21 જૂન એટલે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’.એક એવો વૈશ્વિક ઉત્સવ, જેમાં સમગ્ર વિશ્વ એકસાથે જોડાઈને યોગમય બની જાય છે.
દુનિયાભરના દેશો આ દિવસે યોગના મહત્વને સ્વીકારીને એની ભવ્ય ઉજવણી કરે છે. એક સમય હતો જ્યારે યોગ માત્ર ભારતના ઋષિ-મુનિઓ અને હિમાલયની પવિત્ર ગુફાઓ પૂરતો સીમિત હતો, પરંતુ આજે એ ભૌગોલિક સરહદો ઓળંગીને વૈશ્વિક સ્તરે લોકોની જીવનશૈલીનો એક અનિવાર્ય ભાગ બની ચૂક્યો છે.
પશ્ચિમી દેશોની ઝાકઝમાળ અને આધુનિક લાઈફસ્ટાઈલની વચ્ચે માનસિક શાંતિ, તણાવમુક્તિ અને ઉત્તમ શારીરિક સ્વાસ્થ્ય મેળવવા માટે લોકો હવે યોગ તરફ વળી રહ્યા છે. ત્યારે વાત કરીએ વિશ્વના એવા ટોપ પાંચ દેશો વિશે જ્યાં યોગે લોકોના જીવનમાં અનેરો પ્રભાવ પાડ્યો છે…
કેમ અને ક્યારથી શરૂ થઈ યોગ દિવસની ઉજવણી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સમક્ષ વૈશ્વિક સ્તરે યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. યોગના શારીરિક અને માનસિક ફાયદાઓને ધ્યાનમાં રાખીને, યુએનના 177 દેશોએ આ પ્રસ્તાવને ત્વરિત મંજૂરી આપી. પરિણામે, 21 જૂન 2015માં વિશ્વમાં પ્રથમ વખત ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવવામાં આવ્યો. 21 જૂનની પસંદગી એટલા માટે કરવામાં આવી કારણ કે આ દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જે પ્રકૃતિ, ઉર્જા અને લાંબા આયુષ્યનું પ્રતીક છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને યોગના માધ્યમથી વૈશ્વિક એકતા સ્થાપિત કરવાનો છે.
ભારત

યોગના મૂળ જન્મદાતા અને સંસ્કૃતિનું કેન્દ્ર એટલે ભારત દેશ. દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરની ઉત્તરે આવેલો ભારત દેશ આશરે 147 કરોડની વસ્તી સાથે વિશ્વનો સૌથી મોટો માનવ સમુદાય ધરાવે છે. ભારતમાં અંદાજે 15 કરોડથી વધુ લોકો સક્રિય રીતે યોગાભ્યાસ સાથે જોડાયેલા છે. આ દેશની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. ભારતમાં આજે પણ પરંપરાગત ‘હઠ યોગ’ અને શારીરિક શિસ્ત આધારિત ‘અષ્ટાંગ યોગ’ સૌથી વધુ લોકપ્રિય છે. અહીં આસનોની સાથે પ્રાણાયામ અને ધ્યાન પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે, જે વ્યક્તિના આંતરિક આત્માને જગાડવાનું કામ કરે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ

અમેરિકા પશ્ચિમી દેશોમાં યોગનું સૌથી મોટું અને પાવરફુલ કેન્દ્ર છે. ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો આ દેશ આશરે 34 કરોડની વસ્તી ધરાવે છે, જેમાંથી અંદાજે 3.5થી 4 કરોડ લોકોએ યોગને આત્મસાત કર્યો છે અને અહીં યોગ એક મલ્ટી-બિલિયન ડોલરની ફિટનેસ ઇન્ડસ્ટ્રી બની ચૂક્યું છે. આ દેશની વિશેષતા એ છે કે તેઓ વર્ષો જૂની પરંપરામાં આધુનિકતાનો તડકો લગાવે છે. અમેરિકામાં હાલમાં શ્વાસની ગતિ સાથે ઝડપી શારીરિક હલચલ કરતા ‘વિન્યાસ ફ્લો યોગ’ અને 40 ડિગ્રી જેટલા ગરમ તાપમાનવાળા રૂમમાં કરાતા ‘હોટ યોગ’ જબરદસ્ત ટ્રેન્ડમાં છે. અહીં લોકો માનસિક શાંતિ કરતાં વજન ઘટાડવા અને સેલિબ્રિટી ફિટનેસ સ્ટેટસ માટે યોગ વધારે પસંદ કરે છે.
ચીન

આપણી પડોશમાં પૂર્વ એશિયામાં આવેલો વિશાળ દેશ ચીન પણ આ રેસમાં ઘણો આગળ છે. આશરે 141 કરોડની વસ્તી ધરાવતા ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરી તણાવ અને કોર્પોરેટ લાઈફસ્ટાઈલના કારણે યોગનો પ્રસાર ખૂબ ઝડપથી થયો છે. અંદાજે 3 થી 4 કરોડ લોકો નિયમિત યોગ કરે છે. આ દેશની સૌથી મોટી વિશેષતા એ છે કે એમની સદીઓ જૂની તાઓઇઝમ (Taoism) ફિલોસોફી અને પરંપરાગત ચાઇનીઝ મેડિસિન પદ્ધતિ યોગ સાથે મેળ ખાય છે. ચીનમાં અત્યારે ‘યીન યોગ’ (Yin Yoga) સૌથી વધુ ટ્રેન્ડમાં છે. આ પ્રકારના યોગમાં સ્નાયુઓને ઊંડાણપૂર્વક ખેંચાણ આપવા માટે એક જ આસનમાં 3થી 5 મિનિટ સુધી સ્થિર રહેવાનું હોય છે, જે માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ મનાય છે.
કેનેડા

ઉત્તર અમેરિકા ખંડમાં અમેરિકાની બિલકુલ ઉપર આવેલો અને સુંદર પ્રકૃતિ ધરાવતો દેશ કેનેડા છે. આશરે 4 કરોડની વસ્તી ધરાવતા કેનેડામાં વસ્તીના પ્રમાણમાં (Per capita) યોગ કરનારાઓની સંખ્યા ઘણી વધારે છે, જ્યાં અંદાજે 76 લાખ લોકો યોગાભ્યાસ કરે છે. અહીંનો આકરો અને લાંબો શિયાળો લોકોને ઇન્ડોર એક્ટિવિટી તરફ વાળે છે. કેનેડામાં શરીરને મજબૂત અને ગરમ રાખવા માટે ‘પાવર યોગ’ (Power Yoga) અને લાંબા દિવસોના થાક તેમજ માનસિક તણાવને દૂર કરવા હીલિંગ આધારિત ‘રિસ્ટોરેટિવ યોગ’ (Restorative Yoga) નું ચલણ ખૂબ વધારે છે. ત્યાંના બ્રિટિશ કોલંબિયા જેવા પ્રાંતોમાં યોગને હેલ્થ કેરનો એક ભાગ માનવામાં આવે છે.
બ્રાઝિલ

દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો સૌથી મોટો અને આશરે 21 કરોડની વસ્તી ધરાવતો દેશ બ્રાઝિલ યોગના મામલે આ યાદીમાં પાંચમું સ્થાન ધરાવે છે. બ્રાઝિલના લોકો એમની જીવંત લાઈફસ્ટાઈલ અને ફિટનેસ પ્રત્યેના અતિશય લગાવ માટે જાણીતા છે, એથી જ ત્યાં આશરે 60થી 80 લાખ લોકો યોગ સાથે જોડાયેલા છે. આ દેશની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ચાર દીવાલોની વચ્ચે ક્લાસરૂમમાં યોગ કરવાને બદલે પ્રકૃતિની વચ્ચે દરિયાકિનારે (Beach) કે ઓપન ગાર્ડનમાં યોગ કરવાનું ચલણ બહુ છે. બ્રાઝિલમાં અત્યારે પાર્ટનર સાથે મળીને હવામાં સંતુલન જાળવીને કરાતા કલાત્મક અને રોમાંચક ‘એક્રો યોગ’ (Acro Yoga) નો ટ્રેન્ડ વધ્યો છે.
હેતલ રાવ






