આ છે વિશ્વની 5 સૌથી અનોખી આંતરરાષ્ટ્રીય સરહદો!

આંતરરાષ્ટ્રીય સરહદો એ માત્ર નકશા પર દોરેલી રેખાઓ નથી એ ઇતિહાસ, ભૂગોળ અને રાજકારણની સ્ટોરી પણ કહે છે. કેટલીક સરહદો પર્વતો, નદીઓ કે દરિયાકિનારા પરથી પસાર થાય છે, જ્યારે કેટલીક સરહદો શહેરો, મોહલ્લાઓ કે પછી બિલ્ડિંગો વચ્ચેથી પણ પસાર થાય છે. જે વિશ્વની કેટલીક સૌથી અનોખી સીમાઓ બનાવે છે.

તો ચાલો વાત કરીએ આવી જ કેટલીક અનોખી સરહદો વિશે…

બારલે-નાસાઉ અને બારલે-હર્ટગ, નેધરલેન્ડ્સ-બેલ્જિયમ

નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ વચ્ચે આવેલું આ ગામ વિશ્વની સૌથી જટિલ અને અનોખી સરહદ ધરાવે છે. અહીં કોઈ ઊંચી દીવાલ કે સેના નથી, પરંતુ રસ્તાઓ, ફૂટપાથ અને ઘરોની જમીન પર ‘X’ ચિહ્ન તથા દેશના કોડ NL અને B દોરેલા છે. મધ્યયુગીન જમીન કરારોના ઇતિહાસને કારણે આ સરહદ ઘરો અને દુકાનોની આરપાર નીકળે છે. અહીં એક જ ઘરનું રસોડું નેધરલેન્ડ્સમાં અને બેઠકખંડ બેલ્જિયમમાં હોઈ શકે છે! તમે કાફેમાં ચા પીતા-પીતા એક જ ટેબલ પર બે દેશોની સરહદ બદલી શકો છો. ભૂતકાળમાં જ્યારે બંને દેશોમાં દુકાનો બંધ કરવાના નિયમો અલગ-અલગ હતા, ત્યારે વેપારીઓ ટેબલ સરકાવીને બીજા દેશની સીમામાં ચાલુ રાખતા.

જીબ્રાલ્ટર-સ્પેન બોર્ડર, યુનાઇટેડ કિંગડમ-સ્પેન

બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી એવા જીબ્રાલ્ટર અને સ્પેન વચ્ચેની સરહદ વિશ્વની સૌથી રોમાંચક સીમા માનવામાં આવે છે. અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે જીબ્રાલ્ટર એરપોર્ટનો મુખ્ય રનવે આંતરરાષ્ટ્રીય સરહદ અને મુખ્ય રસ્તા વિંસ્ટન ચર્ચિલ એવન્યુને બિલકુલ વચ્ચેથી કાપે છે! જ્યારે પણ કોઈ વિમાન લેન્ડ કે ટેક-ઓફ કરવાનું હોય, ત્યારે ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જાય છે અને કાર તથા પગપાળા ચાલતા લોકોને રોકી દેવામાં આવે છે. વિમાન પસાર થઈ ગયા પછી રસ્તો ફરી ખુલે છે. વર્ષ 1713ની યુટ્રેચ સંધિથી યુકેના કબ્જા હેઠળ રહેલો આ નાનો રોકી ટાપુ વિસ્તાર રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ છતાં ભારે આકર્ષણનું કેન્દ્ર છે.

કોરિયન ડિમિલિટરાઇઝ્ડ ઝોન -DMZ,ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા

1953ના કોરિયન યુદ્ધના અસ્થાયી વિરામ પછી બનેલી આ 240 કિલોમીટર લાંબી અને 4 કિ.મી પહોળી સરહદ વિશ્વની સૌથી વધુ સશસ્ત્ર અને તણાવપૂર્ણ સીમા છે. આ બે દેશો વચ્ચે કોઈ સત્તાવાર શાંતિ સંધિ થઈ નથી. અહીં ‘જોઇન્ટ સિક્યુરિટી એરિયા’ (JSA) નામના સ્થળે વાદળી રંગના કોન્ફરન્સ રૂમની મધ્યમાં રહેલી એક નાની કોંક્રિટની પટ્ટી જ બંને દેશોને અલગ પાડે છે, જ્યાં બંને દેશના જવાનો એકબીજા સામે ઊભા રહે છે. અનોખી વાત એ છે કે માનવ વસ્તીના હોવાને કારણે આ 4 કિ.મીનો વિસ્તાર આજે દુર્લભ વનસ્પતિ અને પ્રાણીઓ માટે એક સુરક્ષિત નેચર રિઝર્વ બની ગયો છે.

શેનઝેન અને લો વુ બોર્ડર,હોંગકોંગ-ચીન

હોંગકોંગ ચીનનો જ એક ભાગ હોવા છતાં, આ સરહદ ‘વન કન્ટ્રી, ટુ સિસ્ટમ્સ’ (એક દેશ, બે વ્યવસ્થા)નું આબેહૂબ ઉદાહરણ પૂરું પાડે છે. 1997માં બ્રિટને હોંગકોંગ ચીનને સોંપ્યું, પરંતુ કરાર મુજબ હોંગકોંગને પોતાની અલગ કરન્સી, કાયદા, પાસપોર્ટ અને ઇમિગ્રેશન કંટ્રોલ રાખવાની સ્વાયત્તતા મળી. શમ ચૂન (Sham Chun) નદી દ્વારા વિભાજિત આ સરહદ પર લો વુ (Lo Wu) અને લોક મા ચૌ જેવા વિશાળ ઇમિગ્રેશન ચેકપોઇન્ટ્સ આવેલા છે. ચીનના નાગરિકોને પણ હોંગકોંગ પ્રવેશવા માટે ખાસ પરમિટની જરૂર પડે છે. અહીં સરહદની એક તરફ હોંગકોંગના ઘનઘોર પહાડો અને લીલોતરી છે, તો સામે પાર ચીનના શેનઝેન શહેરની આકાશી ઇમારતો અને આધુનિક લુક જોવા મળે છે.

ભારત- ભૂતાન બોર્ડર,જયગામ-ફૂન્ટશોલિંગ

હિમાલયની પર્વતમાળાઓ અને ઘનઘોર જંગલો વચ્ચે આવેલી ભારત અને ભૂતાન વચ્ચેની 699 કિ.મી લાંબી સરહદ વિશ્વમાં શાંતિ, સુમેળ અને પરસ્પર વિશ્વાસની મિસાલ છે. અહીં કોઈ કાંટાળા તાર, ઊંચી કોંક્રિટની દીવાલો કે તૈનાત બંદૂકો નથી. ભારત (પશ્ચિમ બંગાળ)ના ‘જયગામ’ અને ભૂતાનના ‘ફૂન્ટશોલિંગ’ વચ્ચે માત્ર એક ભવ્ય ‘ભૂતાન ગેટ’ આવેલો છે. 1949ની મિત્રતા સંધિ અનુસાર બંને દેશના નાગરિકો પાસપોર્ટ કે વિઝા વગર માત્ર સામાન્ય ઓળખપત્રથી સરહદ પાર કરી શકે છે. લોકો રોજિંદા કામ અને ખરીદી માટે એક જ મિનિટમાં દેશ બદલી લે છે.

અહીં પણ છે અનોખી સરહદો

વિશ્વની અન્ય અનોખી આંતરરાષ્ટ્રીય સરહદોમાં અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સીમા સૌથી વ્યસ્ત ગણાય છે, જ્યાં એક તરફ મેક્સિકોના ગીચ મકાનો અને બીજી તરફ અમેરિકાના ખુલ્લા રસ્તાઓ તથા રણપ્રદેશ સ્પષ્ટ વિભાજન દર્શાવે છે. બીજી તરફ, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે વેસ્ટ બેંક વિસ્તારમાં સુરક્ષા માટે બનાવેલી ઊંચી કોંક્રિટની દીવાલ, વોચ ટાવર્સ અને ચેકપોઇન્ટ્સ સાથેનો વિસ્તાર એક ભારે તણાવપૂર્ણ અને ઐતિહાસિક સંઘર્ષ ક્ષેત્ર તરીકે ઊભો છે. ઇરાન અને તુર્કી વચ્ચેની પર્વતમાળાઓ પરથી પસાર થતી દુર્ગમ સરહદ પર ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે તુર્કી દ્વારા વિશાળ કોંક્રિટ બ્લોક્સની ઊંચી સુરક્ષા દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિવાય, પોલેન્ડ અને યુક્રેન વચ્ચેના વિશાળ ખેતરોમાં દર વર્ષે સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન કલાકારો દ્વારા જમીન પર ‘મત્સ્ય’ આકારના આર્ટવર્ક દોરીને સરહદો પાર શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવે છે. જ્યારે સિંગાપુર અને ઇન્ડોનેશિયા વચ્ચે કોઈ જમીની સરહદ નથી, પરંતુ સિંગાપુર સ્ટ્રેટના ક્રિસ્ટલ ક્લિયર પાણીમાં એમની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા આવેલી છે, જે આ પ્રદેશમાં વેપાર અને સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

હેતલ રાવ