રમતગમતની વાત આવે ત્યારે આપણા મગજમાં તરત જ ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ કે બેડમિન્ટન જેવા નામ ઘૂમવા લાગે છે. આ રમતો
વૈશ્વિક સ્તરે અત્યંત લોકપ્રિય છે અને કરોડો લોકો એના દીવાના છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં એવી પણ અનેક વ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રમતો છે, જે પોતાના સત્તાવાર નિયમો, વિશ્વ સંસ્થાઓ અને પ્રોફેશનલ લીગ સાથે આખું વર્ષ નિયમિતપણે રમાય છે, છતાં સામાન્ય લોકો એનાથી સાવ અજાણ છે?
ક્યાંક હાથથી નહીં પણ પગથી વોલીબોલ રમાય છે, તો ક્યાંક રેફરી વગર માત્ર ખેલાડીઓની પ્રામાણિકતા પર ચેમ્પિયનશિપ રમાય છે. વાત કરીએ વિશ્વભરમાં નિયમિત રમાતી આવી જ ઓછી જાણીતી પ્રોફેશનલ રમતો વિશે…
પિકલબોલ, અમેરિકા

અત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી લોકપ્રિય થઈ રહેલી આ રમત ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસનું અદભુત મિશ્રણ છે. વર્ષ 1965માં વોશિંગ્ટનમાં શોધાયેલી આ રમત બેડમિન્ટન સાઇઝના નાના કોર્ટ પર ટેનિસ જેવી નેટ સાથે રમાય છે. ખેલાડીઓ લાકડા કે ગ્રેફાઇટના સખત પેડલ અને કાણાંવાળા હળવા પ્લાસ્ટિક બોલ (વિફલ બોલ) વડે સિંગલ્સ કે ડબલ્સમાં રમે છે. નેટ પાસે ‘નો-વોલી ઝોન’ (કિચન) હોય છે જ્યાંથી સીધો સ્મેશ મારી શકાતો નથી. અમેરિકા અને યુરોપમાં આની મિલિયન-ડોલર પ્રોફેશનલ લીગ નિયમિતપણે રમાય છે.
અલ્ટીમેટ ફ્રિસ્બી, વૈશ્વિક

વર્ષ 1968માં અમેરિકાની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શોધાયેલી આ રમત આજે વર્લ્ડ ફ્લાઇંગ ડિસ્ક ફેડરેશન હેઠળ વિશ્વના 80થી વધુ દેશોમાં રમાય છે. લંબચોરસ મેદાન પર 7-7 ખેલાડીઓની બે ટીમો પ્લાસ્ટિકની ફ્લાઇંગ ડિસ્ક (ફ્રિસ્બી) પાસ કરીને વિરોધી ટીમના ‘એન્ડ ઝોન’માં કેચ પકડીને પોઈન્ટ મેળવે છે. આ રમતની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં કોઈ મુખ્ય રેફરી હોતા નથી, તમામ ફાઉલ અને વિવાદો ખેલાડીઓ જાતે જ પરસ્પર ચર્ચા કરીને ઉકેલે છે, જેને ‘સ્પિરિટ ઓફ ધ ગેમ’ કહેવામાં આવે છે.
કોર્ફબોલ, નેધરલેન્ડ્સ

વર્ષ 1902માં ડચ શિક્ષક નિકો બ્રોખુઇસેન દ્વારા શોધાયેલી આ વિશ્વની એકમાત્ર એવી મુખ્ય બોલ સ્પોર્ટ છે જે નિયમ મુજબ ફરજિયાતપણે મિક્સ્ડ જેન્ડર એટલે કે ચાર પુરૂષ અને ચાક મહિલા ખેલાડી સાથે જ રમાય છે. આ રમત બાસ્કેટબોલ અને નેટબોલ જેવી છે, જેમાં 3.5 મીટર ઊંચા પોલ પર લટકાવેલી ટોપલી એટલે કે કોર્ફમાં બોલ નાખીને ગોલ કરવાનો હોય છે. આ રમતમાં બોલ સાથે દોડવા (ડ્રિબલિંગ) પર પ્રતિબંધ છે. માત્ર સ્માર્ટ પાસિંગ અને ટીમવર્કથી જ ડિફેન્ડર્સથી છૂટીને ગોલ કરી શકાય છે. ઇન્ટરનેશનલ કોર્ફબોલ ફેડરેશન દર ચાર વર્ષે આનો વર્લ્ડ કપ યોજે છે.
પેડલ,મેક્સિકો અને સ્પેન

વર્ષ 1969માં મેક્સિકોના એનરિક કોર્કુએરા દ્વારા પોતાના ઘરના આંગણામાં જગ્યાના અભાવે આ રમત વિકસાવવામાં આવી હતી. આ રમત ટેનિસ કરતાં નાના અને ચારેય તરફ કાચ તથા લોખંડની જાળીથી બંધ કોર્ટમાં ડબલ્સ (2-2 ખેલાડીઓ) તરીકે રમાય છે. રમતનો સૌથી રોમાંચક નિયમ એ છે કે બોલ સામેની કાચની દીવાલ સાથે અથડાઈને પાછો આવે ત્યારે પણ રમત ચાલુ રહે છે. બોલ કોર્ટની બહાર જવાની શક્યતા નહિવત્ હોવાથી, બંને પક્ષો વચ્ચે બોલ અટક્યા વગર સતત સામસામે ફટકારાતો રહે છે અને રમત વધુ રસપ્રદ બને છે. સ્પેન, આર્જેન્ટિના અને યુરોપિયન દેશોમાં પ્રોફેશનલ ટૂર્નામેન્ટ્સ સાથે આ રમત ભારે ક્રેઝ ધરાવે છે.
ફ્લોરબોલ, સ્વિડન

1970ના દાયકામાં સ્કેન્ડિનેવિયન દેશોમાં શરૂ થયેલી ફ્લોરબોલ એ આઇસ હોકી અને ફિલ્ડ હોકીનું ઇન્ડોર સ્વરૂપ છે. લાકડાના કે સિન્થેટિક મેટવાળા બંધ કોર્ટ પર 5-5 ફિલ્ડ પ્લેયર્સ અને 1 ગોલકીપર રમે છે. ખેલાડીઓ કાર્બન ફાઇબરની અત્યંત હળવી સ્ટીક અને 26 કાણાંવાળા પ્લાસ્ટિક બોલ વડે ભારે ઝડપથી રમત રમે છે. બોડી કોન્ટેક્ટ વગર માત્ર સ્પીડ, સ્ટીક હેન્ડલિંગ અને અદભુત રિફ્લેક્સ પર આધારિત આ રમત ઉત્તરી યુરોપના દેશોમાં ફૂટબોલ જેટલી જ નિયમિત અને પ્રોફેશનલ રીતે રમાય છે.
| ભારતમાં રમાતી આ રમત કઈ છે?
વિશ્વની અજાણી રમતોની જેમ ભારતમાં પણ એક એવી પ્રોફેશનલ રમત અસ્તિત્વમાં આવી છે, જે આજે વૈશ્વિક સ્તરે નિયમિત રમાય છે. વર્ષ 2003માં પુણેના સ્પોર્ટ્સ ટીચર રાજુ દાભાડે દ્વારા શોધાયેલી ‘રોલબોલ’ એ રોલર સ્કેટિંગ, બાસ્કેટબોલ અને હેન્ડબોલનું અદભુત મિશ્રણ છે. આ રમતમાં બંને ટીમના 6-6 ખેલાડીઓ પગમાં રોલર સ્કેટ્સ એટલે કે પૈડાંવાળા શૂઝ પહેરીને મેદાન પર ઉતરે છે અને ઝડપથી સ્કેટિંગ કરતાં કરતાં બોલને ડ્રિબલ તથા પાસ કરીને વિરોધી ટીમના ગોલપોસ્ટમાં નાખવાનો પ્રયાસ કરે છે. આ રમતમાં ખેલાડીની સ્પીડ, શરીરનું અદભુત સંતુલન અને બોલ કંટ્રોલની આકરી કસોટી થાય છે. ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને ઇન્ટરનેશનલ રોલબોલ ફેડરેશન હેઠળ રમાતી આ રમત આજે વિશ્વના 50થી વધુ દેશોમાં રમાય છે. એનો સત્તાવાર ‘રોલબોલ વર્લ્ડ કપ’ પણ દર બે વર્ષે નિયમિતપણે યોજાય છે. |
હેતલ રાવ





