શ્રધ્ધા અને સહેલગાહના સંગમસમું સપ્તેશ્વર મહાદેવનું મંદિર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના અરસોડીયા ગામની નજીક આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સાબરમતી નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે જ આવેલા આ મંદિરની આસપાસનું વાતાવરણ ચોમાસામાં વધુ ખીલી ઉઠે છે.

મંદિરમાં શિવલીંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારી થતી રહે છે. આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પાણી માંથી પસાર થવું પડે. આ એક અનોખો અનુભવ છે.

એક માન્યતા પ્રમાણે આ સ્થળે કશ્યપ મુનિ, વશિષ્ટ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ, અને ગૌતમ ઋષિ એમ સાત ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી.

ધાર્મિક મહત્વની સાથે સાથે આ સ્થળ પર્યટન માટે પણ જાણીતું છે. અમદાવાદ, ગાંધીનગર અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે.

સપ્તેશ્વરને સ્થાનિક બોલીમાં “હાતેરા” (સાતેરા) કહે છે. શ્રાવણમાં માસમાં સપ્તેશ્વરનો નદી પટ, મહાદેવની આસપાસના બેય કુંડ અને પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)