
સિદ્ધપુરમાં નદી તરફ જતા ઢાળ પર ઉતરીએ તો એક તરફ ઐતિહાસિક મહાદેવ મંદિર અને સામે જ મા સરસ્વતીનું મંદિર જોવા મળે છે. સિદ્ધપુરમાં વિક્રમ સંવત ૧૯૫૦ને માગસર સુદ પાંચમના દિવસે સુરતના વતની દામોદરદાસ તાપીદાસ શાહે આ સરસ્વતી મંદિર બંધાવ્યું હતું. સરસ્વતી માતાનું મંદિર આજે પણ આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ સરસ્વતીનું એક બીજું મંદિર રુદ્રમહાલય પાસે પણ આવેલું છે.
સરસ્વતીના કિનારે વસેલા સિદ્ધપુરમાં વિદ્યાના દેવી મા સરસ્વતી ના બે મંદિરો આવેલા છે. બંને મંદિર સરસ્વતી નદીના કિનારે આવેલા છે. રુદ્રમહાલય નજીક નદી કાંઠે અતિ પ્રાચીન વૈકુંઠ ઘાટ આવેલો છે. આ વૈકુંઠ ઘાટ લગભગ ૧૨૦૦ વરસ જેટલું પ્રાચીન સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હોવાનું મનાય છે.
સરસ્વતી નદીના તટે બાવાજીની વાડીની સામે બીજું પણ એક સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે સુરતના વતની દામોદરદાસ એક વાર સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે ફરી રહ્યા હતા. એમને વિચાર આવ્યો કે કુંવારીકા તરીકે ઓળખાતા સરસ્વતી માતાનું મંદિર અહીં કિનારા નજીક હોય તો કેવું સારું. એમણે આ વિચારને અમલમાં મૂકવા નદીકાંઠા નજીકની જમીન ખરીદી મંદિર બનાવવાની શરૂઆત કરી. માગસર સુદ પાંચમે મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એમના વંશજો પાંચ પેઢીથી આ મંદિરનું સંચાલન કરી રહ્યા છે. છેલ્લી પાંચ પેઢીથી કુબેરજી ખુશાલદાસ વ્યાસ પરિવારના વંશજો દ્વારા મંદિરમાં પૂજા-અર્ચના અને સેવા થાય છે. મંદિરમાં બે ફૂટ ઊંચી, મયુર પર સવાર ચારભૂજાધારી સરસ્વતી દેવીની આરસની દેદીપ્યમાન મૂર્તિ આવેલી છે. માતાજીને દરરોજ રંગબેરંગી વાઘાથી શણગારવામાં આવે છે. વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાના દેવી સરસ્વતી દેવીની સ્તુતિ અને પાઠ કરવા આવે છે.
માગસર સુદ પાંચમે માતાજીનો પાટોત્સવ યોજાય છે. જેમાં નવચંડી યાગ, હોમ, હવન, પૂજા, અભિષેક જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. દર વરસે કારતક સુદ એકમના દિવસે અન્નકૂટ ઉત્સવ તેમજ કાર્તિકી પુર્ણિમાએ ત્રિવેણી સંગમ નિમિત્તે સરસ્વતી નદીના પટમાં લોકમેળો ભરાય છે. મહા સુદ પાંચમ (વસંત પંચમી)ના દિવસે સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવાય છે. કાર્તિકી પુર્ણિમાના ત્રિવેણી સંગમ સમયે સરસ્વતી મંદિરે મોટી સંખ્યામાં લોકો આવે છે. સિદ્ધપુરનું સરસ્વતી મંદિર કેટલાક રબારી પરિવારોની કુળદેવી છે. મહાદેવ માતાજી હનુમાનજી ગણેશના ઘણાં મંદિરો વિશ્વભરમાં બન્યાં છે. જ્યારે વિદ્યાની દેવી સરસ્વતીના મંદિરો એકંદરે ઓછા જોવા મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)






