
અમદાવાદ શહેરના મોટાભાગના દરવાજા નસીરુદ્દીન મહમૂદ શાહના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યા હતા. ઇ.સ. 1459થી 1511ના સમયગાળા દરમિયાન આ દરવાજાઓ બાંધવામાં આવ્યા હોવાનું મનાય છે.
પરંતુ શહેરનો પાંચકુવા દરવાજો, સમયની સાથે શહેરનો વ્યાપ વધતા વર્ષ 1863ની આસપાસ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો. પ્રજાની સગવડતા માટે બનાવેલો શહેરનો આ છેલ્લો દરવાજો હતો.
આ દરવાજો ત્રણ કમાનોની ડિઝાઇન સાથે 28 ફૂટ ઉંચો અને 18 ફૂટ પહોળાઈ ધરાવે છે. જ્યારે બાજુના દરવાજાની ઉંચાઈ 19 ફૂટ અને પહોળાઈ 7 ફૂટ છે. અમદાવાદ શહેરના રેલવે સ્ટેશન નજીક અને તમામ હોલસેલ બજારોની મધ્યમાં પાંચકુવા વિસ્તાર આવેલો છે. આ ઐતિહાસિક વિરાસત ચારે તરફ ટિફિન બેગો, માલ સામાનના થેલા અને કબુતર જાળીઓ વેચતા લારી-ગલ્લાથી ઘેરાયેલી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




