંભો અને ઉપર-નીચે જવા માટે ગોળાકાર સીડીઓ આવેલી છે. માતાજીના દર્શન કરીને નીચે ઉતરતાં જ વાવનો મુખ્ય દરવાજો આવે છે, જેની બંને બાજુ સુંદર કોતરણીવાળા સ્તંભો છે.
આ વાવની રચના અમદાવાદની પ્રખ્યાત ‘દાદા હરિરની વાવ’ ને મળતી આવે છે. વાવના અંતિમ ભાગમાં મુખ્ય અને ગૌણ એમ બે કૂવા છે, જ્યાંથી બે ગોળાકાર સીડીઓ જમીન સુધી જાય છે. જમીન પર આ સીડીઓ પર સુંદર ગુંબજો બાંધેલા છે. વાવની દીવાલો પર કમળના ફૂલો, શૃંગારિક મૂર્તિઓ, બ્રહ્માંડના પ્રતીકો અને ભૌમિતિક આકૃતિઓ કંડારેલી છે. લોકવાયકા મુજબ, અહીંના પ્રાચીન શિલાલેખોનું યોગ્ય સંશોધન થાય તો આ જગ્યાના ઘણા રહસ્યો ખુલી શકે છે.
આજે આસપાસના અતિક્રમણ વચ્ચે દબાયેલો આ વારસો સંરક્ષણ ઝંખી રહ્યો છે. શિલાલેખ, બારીક કોતરણી, વિશિષ્ટ સીડીઓ, કૂવા અને કલાત્મક ગોખલા ધરાવતી આ આશાપુરાની વાવ આજે પણ જોવાલાયક અણમોલ સ્થળ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




