વિકાસની વચ્ચે વિસરાતો વારસોઃ સનાથલનું ઐતિહાસિક તળાવ…

સોલંકી વંશના ભવ્ય વારસા અને આધુનિક વિકાસના સંગમ સમાન સાણંદનું સનાથલ ગામ આજે ચર્ચાના કેન્દ્રમાં છે. એકતરફ અમદાવાદના એસ.જી. હાઈવેને સમાંતર પસાર થતો 200 ફૂટનો રિંગ રોડ પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, જેના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઝડપથી AMC, GMC, ઔડા અને ગુડાની હદમાં ભળી રહ્યા છે, તો બીજી તરફ આ ગામ એના પાદરે એક ઐતિહાસિક વિરાસત સાચવીને બેઠું છે.

અહીં રાજા સિદ્ધરાજ જયસિંહના સમયગાળાનું અંદાજે 500 વર્ષ પુરાણું તળાવ આવેલું છે. ઇંટો અને ચૂનાથી બેનેલી કિલ્લા જેવી દિવાલો ધરાવતા આ જળાશયમાં ભૂતકાળમાં અન્ય તળાવોનું પાણી કુદરતી રીતે ફિલ્ટર થઈને આવતું. અલબત્ત  આજે આ ભવ્ય ભીંતો જર્જરિત થઈ ગઈ છે. પગથિયાંવાળા સ્થાપત્યની આસપાસ ઝાડી-ઝાંખરા અને અસ્વચ્છતા જોવા મળે છે.

આમ છતાં, જૈવવિવિધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું આ સ્થળ અનેક જીવસૃષ્ટિનું આશ્રયસ્થાન છે. અહીં પક્ષીઓની અત્યંત દુર્લભ પ્રજાતિઓ વિહરતી હોવાથી દૂર-દૂરથી પક્ષીપ્રેમીઓ એની મુલાકાતે આવે છે. આજે આ અમૂલ્ય ઐતિહાસિક સ્થાપત્ય યોગ્ય સંભાળ રાહ જોઈ રહ્યું છે

(પ્રજ્ઞેશ વ્યાસ)