પૃથ્વી શાંત અને સ્થિર દેખાય છે, પરંતુ એની અંદર હંમેશા જ્વલંત ઊર્જાનું તોફાન છુપાયેલું રહે છે. તાજેતરમાં ઇથોપિયામાં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ દર્શાવે છે કે પૃથ્વીની સપાટી નીચે રહેલી આગ,
વાયુઉદ્ગમ અને લાવાનો પ્રવાહ ક્યારેક અણધાર્યો બની શકે છે અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. આવા કુદરતી તોફાનો માનવી માટે ચેતવણીરૂપ છે જે બતાવે છે કે પૃથ્વીનું આંતરિક તંત્ર કેટલું જટિલ અને સક્રિય છે.
આ સંજોગમાં, વૈજ્ઞાનિકો અને ભૂગર્ભશાસ્ત્રી વિશ્વના સૌથી જોખમી જ્વાળામુખીઓ પર સતત નજર રાખે છે, જેથી શક્ય નુકસાન અને વિસ્ફોટની આગાહી કરી શકાય. પૃથ્વી પર આવા સક્રિય જ્વાળામુખીઓ માત્ર વિસ્ફોટ માટે જ જોખમરૂપ નથી, પરંતુ એ આસપાસની વસ્તી, પર્યાવરણ અને આર્થિક કાર્યો માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે. ત્યારે વિશ્વના પાંચ સૌથી ખતરનાક અને સક્રિય જ્વાળામુખીઓ વિશે વિગતવાર જાણીએ.
માઉન્ટ વેસુવિયસ, ઇટાલી

ઇટાલીના નેપલ્સ શહેરની નજીક આવેલો માઉન્ટ વેસુવિયસને વિશ્વના સૌથી ખતરનાક જ્વાળામુખીઓમાંનો એક ગણવામાં આવે છે. આ સક્રિય જ્વાળામુખી છે, જે નેપલ્સની નજીક છે. એ 79 એડીમાં થયેલા એના વિનાશક વિસ્ફોટ માટે સૌથી વધુ જાણીતું છે, જેમાં પોમ્પેઈ અને હર્ક્યુલેનિયમ જેવા રોમન શહેરો નાશ પામ્યા હતા. જો કે 1944 પછી આ જ્વાળામુખી નિષ્ક્રિય રહ્યો છે. છતાં ભૂગર્ભ પ્રવૃત્તિઓને કારણે એ હજી પણ સક્રિય તરીકે વર્ગીકૃત થાય છે. આજુબાજુ આશરે ત્રીસ લાખથી વધુ લોકો વસતા હોવાથી આ જ્વાલામુખી ફરી સક્રિય થાય તો વિનાશનું પ્રમાણ અનેક ગણું વધી શકે છે. એની અંદર સતત ઉકળતા મેગ્મા અને દબાણનું પરિવર્તન એને વિશ્વના સૌથી વધુ મોનિટર કરવામાં આવતા અને સૌથી જોખમરૂપ જ્વાલામુખીઓમાં શામેલ કરે છે. આ જ્વાળામુખી સોમ્મા-વેસુવિયસ તરીકે ઓળખાય છે, કારણ કે એ જૂના માઉન્ટ સોમ્મા નાશ પામ્યા પછી બનેલા કેલ્ડેરામાં સ્થિત છે.
માઉન્ટ સેન્ટ હેલેન્સ, અમેરિકા

માઉન્ટ સેન્ટ હેલેન્સ અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલો એક સક્રિય જ્વાલામુખી છે, જે 18 મે 1980ના વિનાશકારી વિસ્ફોટ માટે જાણીતો છે. અમેરિકન ઇતિહાસમાં સૌથી ઘાતક અને આર્થિક રીતે સૌથી મોટુ નુકસાન સર્જનાર આ વિસ્ફોટમાં 57 લોકોના મૃત્યુ થયા હતા અને આશરે 250 ઘર, 47 પુલ તેમજ 185 માઈલથી વધુ રસ્તાઓ નાશ પામ્યા હતા. આ વિસ્ફોટથી પર્વતની ઊંચાઈમાં મોટો ઘટાડો થયો. ઉત્તર ભાગમાં આ જ્વાલામુખીના કારણે વિશાળ ઘોડાની નાળ જેવો ખાડો સર્જાયો. માઉન્ટ સેન્ટ હેલેન્સ કાસ્કેડ જ્વાલામુખી પ્રાંતનો મહત્વપૂર્ણ ભાગ છે, જે પેસિફિક રિંગ ઓફ ફાયર ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. 1982માં આ વિસ્તારને સંરક્ષણ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે “માઉન્ટ સેન્ટ હેલેન્સ નેશનલ વોલ્કેનિક મોન્યુમેન્ટ” તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2004થી 2008 દરમિયાન અહીં નાના વિસ્ફોટો થયા હતા, પરંતુ આજે આ વિસ્તાર કુદરતી રીતે પુનઃપ્રસ્થાપિત થઈ રહ્યો છે, જ્યાં જંગલી જીવન ફરીથી વિકસિત થયું છે. આ વિસ્તાર વૈજ્ઞાનિકો માટે ભૂસ્તરશાસ્ત્રીય પરિવર્તનોનું જીવંત અભ્યાસક્ષેત્ર બન્યો છે.
માઉન્ટ મેરાપી, ઇન્ડોનેશિયા

માઉન્ટ મેરાપી ઇન્ડોનેશિયાના જાવા ટાપુના મધ્ય ભાગમાં આવેલો એક અત્યંત સક્રિય જ્વાળામુખી પર્વત છે, જે યોગ્યાકાર્તા શહેરથી લગભગ 20 માઇલ ઉત્તર તરફ અને સેમરંગ શહેરથી દક્ષિણ તરફ સ્થિત છે. મેરાપીનો અર્થ અગ્નિનો પર્વત થાય છે, એની ઊંચાઈ લગભગ 9,551 ફૂટ એટલે કે 2,911 મીટર છે. એની નીચેનો ઢોળાવો ઘન વનસ્પતિથી ઢંકાયેલા છે, પરંતુ જ્વાળામુખીના સતત ધુમાડા અને રાખને કારણે પર્વતનો શિખર ભાગ નિર્વન રહે છે. ઇન્ડોનેશિયામાં આવેલા 130 સક્રિય જ્વાળામુખીઓમાં મેરાપી સૌથી વધુ સક્રિય ગણાય છે. એનો સૌથી મોટો વિસ્ફોટ ઇસવીસન 1006માં થયો હતો, જેમાં રહેણાંક વિસ્તારો સહિત સમગ્ર મધ્ય જાવા વિસ્તારમાં રાખના પડ જોવા મળ્યા હતા. ત્યારબાદ 1786, 1822, 1872, 1930 અને 1976માં પણ મહત્વપૂર્ણ વિસ્ફોટો નોંધાયા હતા. મેરાપીના લગભગ અડધા વિસ્ફોટો પાયરોક્લાસ્ટિક ફ્લો સાથે જોડાયેલા હતા, જે અત્યંત ગરમ વાયુઓ અને જ્વલિત કણોના ઝડપી વાદળો હોય છે, જે ભારે વિનાશ સર્જે છે. 22 નવેમ્બર 1994ના વિસ્ફોટ દરમિયાન આવેલા પાયરોક્લાસ્ટિક ફ્લોએ 64 લોકોના પ્રાણ લીધા હતા. વર્ષ 2010ના અંતમાં થયેલા તીવ્ર વિસ્ફોટોની શ્રેણીમાં પણ અનેક લોકોના મૃત્યુ થયા, ઘણા ઘાયલ થયા અને હજારો લોકોને વિસ્તાર ખાલી કરાવવો પડ્યો. 2013થી 2023 વચ્ચે મેરાપી અનેક વખત ફાટી નીકળ્યો છે, જે દર્શાવે છે કે આ જ્વાળામુખી આજે પણ અત્યંત સક્રિય અને જોખમકારક સ્થિતિમાં છે.
સાકુરાજીમા જ્વાળામુખી, જાપાન

સાકુરાજીમા જાપાનના કાગોશિમા પ્રીફેક્ચરમાં આવેલો એક સક્રિય જ્વાળામુખી છે. જે જાપાનના સૌથી વધુ સક્રિય જ્વાળામુખીઓમાંનો એક ગણાય છે. એની ઊંચાઈ 1,117 મીટર છે. ભૂતકાળમાં આ ટાપુ અલગતાથી સ્થિત હતું, પરંતુ 1914ના વિનાશકારી વિસ્ફોટ દરમિયાન લાવાના પ્રવાહથી એ મુખ્ય ભૂમિ સાથે જોડાઈ ગયું. આજે, સાકુરાજીમા કાગોશિમા શહેરની નજીક આવેલો એક દ્વીપકલ્પ બની ચૂક્યો છે જે પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. આ જ્વાળામુખી ક્યુશુ ટાપુના કાગોશિમા ખાડીમાં સ્થિત છે, અને સતત સક્રિય રહે છે. એની રાખ અને લાવા ઊભરતા રહે છે. 2016માં નિષ્ણાતો એ ભવિષ્યવાણી કરી હતી હતી કે આ જ્વાલામુખી આગામી 30 વર્ષમાં મોટો વિસ્ફોટ સર્જી શકે છે. સાકુરાજીમા પાસે ત્રણ મુખ્ય શિખરો છે. કિટા-ડેક (ઉત્તરી), નાકા-ડેક (મધ્ય) અને મિનામી-ડેક (દક્ષિણી). ભૂતકાળમાં અહીં હજારોની વસ્તી રહેતી હતી, જે હવે કાગોશિમા શહેરનો એક ભાગ બની ગઈ છે. આ ક્ષેત્ર પ્રવાસીઓ માટે ઓનસેન એટલે કે ગરમ પાણીના ઝરણા, જ્વાળામુખીની રાખમાંથી બનેલા માટીકામ અને સ્થાનિક ઉત્પાદનો જેવી કે સાકુરાજીમા ડાઈકોન મૂળા અને સાકુરાજીમા કોમિકન નારંગી માટે પણ પ્રખ્યાત છે.
માઉન્ટ એટના, ઇટાલી

માઉન્ટ એટના સિસલી દ્વીપના પૂર્વી તટ પર આવેલો યુરોપનો સૌથી મોટો અને સતત સક્રિય જ્વાળામુખી છે. એનો સૌથી ઊંચો હિસ્સો 19,237 હેક્ટરમાં ફેલાયેલું પ્રાકૃતિક સ્થળ ધરાવે છે. જે યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે. ભૂમધ્યસાગર ટાપુ પરનો આ પર્વત સૌથી ઊંચો છે અને વિશ્વનો સૌથી સક્રિય સ્ટ્રેટોવોલ્કેનો ગણાય છે. માઉન્ટ એટનાનો વિસ્ફોટક ઈતિહાસ આશરે પાંચ લાખ વર્ષ જૂનો છે, જ્યારે સક્રિય વિસ્ફોટક પ્રવૃત્તિનો દસ્તાવેજીકૃત ઈતિહાસ ઓછામાં ઓછો 2,700 વર્ષ જૂનો છે. દર વર્ષે આ જ્વાળામુખીમાં અનેક વખત લાવા અને રાખના વિસ્ફોટો જોવા મળે છે, ક્યારેક લાવા નદીની જેમ નીચેના ગામડાઓ સુધી વહી જઈને જોખમ ઊભું કરે છે. એની રાખના વાદળો હવાઇ મુસાફરીમાં અવરોધ ઊભો કરે છે અને આસપાસના શહેરો પર રાખનું આવરણ પાથરી દે છે. પર્વતની પેટાળ નીચેનું સતત દબાણ અને સક્રિયતા એ માઉન્ટ એટનાને યુરોપ માટે સતત જોખમરૂપ બનાવે છે.
હેતલ રાવ




