ભારત એની સંસ્કૃતિ, રંગો અને વૈવિધ્યસભર ધરોહર માટે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. વિદેશી પ્રવાસીઓ જ્યારે ભારત આવે છે,
ત્યારે માત્ર ઐતિહાસિક સ્મારકો જ નહીં, પરંતુ અહીંનાં જીવંત બજારો પણ એમના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. ભારતના કેટલાક બજારો એવા છે જેમણે પોતાની વિશિષ્ટતા, ઇતિહાસ અને પ્રાચીન પરંપરાઓના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.
વિદેશી ટૂરિસ્ટ્સ, ફોટોગ્રાફર્સ અને ગ્લોબલ બાયર્સ માટે આ માર્કેટ્સ સ્વર્ગ સમાન છે. અત્યારે જ્યારે દેશભરમાં દિવાળીની ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે વાત કરીએ ભારતના શ્રેષ્ઠ પાંચ માર્કેટ વિશે…
ખારી બાવલી, દિલ્હી

દિલ્હીના લાલ કિલ્લા અને ચાંદની ચોક પાસે આવેલું ‘ખારી બાવલી’ એશિયાનું સૌથી મોટું જથ્થાબંધ મસાલા માર્કેટ છે. 17 મી સદીમાં (1650ના દાયકામાં) ફતેહપુરી મસ્જિદના નિર્માણ સાથે શરૂ થયેલું આ બજાર એના અસલી ભારતીય મસાલા, ડ્રાયફ્રૂટ્સ, દુર્લભ જડીબુટ્ટીઓ અને ચાની વિવિધ પત્તીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દુનિયાભરના નામાંકિત શેફ અને ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર્સ આ બજારની મુલાકાત અચૂક લે છે. અહીંની હવામાં તરતી મસાલાની તીવ્ર સુગંધ અને વેપારની સદીઓ જૂની પદ્ધતિ ભારતની અસલી ઓળખ આપે છે.
અંજુના ફ્લી માર્કેટ, ગોવા

વિદેશી પ્રવાસીઓ અને બેકપેકર્સ માટે ગોવાનું અંજુના ફ્લી માર્કેટ એક આંતરરાષ્ટ્રીય હબ બની ગયું છે. 1960ના દાયકામાં વિદેશી હિપ્પીઓ દ્વારા પોતાના દેશ પરત ફરવા ટિકિટના પૈસા ભેગા કરવા માટે સેકન્ડ હેન્ડ વસ્તુઓ વેચવાથી આ બજારની શરૂઆત થઈ હતી. આજે દર બુધવારે ભરાતું આ બજાર તિબેટીયન હેન્ડીક્રાફ્ટ, બોહેમિયન જ્વેલરી, મકરામ આર્ટ અને દુનિયાભરની અનોખી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. લાઇવ મ્યુઝિક અને આંતરરાષ્ટ્રીય વાતાવરણ તેને ભારતના સૌથી યુનિક માર્કેટ્સમાંનું એક બનાવે છે.
ચોર બજાર, મુંબઈ

દક્ષિણ મુંબઈનું ‘ચોર બજાર’ એન્ટિક અને વિન્ટેજ વસ્તુઓ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. 150 વર્ષથી વધુ જૂના આ બજારનું મૂળ નામ ‘શોર બજાર’ હતું, પરંતુ બ્રિટિશરોના ખોટા ઉચ્ચારણને કારણે એ ‘ચોર બજાર’ બની ગયું. વિદેશી પ્રવાસીઓ અને એન્ટિક વસ્તુઓના શોખીનો અહીં જૂના કેમેરા, બ્રિટિશ કાળની ઘડિયાળો, ઓટોમોબાઇલના જૂના સ્પેરપાર્ટ્સ, ગ્રામોફોન, પિત્તળની વસ્તુઓ અને બોલિવૂડના જૂના પોસ્ટર્સની ખરીદી માટે ખાસ આવે છે.
ઝવેરી બજાર, જયપુર

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જયપુરનું ઝવેરી બજાર એની કુંદન, મીનાકારી અને પોલકી જ્વેલરી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડે છે. મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીયના સમયથી વિકસેલા આ માર્કેટમાં વિદેશીઓ હેન્ડમેડ જ્વેલરી, કિંમતી રત્નો અને પરંપરાગત કલરફુલ ટેક્સટાઇલ (બાંધણી અને લહેરિયા) ખરીદવા ખાસ આવે છે. દુનિયાભરના ડિઝાઇનર્સ અને જ્વેલરીના રસિયાઓ માટે રાજપૂતાના કળાનું આ બજાર એક મોટો પ્રેરણાસ્રોત છે.
જ્યુ ટાઉન માર્કેટ, કેરળ

કેરળનું કોચી સદીઓથી આંતરરાષ્ટ્રીય મસાલા વ્યાપારનું કેન્દ્ર રહ્યું છે. મેટનચેરીમાં 16મી સદીના ઐતિહાસિક યહૂદી સિનેગોગ (Paradesi Synagogue) પાસે આવેલું ‘જ્યુ ટાઉન’ એની વસાહતી (કોલોનિયલ) ઈમારતો, જૂના મસાલાના ગોડાઉન્સ અને એન્ટિક લાકડાના ફર્નિચરની દુકાનો માટે વિશ્વભરમાં ફેમસ છે. વિદેશી પ્રવાસીઓ અહીં ખાસ કરીને જૂના સિક્કા, બ્રોન્ઝના વાસણો, વિન્ટેજ લેમ્પ અને ભારતભરના શ્રેષ્ઠ ગુણવત્તાવાળા મસાલા (ખાસ કરીને કાળા મરી અને એલચી) ખરીદવા આવે છે.
|
ગુજરાતનાં બજારોઃ પરંપરા, કળા અને વૈવિધ્યનો અદભુત વારસો
ગુજરાત સદીઓથી એના વેપાર, હસ્તકલા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે દુનિયાભરમાં જાણીતું રહ્યું છે. વિદેશી પ્રવાસીઓ અને ગ્લોબલ બાયર્સ પણ ગુજરાતના આ જીવંત બજારોના દીવાના છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો અહીંના બજારોનું વૈવિધ્ય અદભુત છે. દિવાળી, તહેવારો અને લગ્નની ભવ્ય ખરીદી, ટ્રેડિશનલ સાડીઓ અને સોના-ચાંદીના દાગીના માટે ઐતિહાસિક રતનપોળ ગુજરાતભરમાં પ્રખ્યાત છે. જ્યારે કોટ કોટ વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ પારંપરિક કાપડ, શાનદાર બાંધણી, પટોળા પ્રિન્ટ અને વ્યાજબી ભાવે મળતા ડ્રેસ મટિરિયલ માટેનું મોટું આકર્ષણ છે. સાબરમતી નદીના કિનારે સુલતાન અહેમદશાહના સમયથી ભરાતું ગુજરી બજાર (રવિવારી બજાર) એન્ટિક વસ્તુઓ, જૂના સિક્કા, પુસ્તકો અને સેકન્ડ હેન્ડ વસ્તુઓનો અનોખો ખજાનો છે. તો બીજી તરફ, લૉ ગાર્ડનનું રાત્રિ બજાર નવરાત્રીના પરંપરાગત ચણિયાચોળી, કચ્છી હેન્ડીક્રાફ્ટ અને ઓક્સિડાઇઝ્ડ દાગીના માટે દેશ-વિદેશના પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. અમદાવાદ ઉપરાંત, ‘સિલ્ક સિટી’ સુરતનું ટેક્સટાઇલ માર્કેટ આખા ભારતનું સૌથી મોટું કાપડ કેન્દ્ર છે, જ્યાંથી દેશ-વિદેશમાં સિલ્ક અને જરીના કાપડની નિકાસ થાય છે. બીજી તરફ, કચ્છ અને ભુજના સ્થાનિક બજારો (જેમ કે ભુજોડી અને અંજાર) એમની વિશિષ્ટ ભરતગૂંથણ કળા, અજરખ પ્રિન્ટ, રોગન આર્ટ અને લેધર વર્ક માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડે છે. આ ઉપરાંત પણ અનેક બજારો પોતાનો ભવ્ય વારસો જાળવીને બેઠા છે. ગુજરાતના આ બજારો માત્ર ખરીદીના સ્થળો નથી, પણ વારસાને વૈશ્વિક મંચ પર ધબકતા રાખતા હૃદય સમાન છે. |
હેતલ રાવ





