ભારત અને બાંગ્લાદેશ બંને રાષ્ટ્રને રાષ્ટ્રીય ગીત આપનાર કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સાત મેના રોજ જન્મ જયંતિ છે. જનોઈ ધારણ કર્યા પછી ભારત ભ્રમણે નિકળેલા રવિન્દ્રનાથ ટાગોરે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને નિબંધો લખ્યાં.
આ મહાન સાંસ્કૃતિક સુધારાવાદી વ્યક્તિત્વનું અમદાવાદ શહેરમાં સુંદર સ્મૃતિ છે. 1960ના દાયકામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બી.વી. દોશીને રવિન્દ્રનાથ ટાગોરને સમર્પિત એક હોલની ડિઝાઈન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. અમદાવાદના સંસ્કાર કેન્દ્ર સંકુલમાં આ વિશ્વવિભૂતિનું એક મેમોરિયલ તૈયાર થયું. 2013ના ગાળામાં આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું. આ સાથે રવિન્દ્રનાથ ટાગોરનું 12×24 ( બાર બાય ચોવીસ ફૂટ ) નું સ્ટેનલેસ સ્ટીલનું અનોખું વિશાળ ચિત્ર પ્રવેશ દ્વાર પર મુકવામાં આવ્યું. એમાં રવિન્દ્રનાથ ટાગોર ના હસ્તાક્ષર પણ મુકવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટાગોર હોલમાં રંગમંચની સાથે સરકારી અને ખાનગી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




