વિશ્વના આ ટોપ-5 એજ્યુકેશન બોર્ડ વિશે જાણો છો?

ઉનાળાના વેકેશન પછી ફરી એકવાર શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. બાળકો જ્યારે પ્લે-હાઉસ, કેજી કે પ્રાથમિક શાળાના પહેલા પગથિયે પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે વાલીઓ તરીકેની ચિંતા અને ચર્ચા માત્ર ગુજરાત બોર્ડ (GSEB) સારું, સેન્ટ્રલ બોર્ડ (CBSE) કે પછી વૈશ્વિક સ્તરનું ઇન્ટરનેશનલ બોર્ડ (IB/ICSE)? એ વિકલ્પોની આસપાસ જ ફરતી રહે છે.

પુસ્તકોના ભારે બોજ, ક્લાસરૂમની ચાર દીવાલો અને ગોખણપટ્ટી આધારિત વાર્ષિક પરીક્ષાઓના પરંપરાગત ચોકઠામાં લોકો વર્ષોથી ટેવાઈ ગયા છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૈશ્વિક સ્તરે શિક્ષણની વ્યાખ્યા કેટલી આધુનિક, રસપ્રદ અને પ્રાયોગિક બની ચૂકી છે?  વૈશ્વિક સ્તરે ‘બોર્ડ’ શબ્દનો અર્થ અલગ-અલગ દેશોમાં ભલે જુદો થતો હોય, પરંતુ તેને ટોપ-૫ ઇન્ટરનેશનલ શૈક્ષણિક પ્રણાલી તરીકે જોઈએ ત્યારે શિક્ષણનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. ત્યારે આવો વાત કરીએ વિશ્વના એ ટોપ પાંચ એજ્યુકેશન બોર્ડ અને એમની શિક્ષણ પદ્ધતિ વિશે…..

IB  (આંતરરાષ્ટ્રીય બેકલોરિયેટ ઓર્ગેનાઇઝેશન) – સ્વિટ્ઝર્લેન્ડ  

આ આંતરરાષ્ટ્રીય બોર્ડનું મુખ્ય મથક જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે. એને વૈશ્વિક શિક્ષણ જગતનું ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ માનવામાં આવે છે. આ બોર્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ધારિત પાઠ્યપુસ્તકો હોતા નથી. અહીં શિક્ષણ સંપૂર્ણપણે સંશોધન અને વિચારશીલતા (Inquiry-based Learning) પર આધારિત હોય છે. વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી કરાવવાને બદલે વાસ્તવિક જીવનની સમસ્યાઓ પર પ્રોજેક્ટ્સ કરવા પડે છે અને રિસર્ચ પેપર લખવા પડે છે. આ બોર્ડ માત્ર શૈક્ષણિક ગુણ પર નહીં, પણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ,પર્સનાલિટી અને સામાજિક સેવા (CAS – Creativity, Activity, Service) ના આધારે ગ્રેડિંગ આપે છે. આ વિશ્વનું સૌથી મોંઘું અને વૈભવી બોર્ડ ગણાય છે, જે દુનિયાના તમામ દેશોમાં માન્ય છે.

CAIE (કેમ્બ્રિજ એસેસમેન્ટ ઇન્ટરનેશનલ એજ્યુકેશન) – યુકે

આ આંતરરાષ્ટ્રીય બોર્ડ સીધું વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી, બ્રિટન અંતર્ગત કામ કરે છે અને બ્રિટિશ શૈક્ષણિક પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે. આ બોર્ડ દ્વારા લેવાતી IGCSE (ધોરણ-10) અને A-Levels ( ધોરણ-12)ની પરીક્ષાઓ વૈશ્વિક સ્તરે સૌથી વિશ્વસનીય અને અઘરી માનવામાં આવે છે. આ બોર્ડની વિશેષતા એની અત્યંત ફ્લેક્સિબિલિટી છે, જેમાં ‘સાયન્સ’ કે ‘કોમર્સ’ જેવી કોઈ ફિક્સ સ્ટ્રીમ હોતી નથી. જો કોઈ વિદ્યાર્થીને ફિઝિક્સની સાથે ઈતિહાસ કે અકાઉન્ટ્સની સાથે મ્યુઝિક ભણવું હોય, તો આ બોર્ડ એને મુક્તપણે વિષયો પસંદ કરવાની આઝાદી આપે છે. એ વિદ્યાર્થીના વિષયના ઊંડાણપૂર્વકના જ્ઞાન (Subject Mastery) અને તાર્કિક ક્ષમતાને ચકાસે છે, જેના કારણે બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં આ બોર્ડના વિદ્યાર્થીઓનું ભારે વર્ચસ્વ છે.

College Board (કોલેજ બોર્ડ) યુએસએ

આ અમેરિકાનું સૌથી પાવરફુલ એજ્યુકેશન બોર્ડ છે, જેનું મુખ્ય મથક ન્યૂ યોર્કમાં છે. અમેરિકા અને કેનેડાની શાળા-કોલેજોમાં આ બોર્ડનું એકહથ્થુ શાસન છે. આ બોર્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે એ અન્ય બોર્ડની જેમ વર્ષના અંતે એક જ મોટી ત્રણ કલાકની થિયરી પરીક્ષા લઈને વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી નથી કરતું. આ બોર્ડ ‘ક્રેડિટ સિસ્ટમ’ અને સતત મૂલ્યાંકન પર કામ કરે છે. આ એ જ પ્રખ્યાત બોર્ડ છે જે વિશ્વ સ્તરે ‘SAT’ (Scholastic Assessment Test) અને ‘AP’ (Advanced Placement) જેવી પરીક્ષાઓ લે છે. આ બોર્ડ હેઠળ ભણતા વિદ્યાર્થીઓ શાળા જીવન દરમિયાન જ કોલેજ લેવલના એડવાન્સ કોર્સ પાસ કરી લે છે, જેના કારણે અમેરિકાની આઈવી લીગ (Ivy League) કોલેજોમાં એમને સીધું જ ક્રેડિટ બેનિફિટ અને એડમિશન મળે છે.

OSSD(ઓન્ટેરિયો સેકન્ડરી સ્કૂલ ડિપ્લોમા)- કેનેડા

આ કેનેડાની વૈશ્વિક સ્તરે સ્વીકૃત અને સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક પ્રણાલી છે, જે દુનિયાની ટોચની સ્કૂલોમાં ભણાવવામાં આવે છે. આ બોર્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે એ વર્ષના અંતે લેવાતી ગોખણપટ્ટી આધારિત પરીક્ષાઓના બદલે વિદ્યાર્થીઓની પ્રાયોગિક કુશળતા (Practical Skills) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સિસ્ટમમાં 70-30નો રેશિયો ચાલે છે, જેમાં 70 ટકા ગ્રેડ આખા વર્ષ દરમિયાનના પ્રોજેક્ટ્સ, અસાઇનમેન્ટ્સ અને ક્લાસ પરફોર્મન્સ પરથી અને માત્ર 30 ટકા ગ્રેડ આખરી પરીક્ષા પરથી નક્કી થાય છે. એમાં પણ અમેરિકાની જેમ ‘ક્રેડિટ સિસ્ટમ’ હોય છે.જેમાં વિદ્યાર્થીઓ પોતાની મરજી મુજબ વિષયો પસંદ કરી શકે છે. આ બોર્ડના સર્ટિફિકેટને નોર્થ અમેરિકા, યુકે અને યુરોપની તમામ સર્વોચ્ચ યુનિવર્સિટીઓમાં સીધું જ એડમિશન મેળવવા માટેનો ગ્લોબલ પાસપોર્ટ માનવામાં આવે છે.

Le Bac (ફ્રેન્ચ બેકલોરિયેટ)- ફ્રાન્સ

આ ફ્રાન્સની સત્તાવાર શૈક્ષણિક પ્રણાલી છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એને શિક્ષણનું ‘સુપર-સ્ટાન્ડર્ડ’ માનવામાં આવે છે. આ બોર્ડની સૌથી મોટી વિશેષતા એનું ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન અને ગહન વિચારસરણી પરનું અનન્ય ધ્યાન છે. અહીં કોઈપણ વિષયને માત્ર ગોખીને પરીક્ષા આપવા ખાતર નહીં, પરંતુ તાર્કિક દલીલો, નિબંધ લેખન અને ઊંડા વિશ્લેષણ સાથે જ સમજાવવામાં આવે છે. આ બોર્ડની પરીક્ષાઓ એટલી પ્રતિષ્ઠિત છે કે એમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની માનસિક અને બૌદ્ધિક ક્ષમતા સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં ઘણી આગળ હોય છે. આ જ કારણે યુરોપ અને અમેરિકાની શ્રેષ્ઠ આઇવી લીગ કોલેજો આ બોર્ડના વિદ્યાર્થીઓને સ્વીકારવા માટે હંમેશા તૈયાર રહે છે.

ભારતીય બોર્ડનું વૈશ્વિક સ્તર

વિશ્વના આંતરરાષ્ટ્રીય બોર્ડ્સની વચ્ચે ભારતીય શિક્ષણ પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરતા આ બંને બોર્ડ પણ વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખધરાવે છે. નવી દિલ્હી સ્થિત CISCE (કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ)બોર્ડ (ICSE-ધોરણ 10/ISC-ધોરણ 12) એની અત્યંત વ્યાપક રૂપરેખા અને વૈશ્વિક સ્તરના અંગ્રેજી જ્ઞાન માટે જાણીતું છે, જેના કારણે વિદેશની યુનિવર્સિટીઓ આ બોર્ડના વિદ્યાર્થીઓને પ્રીમિયમ ગણે છે. બીજી તરફ, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત CBSE (કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ) એ દેશનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય બોર્ડ છે. એનો NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)આધારિત અભ્યાસક્રમ IIT, NEET અને UPSC જેવી રાષ્ટ્રીય સ્તરની અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સર્વોત્તમ પાયો તૈયાર કરે છે. એટલું જ નહીં, CBSE ગલ્ફ અને એશિયા સહિત વિશ્વના 24થી વધુ દેશોમાં ભારતીય સમુદાય માટે કાર્યરત છે. વૈશ્વિક યુનિવર્સિટીઓ એના રિપોર્ટ કાર્ડને આદરપૂર્વક સ્વીકારે છે.

 

હેતલ રાવ