હિન્દુ ધર્મમાં પૂર્વજોની મુક્તિ અને આત્માની શાંતિ માટે શ્રાદ્ધની વિધિ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અલબત્ત સનાતન સંસ્કૃતિ માત્ર ભારતના ભૌગોલિક સીમાડાઓ સુધી સીમિત નથી, પરંતુ વિશ્વના વિવિધ ખૂણાઓમાં પણ પિતૃતર્પણ અને પિંડદાનની આ પવિત્ર પરંપરા સદીઓથી જીવંત છે.કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું તર્પણ સ્થળ કે સીમાના બંધનથી પર થઈને પૂર્વજો સુધી પહોંચે છે.
ભારત ઉપરાંત વિશ્વમાં પણ એવા પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાનો આવેલા છે, જ્યાં હિન્દુ વૈદિક વિધિ અનુસાર પિતૃઓને મોક્ષ અપાવવા માટે શ્રાદ્ધકર્મ કરવામાં આવે છે.
આવો જાણીએ વિશ્વના એવા પવિત્ર સ્થળો વિશે જ્યાં આજે પણ પિતૃતર્પણ અને શ્રાદ્ધ કરવાની પરંપરા ધબકે છે.
પશુપતિનાથ અને ગોકર્ણેશ્વર, નેપાળ

નેપાળમાં આવેલું પશુપતિનાથ અને ગોકર્ણેશ્વર હિન્દુ ધર્મમાં પિતૃશ્રાદ્ધ માટે ભારતની બહારનું સૌથી મોટું અને પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે. કાઠમંડુમાંથી વહેતી પવિત્ર બાગમતી નદીના કિનારે આવેલા આર્યઘાટ પર સદીઓથી પિતૃઓના મોક્ષ માટે તર્પણ અને પિંડદાન કરવાની અવિરત પરંપરા છે. પશુપતિનાથ જ્યોતિર્લિંગની છત્રછાયામાં કરવામાં આવેલું શ્રાદ્ધ અક્ષય પુણ્ય આપનારું મનાય છે. ખાસ કરીને કાઠમંડુ નજીક આવેલું પ્રાચીન ગોકર્ણેશ્વર મહાદેવ મંદિર પિતૃકાર્ય માટે ‘નેપાળની ગયા’ તરીકે ઓળખાય છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવે અહીં હરણનું રૂપ ધારણ કર્યું હતું અને બ્રહ્માજીએ અહીં પિતૃમુક્તિ માટે આરાધના કરી હતી. દર વર્ષે ભાદરવા મહિનાની અમાસે અહીં ‘કુશે ઔંસી’ (ગોકર્ણ અમાસ અથવા પિતૃ પર્વ) ખૂબ મોટા પાયે ઉજવાય છે. આ દિવસે હજારો શ્રદ્ધાળુઓ બાગમતી નદીમાં પવિત્ર સ્નાન કરી કુશ (દર્ભ), તલ, જવ અને ગંગાજળ વડે પિતૃઓને તર્પણ અર્પે છે અને વૈદિક બ્રાહ્મણો પાસે પિંડદાન કરાવી પૂર્વજોના આશીર્વાદ મેળવે છે.
માનસરોવર તળાવ, તિબેટ (ચીન)

કૈલાસ પર્વતની પવિત્ર છાયામાં આવેલું માનસરોવર તળાવ વિશ્વના સૌથી ઊંચા અને અતિ પવિત્ર જળાશયોમાં મોખરે છે. સમુદ્ર સપાટીથી આશરે પંદર હજાર ફૂટની ઊંચાઈએ સ્થિત આ સરોવર સનાતન સંસ્કૃતિમાં મોક્ષનું સર્વોચ્ચ ધામ ગણાય છે. હિન્દુ પુરાણો અને શાસ્ત્રો અનુસાર માનસરોવરનું સર્જન સ્વયં ભગવાન બ્રહ્માના મનમાંથી થયું હતું, જેના કારણે એને ‘માનસ સરોવર’ નામ મળ્યું છે. પરંપરામાં એવી અડગ માન્યતા છે કે પૃથ્વી પરના તમામ તીર્થો કરતાં કૈલાસ અને માનસરોવરનું સ્થાન અગ્રેસર છે. કૈલાસ-માનસરોવરની કઠિન યાત્રાએ નીકળેલા યાત્રાળુઓ પોતાના પિતૃઓના કલ્યાણ અને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ માટે માનસરોવરના બર્ફીલા અને દિવ્ય જળમાં સ્નાન કરી તર્પણ વિધિ કરે છે. અહીં કરવામાં આવતું પિંડદાન પિતૃઓને સીધો બ્રહ્મલોક અને શિવસાન્નિધ્ય અપાવે છે એવી દ્રઢ શ્રદ્ધા છે.
કટાસરાજ અમૃત કુંડ, પાકિસ્તાન

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં આવેલું કટાસરાજ મંદિર સંકુલ અખંડ ભારતના પ્રાચીનતમ શૈવ તીર્થો પૈકીનું એક છે. આ સ્થાનનો ઇતિહાસ મહાભારત કાળ જેટલો પુરાણો છે. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે માતા સતી યજ્ઞકુંડમાં ભસ્મીભૂત થયા ત્યારે એમના વિયોગમાં ભગવાન શિવના નેત્રોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. આ અશ્રુઓથી પૃથ્વી પર બે પવિત્ર સરોવર બન્યા એક રાજસ્થાનનું પુષ્કર અને બીજું કટાસરાજનો ‘અમૃત કુંડ’. આ અમૃત કુંડના કિનારે પાંડવોએ પોતાના વનવાસનો કેટલોક સમય વિતાવ્યો હતો અને યક્ષ પ્રશ્નોત્તરી પણ આ જ જળાશયના કિનારે થઈ હોવાનું મનાય છે. વિભાજન પૂર્વે આ સ્થળ પિતૃઓના તર્પણ, પિંડદાન અને અસ્થિ વિસર્જન માટે સિંધુ ખીણના પ્રદેશમાં સૌથી મોટું તીર્થ હતું. આજે પણ પાકિસ્તાનમાં વસતા સ્થાનિક હિન્દુઓ તેમજ ભારતથી વિશેષ પરવાનગી સાથે જતા શ્રદ્ધાળુઓ આ પવિત્ર કુંડમાં સ્નાન કરી પોતાના પૂર્વજોની શાંતિ માટે જળ અર્પણ કરે છે. પ્રાચીન મંદિરોના ખંડેરો વચ્ચે ઘેરાયેલો આ અમૃત કુંડ સદીઓ જૂની હિન્દુ વિરાસત અને પિતૃપૂજાની સાક્ષી પૂરે છે.
કીરીમલાઈ પવિત્ર કુંડ (નગુલેશ્વરમ), શ્રીલંકા

શ્રીલંકાના ઉત્તરીય છેડે જાફના દ્વીપકલ્પમાં આવેલું કીરીમલાઈ હિન્દુ તમિલ સંસ્કૃતિ અને પિતૃશ્રાદ્ધ માટેનું સર્વોચ્ચ તીર્થસ્થાન છે. અહીં દરિયા કિનારે અતિ પ્રાચીન ‘કીરીમલાઈ નગુલેશ્વરમ’ શિવ મંદિર આવેલું છે, જે શ્રીલંકાના પંચ ઇશ્વરમ (પાંચ પવિત્ર શિવધામો) પૈકીનું એક છે. આ સ્થળનું મુખ્ય આકર્ષણ સમુદ્રના ખારા પાણીની બિલકુલ નજીક આવેલું કુદરતી મીઠા પાણીનું ઔષધીય કુંડ છે. રામાયણ કાળ સાથે જોડાયેલા આ સ્થળે પિતૃતર્પણ કરવાનો વિશેષ મહિમા સ્કંદ પુરાણમાં પણ વર્ણવાયેલો છે. શ્રીલંકાના હિન્દુઓ માટે કીરીમલાઈ ‘દક્ષિણની કાશી’ સમાન પવિત્ર છે. દર વર્ષે અષાઢ,શ્રાવણ માસની ‘આડી અમાવાસ્યા’ તેમજ ભાદરવા મહિનાના પિતૃપક્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અહીં ઊમટી પડે છે. લોકો આ પવિત્ર ઝરણામાં અને ત્યારબાદ હિંદ મહાસાગરમાં સ્નાન કરીને દર્ભાસન પર બેસી તલ, ચોખા અને જળથી ‘તિલ હોમમ્’ અને પિંડદાનની વૈદિક વિધિ કરે છે. એવી માન્યતા છે કે અહીં શ્રાદ્ધ કરવાથી અકાળે મૃત્યુ પામેલા પૂર્વજોને પણ સદગતિ પ્રાપ્ત થાય છે.
બાલી, ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયાનું બાલી દ્વીપ વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિ, મંદિરો અને અનોખી આધ્યાત્મિક પરંપરાઓ માટે જાણીતું છે. ભલે બાલી ભારતથી હજારો કિલોમીટર દૂર હોય, પરંતુ ત્યાંની હિન્દુ પરંપરામાં પૂર્વજોની પૂજા દૈનિક અને સામાજિક જીવનના કેન્દ્રમાં છે. બાલીના લોકો માને છે કે પૂર્વજો એમના કુળના રક્ષક દેવતા છે અને એમની સદગતિ વગર પરિવારમાં સુખ-શાંતિ શક્ય નથી. બાલીમાં ભારતના પિતૃપક્ષ જેવો જ એક ભવ્ય ઉત્સવ ઉજવાય છે, જેને ‘ગાલુન્ગન’ અને ‘કુનિંગન’ કહેવામાં આવે છે. બાલીની પાવુકોન કેલેન્ડર મુજબ દર 210 દિવસે આવતા આ પર્વ દરમિયાન એવી શ્રદ્ધા છે કે સ્વર્ગમાંથી પિતૃઓના પવિત્ર આત્માઓ પૃથ્વી પર પોતાના પરિવારજનોને મળવા અને આશીર્વાદ આપવા આવે છે. આ દિવસોમાં સમુદ્રકિનારે આવેલા ‘પુરા તનાહ લોટ’ જેવા સાગરીય મંદિરોમાં અને ઘર-ઘરમાં બનેલા પારિવારિક મંદિરો આગળ પિતૃઓને ફળ, ફૂલ અને અન્નનું વિશેષ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અગ્નિસંસ્કાર બાદ અસ્થિઓને સમુદ્રમાં વિસર્જિત કરી પિતૃઓને દેવત્વ અપાવવાની ‘ન્યાગારા ગુનુન્ગ’ વિધિ કરવામાં આવે છે, જે વૈદિક શ્રાદ્ધ અને તર્પણનું જ એક સુંદર સ્થાનિક સ્વરૂપ છે.
હેતલ રાવ






